Comments

સિયાચીન ગ્લેશિયર પર ભારતીય લશ્કરના ચાર દાયકા: સિદ્ધીઓ ગૌરવપ્રદ છે

સિયાચીન ગ્લેશિયર એ દુનિયાની સૌથી ઉંચી યુદ્ધ ભૂમિ ગણાય છે. અહીં ભારત અને પાકિસ્તાનના લશ્કરો સામ સામા ગોઠવાયેલા છે. આમ તો આ પ્રદેશ અત્યંત કઠોર હવામાન ધરાવે છે અને તેથી તે બિલકુલ નિર્જન હોવો જોઇએ પરંતુ એકબીજા પરના અવિશ્વાસના વાતાવરણમાં આવા સ્થળે પણ ભારત અને પાકિસ્તાનના લશ્કરની ટુકડીઓ કાયમ ગોઠવાયેલી હોય છે. હાલમાં સિયાચીન ગ્લેશિયર કે હિમશીખર પર ભારતીય લશ્કરે પોતાની હાજરીના ૪૦ વર્ષ પુરા કર્યા છે.

આ કોઇ બહુ ખુશ થવા જેવી સિધ્ધી  તો નથી, કારણ કે મજબૂરીથી ત્યાં લશ્કરે ગોઠવવું પડે છે પરંતુ આ લશ્કરી ટુકડીઓની તૈનાતી,  તેમની સગવડો વિકસાવવા વગેરે બાબતમાં ભારતે જે વિકાસ કર્યો છે તે ખરેખર ગૌરવપ્રદ બાબત છે. હેવી લિફ્ટ હેલિકોપ્ટરો અને લોજીસ્ટિક ડ્રોન્સનો સમાવેશ, ઓલ ટેરઇન વાહનોની તૈનાતી અને ટ્રેક્સનું સઘન નેટવર્ક પાથરવું એ એવા ઘણા પગલાઓમાંના કેટલાક છે જેમણે વિશ્વની સૌથી ઉંચી યુદ્ધ ભૂમિ સિયાચીનમાં ભારતની યુદ્ધ ક્ષમતા વધારી છે એમ અધિકારીઓએ હાલમાં જણાવ્યું હતું.

જ્યારે ભારતીય ભૂમિદળ વ્યુહાત્મક રીતે મહત્વના એવા સિયાચીન ગ્લેશિયરમાં પોતાની હાજરીનું ૪૦મુ વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રદેશમાં છેલ્લા કેટલાક વર્ષમાં માળખાગત વિસ્તરણને કારણે દળની ઓપરેશનલ ક્ષમતાઓમાં સઘન સુધારા થયા છે. સિયાચીન હિમશિખર એ કારાકોરમ પહાડી શ્રૃંખલામાં ૨૦૦૦૦ ફૂટની ઉંચાઇએ છે અને તે વિશ્વના સૌથી ઉંચા લશ્કરીકરણકૃત ઝોન તરીકે જાણીતું છે જ્યાં સૈનિકોએ હિમડંખ અને સખત પવનો સામે પણ લડવાનું હોય છે. પોતાના ઓપરેશન મેઘદૂત હેઠળ ભારતીય લશ્કરે આ ગ્લેશિયર પર ૧૩ એપ્રિલ, ૧૯૮૪ના રોજ પોતાનો સંપૂર્ણ કાબૂ જમાવ્યો હતો.

સિયાચીન ગ્લેશિયર પર ભારતીય લશ્કરનો કાબૂ એ ફક્ત આગવી બહાદુરી અને પ્રતિબધ્ધતાની જ કથા નથી પરંતુ તે ટેકનોલોજીકલ અત્યાધુનિકરણ અને સંસાધનીય સુધારાઓની પણ કથા છે જેણે તેને સૌથી વધુ કઠીન પ્રદેશોમાંના એકમાંથી એક અજેય ભાવના અને સંશોધનના પ્રતિકમાં ફેરવી નાખ્યું એમ એક અધિકારીએ જણાવ્યું હતું. પગલાઓ, ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં ભરવામાં આવ્યા, તેમણે સિયાચીનમાં  તૈનાત સૈનિકોની જીવવાની સ્થિતિઓ અને કામગીરીઓની ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારો કર્યો છે એમ આ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.

ગયા વર્ષે જાન્યઆરીમાં ભૂમિદળની કોર ઓફ એન્જિનિયર્સના કેપ્ટન શિવા ચૌહાણની સિયાચીન ગ્લેશિયરની એક સરહદી ચોકી પર નિમણૂક કરવામાં આવી જે એક મહત્વના બેટલફિલ્ડ પર એક મહિલા અધિકારીની પ્રથમ ઓપરેશનલ તૈનાતી હતી. હવે નવા સંસાધનીય પગલાઓને કારણે અગ્રીમ ચોકીઓ સુધી પણ તાજા અનાજ અને શાકભાજી પહોંચાડી શકાય છે, તબીબી સવલતોનું માળખું વિસ્તારવા પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તથા અનેક સવલતો વધારવામાં આવી રહી છે એ મુજબ અધિકારીઓએ જણાવ્યું હતું. સિચાચીન ગ્લેશિયર જેવા દુર્ગમ પ્રદેશને પણ ભારતે તેના સાહસ અને ટેકનોલોજી વડે એક રહેવાલાયક પ્રદેશ બનાવી દીધો છે એમ કહી શકાય.

આપણે અગાઉ જોઇ ગયા તેમ સિચાચીન એ વિશ્વની સૌથી ઉંચી યુદ્ધભૂમિ છે અને અત્યંત કઠોર હવામાન ધરાવતો એક દુર્ગમ પ્રદેશ છે. ભારતે આ દુર્ગમ પર઼તુ વ્યહાત્મક રીતે મહત્વના પ્રદેશ પર પોતાની તરફના વિસ્તારમાં કબજો જમાવ્યો અને ત્યારબાદ સાહસ અને તકનીકી કૌશલ્યોના જોરે આ પ્રદેશને લશ્કર માટે દુર્ગમમાંથી કંઇક અંશે સુગમ બનાવ્યો  તે ખરેખર ગૌરવપ્રદ કહી શકાય તેવી સિધ્ધી છે.

આમ તો ચીન સાથેની સરહદે લડાખના પ્રદેશમાં પણ સ્થિતિઓ કઠીન છે. ત્યાં પણ દુર્ગમ પ્રદેશ અને ખાસ કરીને શિયાળામાં કઠોર હવામાન હોય છે. પરંતુ સિયાચીનમાં સ્થિતિ ખૂબ જ કઠોર છે. આ એક અત્યંત ઉંચાઇએ આવેલો અને અત્યંત ઠંડુ હવામાન ધરાવતો પ્રદેશ છે. શિયાળામાં તો ત્યાં હવામાન ખૂબ જ કઠોર થઇ જાય છે. આવા કઠોર સંજોગો ધરાવતા પ્રદેશ પર પોતાના લશ્કરને માટે સાહસ અને ટેકનોલોજી વડે રહેવાનું કંઇક સરળ બનાવવાની સિદ્ધી ગૌરવપ્રદ જ કહી શકાય.

Most Popular

To Top