સુરત: (Surat) એક તરફ ભૂતકાળના લોકડાઉનને (LockDown) કારણે પોતાની પર દોષનો ટોપલો નહીં આવે તે માટે આ વખતે સરકાર સત્તાવાર રીતે લોકડાઉન જાહેર કરવા માટે તૈયાર નથી અને પાછલા બારણે લોકડાઉન કરાવવા માટે પ્રયાસો કરી રહી છે. જેમાં હવે સુરત મનપા તંત્ર પણ જોડાઈ ગયું છે. સુરતમાં કોરોનાની ચેઈન તોડવા માટે મ્યુનિ.કમિ. દ્વારા તમામ ઝોનના ઝોનલ ચીફને એવી સૂચના આપવામાં આવી છે કે તેમના દ્વારા ઝોનમાં આવતી સંસ્થાઓ સાથે બેઠકો કરવામાં આવે અને પોતાના સમાજ કે વિસ્તાર પુરતું અઠવાડિયા માટે લોકડાઉન કરાવવા માટે આવે. કમિ.ની આ ટકોરને પગલે હવે તંત્ર દ્વારા સુરતમાં 7 દિવસના સ્વૈચ્છિક લોકડાઉન માટે કવાયત શરૂ કરવામાં આવી છે. સ્વૈચ્છિક (Voluntary) લોકડાઉનમાં અમુક લોકો દ્વારા પોતાના ધંધાકીય સ્થળો ખુલ્લા રાખવામાં આવતાં હોવાથી જે લોકડાઉન પાળે છે તેને નુકસાન થઈ રહ્યું છે. આ કારણે જ આ વખતે લોકો સ્વૈચ્છિક લોકડાઉનને એટલો સહકાર આપી રહ્યાં નથી.
એક તરફ સુરતમાં કોરોનાના કેસ મોટાપાયે વધી રહ્યાં છે. જેને કારણે કોરોનાની ચેઈન તોડવી જરૂરી છે. જો ચેઈન નહીં તૂટે તો આગામી દિવસોમાં કોરોનાના કેસ વધવાની ભીતિ રહેલી છે. સરકાર પોતે લોકડાઉન કરવા માંગતી નથી અને લોકડાઉન માટે જે તે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને પણ સત્તા આપતી નથી. આ કારણે હવે મોટી સમસ્યા ઉભી થઈ છે. સુરત મનપા દ્વારા શરૂઆતના તબક્કે સ્વૈચ્છિક લોકડાઉનના નામે જબરદસ્તીથી દુકાનો બંધ કરાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યાં પરંતુ તેમાં વ્હાલાદવલાની નીતિ થતી હોવાથી તે સફળ રહ્યું નથી. જેથી હવે સ્વૈચ્છિક લોકડાઉન માટે જે તે સંસ્થાઓને અપીલ કરવામાં આવી રહી છે.
કમિ. દ્વારા આ માટે મનપાના આઠ ઝોનના તમામ ઝોનલ ચીફને એવી સૂચના આપવામાં આવી છે કે તેમના દ્વારા વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠકો કરવામાં આવે અને તેઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવે. જે તે સમાજ કે વિસ્તાર પુરતું લોકડાઉન થાય તો પણ કોરોના કાબુમાં આવી શકે. જોકે, આ પ્રયાસોમાં પણ જે તે વિસ્તાર કે ધંધાર્થીને નુકસાન થવાની ભીતિ રહેલી છે. કમિ. દ્વારા આ રીતે સ્વૈચ્છિક લોકડાઉન કરાવવાને બદલે એપેડેમિક એક્ટની સત્તાની રૂએ સુરતમાં લોકડાઉનની જાહેરાત કરી દેવી જોઈએ. ગત વખતે પણ સુરતના મ્યુનિ.કમિ. દ્વારા જ લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી હતી. આ વખતે પણ કમિ. દ્વારા જાહેરાત કરી દેવામાં આવે તો જ અર્થ સરે તેમ છે. અન્યથા સ્વૈચ્છિક લોકડાઉન એક દેખાડાથી વિશેષ રહેશે નહીં.