નવી દિલ્હી: ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબા દાસ પર ઝારસુગુડા જિલ્લાના બ્રિજરાજનગર પાસે હુમલો થયો છે. ગાંધી ચોક પાસે પોલીસકર્મીએ તેને ગોળી મારી હતી. જે બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ નબા દાસ એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. જ્યારે સ્વાસ્થ્ય મંત્રી નબા દાસ કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેમની કારમાંથી બહાર આવ્યા ત્યારે ASIએ તેમના પર ગોળીબાર કર્યો હતો. જો કે, તેમના પર શા માટે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ ઘટના બાદ નબા દાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ બીજેડી કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા હતા, ત્યારબાદ ઘટનાસ્થળે તણાવ વધી ગયો છે.
એવું માનવામાં આવે છે કે નબા દાસ પરનો આ હુમલો પૂર્વ આયોજિત હતો કારણ કે મંત્રીને કથિત રીતે નજીકથી ગોળી મારવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર સુરક્ષા પગલાં પર ગંભીર સવાલો ઉભા કર્યા છે કારણ કે નબા દાસને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી હતી. ઓડિશાના કેબિનેટ મંત્રી પર ફાયરિંગ કરનાર પોલીસકર્મીની ઓળખ ગોપાલ દાસ તરીકે થઈ છે, જે ગાંધી ચોકમાં ASI તરીકે તૈનાત હતા. મળતી માહિતી મુજબ ASI ગોપાલ દાસે પોતાની રિવોલ્વરથી નબા દાસ પર ફાયરિંગ કર્યું હતું.
જાણકારી મુજબ બ્રજરાજનગરમાં 10 થી 15,000 સમર્થકોની જાહેર સભા દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલે (ASI)ઓડિશાના આરોગ્ય પ્રધાન પર ગોળીબાર કર્યો હતો. મંત્રીને જ્યારે ફૂલોનો ગુલદસ્તો આપવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસકર્મીએ તેમની છાતી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ASIએ મંત્રી નબ દાસને પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી દીધી છે. હાલમાં મંત્રી નાબ દાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ASI સાથે બે-ત્રણ હુમલાખોરો હતા. મંત્રીની હાલત હાલ ગંભીર હોવાનું કહેવાય છે. જો સ્થિતિ વધુ ગંભીર બને તો તેમને એરલિફ્ટ કરીને ભુવનેશ્વર લઈ જવામાં આવી શકે છે.