સુરત (Surat) : સરથાણામાં (Sarthana) બે યુવકોએ પાણીપુરી ખાધા પછી બંનેએ પાણીપુરી લારીના ચાલકને ચપ્પુ વડે માર મારીને (Attack) ગલ્લામાંથી 800 રૂપિયા લૂંટી લઇ ફરાર થઇ ગયા હતા. આ બંને યુવકોએ પાણીપુરી ખાઇને વધારે ચુરમુ માંગ્યુ હતુ અને વધારે પુરી પણ માંગી હતી, ત્યારે પાણીપુરીના ચાલકે શાંતિથી ચાલ્યા જવાનું કહેતા બંનેએ ગાળો આપીને લારીમાં તોડફોડ કરી પાણી અને પુરી ફેંકી દીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ રાજસ્થાનના પ્રયાગ જિલ્લાના મેજાગામનો વતની અને સુરતમાં સરથાણા વ્રજચોક પાસે ક્રિષ્ણાનગરમાં રહેતો મુકેશ સંજય ગુપ્તા પાસોદરા-ગઢપુર ત્રણ રસ્તા પાસે રોડ ઉપર જ પાણીપુરીની લારી ચલાવી પરિવારનું ગુજરાન કરે છે. તેની લારી ઉપર ગુરૂવારે રાત્રીના 10 વાગ્યાના અરસામાં બે યુવકો પાણીપુરી ખાવા આવ્યા હતા. આ બંને યુવકોએ 30 રૂપિયાની પાણીપુરી ખાઇ લીધા બાદ મુકેશે તેઓની પાસેથી રૂપિયા માંગતા બંને ઉશ્કેરાયા હતા અને મુકેશને ગાળો આપવા લાગ્યા હતા. મુકેશે તેને ગાળો આપવાની ના પાડતા બંનેએ વધારે ગાળો આપીને વધારાનો ચૂરમુ તેમજ પાણીપુરી માંગી હતી.
આ દરમિયાન મુકેશે તેઓને લારી બંધ કરવાનું કહીને શાંતિથી ચાલ્યા જવા કહ્યું હતું. આ દરમિયાન બંને ફરી ઉશ્કેરાયા હતા અને લારીમાં તોડફોડ કરી પાણીપુરી ફેંકી દીધી હતી અને મુકેશને છાતી તેમજ પેટના ભાગે ચપ્પુ મારીને ગલ્લામાંથી 800 રૂપિયા લૂંટી લીધા હતા અને ભાગી ગયા હતા. બનાવ અંગે મુકેશભાઇને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે બંને અજાણ્યાની સામે મારામારી અને લૂંટનો ગુનો નોંધી તેઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ચાર વર્ષ પહેલા મોટાભાઇ ઉપર થયેલા હુમલાની અદાવતમાં યુવક પર ચપ્પુથી હુમલો
સુરત(Surat) : ચાર વર્ષ પહેલા મોટાભાઇ ઉપર થયેલા હુમલાની અદાવત રાખીને યુવક ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર કીમ ભાગી જાય તે પહેલા જ એસઓજીએ તેને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપરથી પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ લાલગેટના વરીયાળી બજાર પાસે ખજૂરાવાડીમાં રહેતો અભિ સંજયભાઇ સિંગની ઉપર રફિક ઉર્ફે કાળીયા નામના યુવકે ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. અભિ પોતાના ઘર પાસે ઊભો હતો ત્યારે રફિક તેની પાસે આવ્યો હતો અને કહ્યું કે, ‘અભિ તેરા નામ હૈ..?’ ત્યારે અભિએ કહ્યું કે, ‘હા મેરા નામ અભિ હૈ’. આ સાંભળીને રફિકે પોતાના ખિસ્સામાંથી સિલ્વર કલરના હાથાવાળું ચપ્પુ કાઢીને અભિને પીઠના ભાગે મારી દીધું હતું. અભિને લોહી નીકળતા રફિક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે અભિએ લાલગેટ પોલીસમાં ફરિયાદ આપી હતી.
બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ રફિક સુરત છોડીને બીજી જગ્યાએ ભાગી જાય તે પહેલા જ પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. રફિક સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનેથી સરકારી બસમાં કિમ તરફ ભાગી જવાનો પ્લાન કરી રહ્યો હતો ત્યાં જ એસઓજીની ટીમે રફિકને પકડી પાડ્યો હતો. પોલીસની પુછપરછમાં રફિકે જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલા અભિએ મારા મોટાભાઇ રિઝવાન ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો, જેની અદાવત રાખીને હું તેને શોધી રહ્યો હતો. અભિ તેના ઘર પાસે હોવાની માહિતી મળતા જ મેં ચપ્પુ લઇને તેની ઉપર હુમલો કર્યો હતો. પોલીસે રફિકને પકડીને લાલગેટ પોલીસને સોંપવાની તજવીજ કરી હતી.