સુરત: સુરતમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના બની છે. ઘરના આંગણમાં રમતી 5 વર્ષની બાળકીને બિસ્કિટ આપવાની લાલચ આપીને નરાધમ યુવક ઝાડી ઝાંખરામાં લઈ ગયો હતો અને નરાધમ પોતાની મેલી મુરાદને પાર પાડે તે પહેલાં જ એક યુવક ત્યાં દેવદૂતની જેમ પહોંચી ગયો હતો અને નરાધમના હાથમાંથી બાળકીને છોડાવી હતી. જાંબાઝ યુવકે નરાધમને પકડી પોલીસને હવાલે કર્યો હતો અને બાળકીને તેના પરિવારને સહીસલામત સોંપી હતી.
પાંડેસરામાં રહેતા શ્રમિક પરિવારની 5 વર્ષની બાળકી ગઈ તા. 14મીની સવારે ઘરના આંગણામાં રમી રહી હતી ત્યારે કોઈક અજાણ્યો ઈસમ બાળકીને બિસ્કિટની લાલચ આપી ઉપાડી ગયો હતો. નરાધમ બાળકીને વડોદ ગામની પાછળ ખુલ્લી જગ્યામાં આવેલા ઝાડી ઝાંખરામાં લઈ ગયો હતો. આ નરાધમ પોતાની મેલી મુરાદ પાર પાડે તે પહેલાં જ ચમત્કાર થયો હતો.
નરાધમ ઝાડી ઝાંખરામાં લઈ ગયો હોઈ બાળકી રડી રહી હતી. આ જ સમયે વડોદ ગામની પાછળ ખુલ્લી જગ્યામાં બિરેન્દ્રકુમાર રાજપુત નામનો યુવક ટોયલેટ કરવા પહોંચ્યો હતો. બાળકીનો રડવાનો અવાજ સાંભળી બિરેન્દ્ર તે દિશામાં ગયો હતો. ઝાડી પાછળનું દ્રશ્ય જોઈ બિરેન્દ્ર ચોંકી ગયો હતો. નગ્ન હાલતમાં ઉભેલી બાળકીની સામે એક યુવક પેન્ટ ઘૂંટણ સુધી ઉતારીને ઉભો હતો.
આ દ્રશ્ય જોતાં જ બિરેન્દ્ર પરિસ્થિતિ પામી ગયો હતો અને તે હિંમત કરીને બાળકી નજીક દોડી ગયો હતો અને નરાધમને લાત મારીને પાડી દીધો હતો. ત્યાર બાદ બાળકીને કપડાં પહેરાવ્યા હતા. નરાધમ પેન્ટ પહેરતો હતો ત્યારે બૂમો પાડી બીજા લોકોને ભેગા કરી દીધા હતા. ત્રણેક લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. તે લોકોએ નરાધમને પકડ્યો હતો. બિરેન્દ્રકુમાર બાળકીને લઈને સહીસલામત તેના ઘરે પહોંચાડી હતી. બાળકીના ઘરે તેના પરિવારજનો અને પાડોશીઓ સાથે મળીને નરાધમને પાંડેસરા પોલીસને સોંપ્યો હતો. પોલીસે બદકામ કરવાના ઈરાદે બાળકીનું અપહરણ કરનાર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લોકોએ નરાધમને ઢોર માર માર્યો
નરાધમને પકડીને યુવકો બાળકીના ઘર પાસે લાવ્યા ત્યારે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ નરાધમ યુવકને ઢોર માર માર્યો હતો. પૂછપરછમાં નરાધમે પોતાનું નામ રંજન વિજય યાદવ (રહે. તનુ ગેસ પાસે, પાંડેસરા, સુરત) જણાવ્યું હતું. પોલીસે 108માં ઈજાગ્રસ્ત નરાધમ યુવકને નવી સિવિલમાં સારવાર માટે મોકલ્યા બાદ તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.