હાલોલ: હાલોલ બસ સ્ટેન્ડ ખાતે સોમવારે મઘાસર ગામની એક વૃદ્ધ મહિલાને એસ.ટી બસ ના ચાલકે અડફેટમાં લેતો મહિલા ગંભીર રીતે ઘવાતા તેને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવી હતી.
સોમવારે હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ઘોઘંબા રૂટ ની બસ હાલોલ બસ સ્ટેન્ડની અંદર આવતી હતી. ત્યારે પગપાળા પસાર થતી એક વૃદ્ધ મહિલા ને એસટી બસના ચાલકે અડફેટમાં લીધી હતી. એસ.ટી બસ ના મહાકાય પૈડા વૃદ્ધ મહિલાના પેટ ઉપર ફરી વળ્યા હતા. જેને લઈ મહિલા ગંભીર રીતે ઘવાઇ ગઇ હતી. 108 એમ્બ્યુલન્સમાં મહિલાને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવી હતી.
ગોધરા રોડ પર ડીવાઈડર સાથે અથડાતા બાઈકચાલકનું મોત
હાલોલ: હાલોલ શહેર બહાર જીઆઈડીસી નજીક સોમવારે ડીવાઈડર સાથે મોટરસાયકલ અથડાતાં યુવાનનું મોત થયું હતું. સોમવારના રોજ નિલેશભાઈ કલસીંગભાઈ રાઠવા (રહે. ભાભર પોસ્ટ કદવાલ તા. પાવી જેતપુર જી. છોટાઉદેપુર) ને ગોધરા ખાતે પરીક્ષા આપવા જવાનું પરંતુ કોઈક કારણસર હાલોલ પહોંચી બસ ચુકી ગયો હતો તેથી ચંદ્રપુરા ગામેે રહેતા અને ખાનગી કંપનીના કેન્ટીનમાં ફરજ બજાવતા તેના મિત્ર અંકુશભાઈ રાઠવાને ફોન કરી હાલોલ બસ સ્ટેન્ડ પોલીસ ચોકી પાસે મોટરસાયકલ લઈને બોલાવ્યો હતો.
જ્યાંથી બંન્ને મિત્રો મોટરસાયકલ પર સાથે નિકળ્યા હતા, ને અંકુશભાઈને નોકરી પર પરત જવાનું હોઈ તેને રીંકી ચોકડી પર ઉતારી નિલેશભાઈ મોટરસાયકલ લઈને ગોધરા તરફ જવા નિકળ્યા હતા. અંકુશભાઈ રીક્ષામાં બેસી કંપની ના ગેટ પર જ પહોંચ્યા હતા, ત્યારે તેમના ફોન પર નિલેશભાઈના નંબર પરથી ફોન આવ્યો હતો કે આશીયાના ગ્રીન્સ સોસાયટી નજીક નિલેશભાઈનો અકસ્માત થયો છે.
ડીવાઈડર સાથે અથડાઈને નિલેશભાઈ રોડ પર ફંગોળાઈ ગયા હતા ને તેમને માથામાં, મોઢામાં તેમજ ડાબા હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી. નિલેશભાઈને ૧૦૮માં લઈને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં, જ્યાં ફરજ પરના તબીબે નિલેશભાઈ ને મૃત જાહેર કર્યા હતા. જેથી અંકુશભાઈ દ્વારા હાલોલ પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતાં, પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધાયો હતો.