દેલાડ: ઓલપાડ તાલુકાના બે ગઠિયા ફ્યુઅલ ઓઇલના વેપારી(Oil Trader) બની મથુરાના એક વેપારી પાસેથી એડ્વાન્સમાં રૂ.51 લાખની રકમ RTGS દ્વારા હડપી પલાયન થઈ ગયા હતા. જ્યારે ફરિયાદી પાસેથી જીએસટીની (GST) રૂ.39 લાખની રકમ પણ બોગસ વસૂલી સરકારી તિજોરીને ચૂનો ચોપડતાં મામલો ઓલપાડ પોલીસ (Police) મથકમાં પહોંચ્યો હતો.
ફ્યુઅલ ઓઇલના સારા ભાવ મળેની લાલચમાં આવી ગયા વેપારી
મુળ ઉત્તરપ્રદેશ રાજ્યના આગ્રાના કમલા નગરના વતની સંજય સુભાષચંદ્ર જૈન હાલ મથુરા ખાતે કોટવન ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં રહી વેપાર ધંધો કરે છે. તે જે.સી. એન્ટરપ્રાઈઝ પ્રા.લિ.નામની ઓઇલ મેન્યુફેક્ચરિંગ કંપનીના ડાયરેક્ટર અને માલિક છે. તેમની કંપનીમાં બે વર્ષથી ઓઇલ દલાલ તરીકે મૂળ ઉત્તરપ્રદેશનો ધીરજ ધરમપાલ બત્રા નોકરી કરે છે. જ્યારે ગત નવેમ્બરમાં દલાલ ધીરજ બત્રાએ તેને ટેલિફોનિક સંપર્ક કરી કહ્યું હતું કે, સુરતમાં રહેતા કમલેશ તથા જીતુ નવકાર ટ્રેડર્સ તથા સાંઇ એન્ટરપ્રાઇઝના માલિક છે અને બંને સુરતથી ઓઇલ ટ્રેડિંગ દ્વારા ફ્યુઅલ ઓઇલનું કામકાજ કરતા હોવાથી સારો ભાવ અપાવી શકે તેમ છે.
સંજય જૈને મોબાઈલ કોન્ફરન્સ કોલથી દલાલ અને આ બંને ઈસમ સાથે વાત દ્વારા ફ્યુઅલ ઓઇલનો રેટ પ્રતિ 1કિલોનો રૂ.34.90 પૈસા નક્કી કર્યો હતો. જો કે, તે સમયે સંજય જૈને આ બંને ઈસમ પાસે તેઓની પેઢીના જી.એસ.ટી. નંબર મંગાવી તેની ચકાસણી સરકારી પોર્ટલ ઉપર કરતાં બરાબર માલૂમ પડ્યું હતું. જેથી તેમણે નવકાર ટ્રેડર્સ તથા સાંઇ ટ્રેડર્સના પ્રોપરાઇટર કમલેશ અને જીતુ પાસેથી ગત તા.૧૨ નવેમ્બરે પહેલી વખત ટ્રાન્સપોર્ટની ટ્રક નં.(એચ.આર- ૬૯,બી-૫૬૪૯) દ્વારા ઓઇલ ભરાવી વોટ્સએપ ઉપર બિલ મેળવ્યું હતું.
રેટ નક્કી કરી તેમણે ફરી ઓઇલ ખરીદ્યું
આ બિલ પેટે રૂ.12,16,104ની રકમ નવકાર ટ્રેડર્સ પેઢીના સુરત ખાતેના બેંક એકાઉન્ટમાં RTGSથી ટ્રાન્સફર કરાવી હતી. ત્યારબાદ બીજા દિવસે રેટ નક્કી કરી તેમણે ફરી ઓઇલ ખરીદતાં આ બંનેએ કહ્યું કે, રાધે ક્રિષ્ના ટ્રાન્સપોર્ટના માલિક હસમુખ પટેલની ટ્રકમાં ઓઇલ ભરીને ટ્રક હજીરા પોર્ટથી રવાના થઇ ગઈ છે. જેથી તે સમયે પણ તેમણે બિલ પેટેની રકમ નવકાર ટ્રેડર્સના બેંક ખાતામાં RTGSથી ટ્રાન્સફર કરી દીધી હતી. જો કે, આ ટ્રક ભરેલું ઓઇલ પહોંચ્યું ન હતું. જેથી સંજય જૈન આ બંને ગઠિયાઓ પાસેથી અવારનવાર ઓઇલનો ભાવ નક્કી કરી ટ્રક મંગાવી એડ્વાન્સમાં RTGSથી પેમેન્ટ કરી રહ્યા હતા.
ફરિયાદીએ મોબાઈલમાં તેઓના ફોટા કેદ કર્યા હતા
જો કે, આ ગઠિયાઓએ ગત તા.15 નવેમ્બરે સંજય જૈનને મોબાઈલ સંપર્કથી કહ્યું કે, નવકાર ટ્રેડર્સમાં લિમીટથી વધારે વેપાર થઇ ગયો હોવાથી હવે પછીના વેપારના બિલ સાંઇ એન્ટરપ્રાઇઝ નામથી આવશે અને તમારે સાંઇ એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવવાની રહેશે. જ્યારે ગત તા.17 નવેમ્બરે કમલેશ અન્ય બે વ્યક્તિને દલાલ ધીરજ બત્રા સાથે ફરિયાદી સંજય જૈનને ન્યૂ દિલ્હી, ને.હા નં.8 ઉપર મહિપાલપુર ખાતેના એમ્બેય રેસ્ટોરન્ટમાં મળવા માટે આવ્યા હતા. દરમિયાન પણ તેઓ વચ્ચે ઓઇલના સપ્લાય અંગે વાતચીત થયા બાદ ફરિયાદીએ મોબાઈલમાં તેઓના ફોટા કેદ કર્યા હતા.
ભળતી વ્યક્તિના નામે જી.એસ.ટી. પોર્ટલ ઉપર પેઢીઓનું રજિસ્ટ્રેશન!
આ ઘટનામાં ફરિયાદી સંજય જૈન હાલમાં તેઓની તપાસ કરવા સુરત આવ્યો ત્યારે આરોપીઓની હિસ્ટ્રી જાણતા તેના હોશ ઊડી ગયા હતા. જેના પગલે ફરિયાદીએ ઓલપાડ પોલીસમથકમાં કમલેશ ઉર્ફે મંગેશ જીવતરામ ફુલવાની તથા જીતુ નામના આ બંને શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, આ શખ્સો કાવતરું રચી ઠગાઇ કરવાના ઇરાદે ભળતી વ્યક્તિના નામે જી.એસ.ટી. પોર્ટલ ઉપર પેઢીઓનું રજિસ્ટ્રેશન કરાવી સારા ભાવ અને નફો આપવા સહિત સમયસર માલની ડિલિવરી આપવાનો વિશ્વાસ આપી મારી પાસેથી માલ પેટે એડ્વાન્સમાં કુલ રૂ.51,09,149 મેળવી મારી પાસેથી જી.એસ.ટી. પેટે અંદાજે રૂ.39,03,090 જેટલી રકમ મેળવી સરકારમાં જમા નહીં કરાવી સરકારી રૂપિયાની ઉચાપત કરી સરકાર તથા મારી સાથે છેતરપિંડી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. જેના પગલે પોલીસે આ બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.