ભારતની તિરંદાજ સ્ટાર જોડી દીપિકા કુમારી અને તેના પતિ અતનૂ દાસે વ્યક્તિગત બે ગોલ્ડ મેડલ જીતવાની સાથે દીપિકાએ રિકર્વ ટીમ ઇવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીતવા સાથે ભારતે વર્લ્ડકપમાં શ્રેષ્ઠતમ પ્રદર્શન કરીને ટૂર્નામેન્ટના પહેલા પ્રથમ સ્ટેજમાં ત્રણ ગોલ્ડ અને એક બ્રોન્ઝ સહિત કુલ ચાર મેડલ જીત્યા હતા.
વિશ્વની માજી નંબર વન દીપિકાએ પોતાની કેરિયરમાં વર્લ્ડકપમાં આ ત્રીજો વ્યક્તિગત ગોલ્ડ જીત્યો છે. જ્યારે અતનુએ વર્લ્ડકપમાં પહેલીવાર ગોલ્ડ જીતીને પુરૂષોના રિકર્વ વ્યક્તિગત ફાઇનલમાં બાજી મારી લીધી છે. આ સાથે જ બંનેએ વર્લ્ડકપ તિરંદાજી ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી લીધી છે.
ભારતના રિકર્વ તિરંદાજોનું વર્લ્ડકપમાં આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે, જેમણે બે વ્યક્તિગત અને એક ટીમ ગોલ્ડ જીત્યો છે. રિકર્વ પુરૂષ વિભાગમાં પણ આ શ્રેષ્ઠતમ પ્રદર્શન છે. આ પહેલા 2009માં જયંત તાલુકદારે ક્રોએશિયામાં ગોલ્ડ જીત્યો હતો. ભારત માટે દીપિકા, અંકિતા ભક્ત અને કોમલિકા બારીએ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીતીને શરૂઆત કરી હતી.
ત્રણેએ શૂટઆઉટમાં મેક્સિકોને 5-4થી હરાવ્યું હતું. આ પહેલા ભક્ત અને દાસે અમેરિકાને 6-2થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે પછી વ્યક્તિગત સ્પર્ધામાં દીપિકા અને અતનુએ ગોલ્ડ જીત્યા હતા દીપિકાએ અમેરિકાની 8મી ક્રમાંકિત મેકન્ઝી બ્રાઉનનને 6-5થી હરાવી હતી. જ્યારે અતનુએ સ્પેનના વર્લ્ડકપમાં ડેબ્યુ કરનારા ડેનિયલ કાસ્ટ્રોને 6-4થી હરાવ્યો હતો.