આપણી ખગોળશાસ્ત્રીય, ભૌગોલિક, પ્રાકૃતિક ઘટનાઓને પ્રાચીન કથાકારોએ પોતાની સર્જનશકિત દ્વારા સાવ જુદી રીતે મૂકી છે. મધ્યકાળના એક કવિએ નાનકડી રચનામાં કહ્યું: આંગન મેં મત સો મેરી સજની, ચંદ્ર કો આજ ગ્રહણ ભયેગો. જો ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણને લગતી પુરાણકથાઓનો પરિચય હોય તો જ આ કવિતાનો ધ્વનિ સમજાય. ખગોળવિદ્યા તો એમ કહે છે કે સૂર્ય અને ચન્દ્રની વચ્ચે જયારે ચન્દ્ર આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે.
પુરાણકથા સાવ જુદી રીતે કહે છે – રાહુ અને કેતુ દેવનો વેશ લઇને અમૃત પીવા બેઠા ત્યારે સૂર્યે અને ચન્દ્રે તેમની વાત વિષ્ણુ ભગવાને કહી દીધી, ભગવાને સુદર્શન ચક્ર વડે બંનેનાં મસ્તક છેદી નાખ્યાં, પણ અમૃત ગળા સુધી તો પહોંચ્યું હતું એટલે તેમનાં મસ્તક અમર થઇ ગયાં. ત્યારથી જયારે જયારે તક મળે ત્યારે રાહુ અને કેતુ ચન્દ્રને તથા સૂર્યને ગ્રસવા જઇ ચઢે છે, આ ગ્રહણ કહેવાય. પેલી નાનકડી રચનામાં કવિ પ્રિયતમા ચન્દ્ર જેવી છે એટલે રાહુ એનો ગ્રાસ કરવાને બદલે તને જોઇને તારો ગ્રાસ કરી લેશે!
એટલે આ બધો કલ્પનાલોક છે. એ પ્રાચીન કવિઓની સર્જનશકિત માટે આપણને માન થાય. પૃથ્વીની નીચે શું છે? હોલીવુડે જુલે વર્નની એક કથા પરથી બોલપટ ઉતાર્યું હતું – ‘જર્ની ટુ ધ સેંટર ઓફ ધ અર્થ’. સામાન્ય રીતે તો પૃથ્વી નીચે પાતાળ છે એમ આપણે કહેતા આવ્યા છીએ, પણ પાતાળ તો સૌથી નીચે છે. એ પહેલાં અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને છેલ્લે પાતાલ. આ સાતમાંથી મોટા ભાગનાં લોકો બે જ જાણે છે – રસાતલ અને પાતાલ. આ બધાં સ્થળે દૈત્ય, દાનવ, નાગ રહે છે. આ બધા જ ગૃહસ્થાશ્રમ પાળે છે. તેમની વચ્ચે વિક્ષેપ પાડવાની શકિત ઇન્દ્રમાં પણ નથી. આ બધાં સ્થળે પણ સરોવરો છે, પંખીસૃષ્ટિ, વનસ્પતિસૃષ્ટિ છે. અનેક પ્રકારના કમળ છે. અહીં સૂર્ય પહોંચતો નથી એટલે નિરંતર અંધકાર જ રહે છે. અહીં બધાં નીરોગી રહે છે.
અતલ લોકમાં મયદાનવનો પુત્ર બલ રહે છે. તેણે એક વાર બગાસું ખાધું તો તેના મોઢામાંથી સ્વૈરિણી (પોતાના જ વર્ણવાળા પુરુષોને પ્રેમ કરતી), કામિની (બીજા વર્ણના પુરુષોને પ્રેમ કરતી) અને પુંશ્ચલી (અત્યંત ચંચળ પ્રકૃતિની) સ્ત્રીઓ પ્રગટ થઇ. પુરુષોને મદાંધ કરવા તેઓ તેમને હાટક નામનો રસ પીવડાવે છે, તેઓ પોતાને ભગવાન માની લે છે. અતલની નીચે છે વિતલ. ત્યાં મહાદેવ હાટકેશ્વરના નામે ભૂતપ્રેતો સાથે રહે છે અને સૃષ્ટિને વિસ્તારવા ભવાની સાથે વિહાર કરે છે, એ બંનેના તેજથી હાટકી નામની નદી વહે છે. અગ્નિ તેનું પાણી પીને સોનું થૂંકે છે, દૈત્યોની સ્ત્રીઓ તેનાં આભૂષણો પહેરે છે.
વિતલની નીચે સુતલ છે. વામન અવતારની કથામાં આવતા બલિ રાજા અહીં રહે છે. ઇન્દ્રને પણ ઇર્ષ્યા થાય એટલી સમૃદ્ધિ સુતલમાં છે. આ લોકની નીચે આવેલા તલાતલમાં મયદાનવ રહે છે. મહાદેવ દ્વારા સુરક્ષિત હોવાને કારણે તેને સુદર્શનનો પણ ભય નથી. તલાતલની નીચે મહાતલ છે, તેમાં કદ્રએ જન્મ આપેલા અનેક નાગ રહે છે, તેમને ગરુડનો ભય છે. તેની નીચે છે રસાતલ. અહીં પણિ નામના દૈત્ય રહે છે, તે દેવતાઓના વિરોધી છે. આ પણિઓની કથા છેક વેદકાળથી ચાલી આવી છે.
આ પણિઓએ પૃથ્વીને રસાતલમાં સંતાડી દીધી છે. ઇન્દ્ર તેમની શોધ કરવા સરમા (દેવોની કૂતરી)ને મોકલે છે. દૈત્યો સરમા સાથે સમાધાન કરવા માગતા હતા પણ સરમા માની ન હતી, તેણે ઇન્દ્રની સ્તુતિ કરી હતી. આ સરમાના પુત્રો – સારમેય ને જનમેજયના ભાઇઓએ હેરાન કર્યા હતા એટલે સરમાએ જનમેજયને શાપ આપ્યો હતો. રસાતલની નીચે છેલ્લે આવે છે પાતાલ. અહીં અનેક પ્રકારના ક્રોધી, ઝેરી નાગ રહે છે. આ બધા નાગોમાં મુખ્ય છે વાસુકિ. આ બધા નાગોના મસ્તક પરના મણિ વડે પાતાલનો અંધકાર દૂર થાય છે. શું આ પાતાલની નીચે પણ બીજો કોઇ લોક છે ખરો? કાલ્પનિક તો કાલ્પનિક. જાણવા જેવો છે એ લોક.