અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) વિદેશી વિદ્યાર્થીઓ ઉપર ગઇકાલે રાત્રે કેટલાક કેસરીયાધારીયાઓ દ્વારા હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. તેમજ મામલાનો જાણ થતા જ રાજ્ય સરકારે અધિકારીઓને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેમજ આજે સવારે અમદાવાદ (Ahmedabad) પોલીસ કમિશનર જી.એસ. મલિકે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં (Hostel) પહોંચીને સમગ્ર ઘટનાની માહિતી લીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો છે. એક ટોળું હોસ્ટેલની પ્રિમાઈસીસમાં ઘૂસ્યું હતું અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અને તંત્ર પણ વિદેશી વિદ્યાર્થીની સલામતીમાં નિષ્ફળ નિવડ્યું છે. ત્યાંના રેકટર પણ ઊંઘતા ઝડપાયા છે. હાલ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, ધારાસભ્ય કૌશિક જૈન અને કુલપતિ નીરજા ગુપ્તા SVP હોસ્પિટલ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળવા માટે પહોંચ્યા છે.
વિવાદનું કારણ જણાવતાં પોલીસ કમિશનરે કહ્યું કે કેમ્પસમાં નમાઝ પડાવવાને લઈને લડાઈ શરૂ થઈ હતી. તેમણે કહ્યું, ’75 વિદેશી વિદ્યાર્થીઓ હોસ્ટેલના A બ્લોકમાં રહે છે. રાત્રે 10.30 વાગ્યે તેઓ હોસ્ટેલ કેમ્પસમાં નમાજ અદા કરી રહ્યા હતા. ત્યારે બહારથી 25 લોકો આવ્યા અને તેમને બહાર નમાજ પઢતા રોકવા લાગ્યા. આ મુદ્દે મારામારી અને તોડફોડ શરૂ થઈ હતી. મળતી માહિતી મુજબ રમઝાનમાં રાત્રે A બ્લોકમાં તરાવીહ દરમિયાન બી બ્લોકના ત્રણ વિદ્યાર્થીઓ આવ્યા હતા અને તેનો વિરોધ કર્યો હતો. પરંતુ થોડા જ સમયમાં ભીડ ત્યાં પહોંચી ગઈ હતી અને હુમલા કરવા લાગ્યા હતા.
તપાસ માટે 9 ટીમો બનાવી
સમગ્ર મામલે પોલીસ કમિશનર જી.એસ. મલિકે કહ્યું, ‘કેમ્પસમાં લડાઈ શરૂ થયા બાદ પોલીસને 10.51 વાગ્યે બોલાવવામાં આવી હતી અને પોલીસની ટીમ 10.56 વાગ્યે ઘટના સ્થળે પહોંચી હતી. રાજ્યના ગૃહમંત્રીના આદેશ પર આ ઘટનાની તપાસ માટે 9 ટીમો બનાવવામાં આવી છે. તેમજ 4 ક્રાઈમ બ્રાન્ચ અને 5 ડીસીપીની ટીમ તૈયાર કરવામાં આવી છે.
અધિકારીએ કહ્યું કે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલામાં એક આરોપીની ઓળખ થઈ ગઈ છે અને પોલીસ ટૂંક સમયમાં અન્ય લોકો સુધી પહોંચશે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ડરવાની જરૂર નથી. પોલીસ કમિશનરે જણાવ્યું કે આ ઘટના બાદ તાજિકિસ્તાન અને શ્રીલંકાના એક-એક વિદ્યાર્થી હોસ્પિટલમાં છે.
આ ઘટનાને લઈને ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં એક યુવકને થપ્પડ પણ મારવામાં આવી રહી છે. પોલીસ હજુ મામલાની તપાસ કરી રહી છે. તેમજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને આ મામલે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ ઘટના અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. જેમાં 25 લોકોની આરોપી તરીકે નોંધ કરવામાં આવી છે.