નવી દિલ્હીઃ દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરવા માટે આજે તા. 17 સપ્ટેમ્બરની સવારે 11.30 વાગ્યે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં અરવિંદ કેજરીવાલે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિષીના નામનો પ્રસ્તાવ મુક્યો છે, જેને સ્વીકારી લેવામાં આવ્યો છે.
હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સાંજે 4.30 વાગ્યે રાજ્યપાલ (એલજી) વીકે સક્સેનાને મળશે. આ દરમિયાન કેજરીવાલ સીએમ પદ પરથી રાજીનામું આપી દેશે તેવી આશા છે. રાજીનામાની સાથે ધારાસભ્ય દળના નેતાના નામનો પત્ર પણ એલજીને સુપરત કરી શકાશે. તમને જણાવી દઈએ કે કેજરીવાલે બે દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસ પછી દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે અને જનતાની અદાલતમાં જશે.
આ અગાઉ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને મુખ્યમંત્રી બનવામાં રસ નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીની નવી સરકારમાં કોઈ ડેપ્યુટી સીએમ નહીં હોય. માત્ર મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. બે નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી એક આતિષી છે. પાર્ટી એવી વ્યક્તિને લાવવા માંગે છે જે સિસ્ટમને જાણતા હોય અને કામ કર્યું હોય. છેલ્લા બે કલાકથી અરવિંદ કેજરીવાલ 2 નામો પર નેતાઓની સલાહ લઈ રહ્યા છે. મનીષ સિસોદિયાએ ફરી એકવાર આતિષી માટે આગ્રહ કર્યો છે.