નવી દિલ્હી: ગેંગસ્ટર અતીક અહેમદ (Atiq Ahmed) અને તેના ભાઈ અશરફ અહેમદને (Ashraf Ahmed) શનિવારે રાત્રે પ્રયાગરાજમાં મેડિકલ કોલેજમાં ચેક-અપ માટે લઈ જવામાં આવતાં હતા તે સમયે તેઓની માત્ર 18 સેકન્ડમાં ગોળી મારીને હત્યા (Murder) કરવામાં આવી હતી. અતીક અહેમદ અને તેના ભાઈની હત્યા સાથે સંબંધિત 3 સભ્યોની ન્યાયિક તપાસ સમિતિ બે મહિનામાં યુપી સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે. આ સમિતિનું નેતૃત્વ અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અરવિંદ કુમાર ત્રિપાઠી કરશે. આ સમિતિમાં નિવૃત્ત અધિકારી સુબેશ કુમાર સિંહ અને નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ બ્રિજેશ કુમાર સોની પણ સામેલ છે.
માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને તેમના પૈતૃક કસારી મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. બંનેને શનિવારે સાંજે હોસ્પિટલની સામે ગોળી મારી દેવામાં આવી હતી. રવિવારે સાંજે અતીક અને અશરફના મૃતદેહોને કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યા પછી અતીકના બે સગીર પુત્રો અહજામ અને ઈબાનને પણ એમ્બ્યુલન્સમાં ત્યાં લાવવામાં આવ્યા હતા. થોડા સમય પછી અશરફની બંને દીકરીઓને ત્યાં લાવવામાં આવી. અટકળો અંત સુધી ચાલુ રહી હતી કે શું અતીકની પત્ની શાઇસ્તા પરવીન પતિ અતીકને વિદાય આપવા આવશે.
બંને પોલીસ (Police) જીપમાંથી નીચે ઉતર્યાના અને પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે 32 સેકન્ડ બાદ શૂટરોએ પ્રથમ ગોળી ચલાવી હતી. આ પછી, કુલ 20 ગોળીઓ સતત ચલાવવામાં આવી અને 50મી સેકન્ડ સુધીમાં માફિયા બંધુઓનું કામ પૂર્ણ થઈ ગયું. બંનેને પોલીસકર્મીઓની સામે પોઈન્ટ બ્લેન્ક રેન્જમાં પત્રકાર તરીકે દર્શાવતા ત્રણ શખ્સોએ ગોળી મારી હતી. ધટના પછી ઉત્તર પ્રદેશ સરકારે રવિવારે તમામ જિલ્લાઓમાં CRPCની કલમ 144 લાગુ કરી દીધી છે.
જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં 24 ફેબ્રુઆરીએ વકીલ ઉમેશ પાલ અને બે પોલીસકર્મીઓની હત્યા બાદ કુલ છ આરોપીઓની હત્યા કરવામાં આવી છે. અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ તેમની સુરક્ષામાં તૈનાત 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ ઉમેશ પાલના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મોડી રાત્રે થયેલી હત્યા બાદ માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદના મૃતદેહોનું આજે જ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, ત્રણ ડોક્ટરોની પેનલ સ્વરૂપ રાની હોસ્પિટલમાં બંને ભાઈઓના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે. તેમજ બંનેના મૃતદેહ અતીકના સાળા અને તેના પિતરાઈ ભાઈને સોંપવામાં આવશે. તેમજ બંનેના મૃતદેહોને આજે ચકિયા કસારી મસારી સ્થિત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે.
અતીક-એહેમદના હત્યારાઓની ક્રાઈમ કુંડળી
અતીક અહેમદના હત્યારાઓમાંનો એક સની સિંહ હમીરપુર જિલ્લાના કુરારા શહેરનો રહેવાસી છે. તે કુરારા પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર છે, જેની હિસ્ટ્રી શીટ નંબર 281A છે. તેની સામે લગભગ 15 કેસ દર્જ છે. અરુણ ઉર્ફે કાલિયા વિરૂદ્ધ ઘણા કેસ છે. અરુણે જીઆરપી સ્ટેશન પર તૈનાત પોલીસકર્મીની હત્યા કરી હતી, ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. બીજો હત્યારો લવલેશ પહેલા પણ જેલમાં જઈ ચૂક્યો છે. તે કોતવાલી શહેરના ક્યોત્રા વિસ્તારનો રહેવાસી છે. આ ઘટના પછી તેના પિતાએ કહ્યું કે તે ત્યાં કેવી રીતે પહોંચ્યો, અમને કોઈ જાણ નથી અને અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી.. તે ડ્રગ એડિક્ટ છે…અમે તેના વિશે કશું જાણતા નથી… 5-6 દિવસ પહેલા જ તે બાંદા આવ્યો હતો. લવલેશ અગાઉ એક કેસમાં જેલ પણ જઈ ચૂક્યો છે. લવલેશ સામે ચાર પોલીસ કેસ છે. પ્રથમ કેસમાં તેને એક મહિનાની સજા થઈ હતી. બીજો કેસ છોકરીને થપ્પડ મારવાનો હતો, જેમાં તેને દોઢ વર્ષની જેલ થઈ હતી. ત્રીજો કેસ દારૂ સંબંધિત હતો, આ સિવાય એક વધુ કેસ તેના પર છે.
જાણકારી મુજબ પોલીસે અતીક અને અશરફની હત્યા કરનાર આરોપીઓની પૂછપરછ કરતા તેઓને ઘણી ચોંકાવનારી માહિતી મળી આવી છે. આરોપીઓનું કહેવું છે કે અમે અતીક ગેંગનો ખાતમો કરવા માંગતા હતા. અમે રાજ્યમાં અમારું નામ કમાવવા માંગતા હતા. અમે બંનેને મારવા માટે પત્રકાર તરીકે આવ્યા હતા પણ અમે બંનેની હત્યા કરીને ભાગી શકયા ન હતાં.
ઉત્તર પ્રદેશ સરકારે રવિવારે તમામ જિલ્લાઓમાં CrPCની કલમ 144 લાગુ કરી દીધી
ઘટના બાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોડી રાત્રે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને રાજ્યના પોલીસ અધિકારીઓને હાઈ એલર્ટ રહેવા અને રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા કડક કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ લોકોને આ ઘટના અંગે અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. આ ઉપરાંત અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું હતું. ઉત્તર પ્રદેશ સરકારે રવિવારે તમામ જિલ્લાઓમાં CrPCની કલમ 144 લાગુ કરી દીધી છે. ઉપરાંત સીએમ યોગીએ અધિકારીઓને દર બે કલાકે રિપોર્ટ આપતા રહેવાની સૂચના આપી છે. આ સાથે મુખ્યમંત્રીએ આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને સ્થગિત કરી દીધો છે અને મુખ્યમંત્રીના નિવાસસ્થાને કોઈપણ વ્યક્તિની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
હત્યામાં જીગાના બનાવટની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો
આ વચ્ચે સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યામાં જીગાના બનાવટની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તુર્કીની બનાવટની પિસ્તોલ છે જે સરહદ પારથી જ ગેરકાયદેસર રીતે ભારતમાં આવે છે. જાણકારી મુજબ આ પિસ્તોલ પાકિસ્તાનથી ડ્રોન મારફતે ભારતમાં આવી હતી. મુસેવાલા મર્ડર કેસમાં ક્રોસ બોર્ડર પરથી આ જ જીગાના બનાવટની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હત્યારાઓ પ્રયાગરાજની હોટલમાં 48 કલાક સુધી છુપાયા હતા
અતીક-અશરફના હત્યારાઓએ પ્રયાગરાજમાં રહેવા માટે હોટલ લીધી હતી અને 48 કલાક સુધી હોટલમાં છુપાયા હતા. ત્યારે હવે હત્યારાઓ જ્યાં રોકાયા હતા તે હોટલ પર પોલીસ દરોડા પાડી રહી છે. હત્યારાનો સામાન હજુ પણ હોટલમાં છે. હત્યાને અંજામ આપતી વખતે એક હત્યારો બેગ લઈને આવ્યો હતો, હત્યારાનો બાકીનો સામાન હજુ પણ હોટલમાં હોવાની શક્યતા છે. સવારથી હોટલોમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
જો પોલીસ વચ્ચે હત્યા થાય તો તે ગંભીર બાબત છે – સંજય રાઉત
અતીક અને અશરફની હત્યા પર રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ રાજ્યનો વિષય છે. તેઓએ કહ્યું કે જો હત્યા પોલીસની વચ્ચે થઈ હોય તો તે ગંભીર બાબત છે. તેનાથી કાયદો અને વ્યવસ્થા પર મોટો પ્રશ્ન ઉભો થાય છે.
વડા પ્રધાનને પૂછવું છે કે તેઓ બોલશે કે નહીં?- ઓવૈસી
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે અમે દેશના વડાપ્રધાનને પૂછવા માંગીએ છીએ કે તમે કંઈ બોલશો કે નહીં? વડાપ્રધાન ભાષણમાં કહે છે કે મારી સોપારી લેવામાં આવી છે, હવે કહો કે તમે જે રાજ્યના સાંસદ છો ત્યાં શું ચાલી રહ્યું છે. ગઈ કાલની ઘટના બાદ ભારતનો દરેક નાગરિક અસુરક્ષિત અને કમજોર અનુભવી રહ્યો છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ગઈ કાલે થયેલી હત્યાની જવાબદારી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની છે. ઉપરાંત તેમણે માગ કરી છે કે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાને રાજીનામું આપવું જોઈએ.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં જે થઈ રહ્યું છે તે દેશ જોઈ રહ્યો છે
અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યા પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં જે થઈ રહ્યું છે તે દેશ જોઈ રહ્યો છે. જો કાયદાનું શાસન ન હોય તો આવી ઘટનાઓ કોઈપણ કાળે બની ન શકે. યુપીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી મુશ્કેલ છે.
રહસ્યને દફનાવવા માટે અતીકના હત્યારાઓનું એન્કાઉન્ટર થઈ શકે છે: BSP સાંસદ અફઝલ અંસારી
BSP સાંસદ અફઝલ અંસારીએ પણ પ્રયાગરાજમાં અતીક અને અશરફની હત્યાને લઈને મોટું નિવેદન આપ્યું છે. અફઝલે આશંકા વ્યક્ત કરી છે કે રહસ્યને દફનાવવા માટે અતીકના હત્યારાઓનું એન્કાઉન્ટર થઈ શકે છે. અફઝલે આ દરમિયાન સીએમ યોગી પર પણ નિશાન સાધ્યું હતું.