SURAT

વર્ષભરનું અનાજ ભરવા માટે ભરોસાનું પાત્ર છે 102 વર્ષની મેં. કલ્યાણદાસ હરજીવનદાસ પેઢી

સુરતની વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જ જાય છે. સુરતની હાલની વસ્તી 55 લાખને આસપાસ છે. શહેરની સીમા વધી છે વસ્તી વધી છે એની સામે દુકાનોની સંખ્યા વધી છે. પણ 100 વર્ષ પહેલાં શહેરની વસ્તી એક લાખ 17 હજાર જેટલી હતી. દુકાનો પણ જૂજ સંખ્યામાં હતી. એ જમાનાની જે દુકાનો હતી તેમાંની કેટલીક દુકાનો આજે પણ સુરતના ભવ્ય ઇતિહાસને વાગોળતી અડીખમ ઉભી છે. એમાની જ એક દુકાન છે મે. કલ્યાણદાસ હરજીવનદાસ પેઢી. એ સમયે આખા હરિપુરા-મહિધરપુરા વિસ્તારમાં અનાજ-કરિયાણા માટે માત્ર આ એક જ દુકાન હતી. એ સમયે સુરતની આસપાસના ગામોના લોકો અનાજ-કરીયાણું લેવા હરિપુરા ભવાનીવડ નજીક સ્થિત આ દુકાન સુધી બળદ ગાડામાં આવતા. વાહન વ્યવહારના સાધનો વધતા લોકો સાયકલ ઉપર વસ્તુઓ ખરીદવા અહીં આવતા. હવે તો જોકે, આ વિસ્તારમાં અનાજ કરીયાણાની ઘણી દુકાનો છે પણ ક્વોલિટીમાં બાંધછોડ નહીં કરવાના સિદ્ધાંતને વળગી રહેવાને કારણે તળ સુરતના લોકોને અનાજ કરીયાણા માટે આ પેઢી પર અતૂટ વિશ્વાસ છે. આ પેઢીનાં કયા અનાજ, મસાલા, ડ્રાયફ્રૂટ સુરતીઓને પસંદ છે? શું સાત સમંદર પાર પણ આ પેઢીની વસ્તુઓ જાય છે? તે આપણે આ દુકાનના ચોથી અને પાંચમી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.
વંશવેલો- કલ્યાણદાસ હરજીવનદાસ પપૈયા, રણછોડદાસ કલ્યાણદાસ પપૈયા, ભૂખણદાસ રણછોડદાસ પપૈયા, પન્નાલાલ ભૂખણદાસ પપૈયા, ચંદુલાલ ભૂખણદાસ પપૈયા, બળવંતલાલ ભૂખણદાસ પપૈયા. ઈશ્વરભાઈ ભૂખણદાસ પપૈયા. જીતેશભાઈ ઇશ્વરલાલ પપૈયા, વ્રજેશભાઈ ઇશ્વરલાલ પપૈયા

2006ના પુરમાં 4થી 5 લાખ રૂપિયાના માલને નુકસાન થયું હતું: જીતેશભાઈ પપૈયા
આ દુકાનના પાંચમી પેઢીનાં સંચાલક જીતેશભાઈએ જણાવ્યું હતું કે, 2006માં સુરત સિટીમાં જે ભયંકર રેલ આવી હતી તેમાં અમે ઘણું આર્થિક નુકસાન વેઠયું હતું. રક્ષાબંધનના એક દિવસ પહેલાં આ રેલ આવી હતી. દુકાનમાં 5થી 6 ફૂટ પાણી ભરાયું હતું. અમને દુકાનનો સામાન સુરક્ષિત જગ્યા પર ખસેડવા માટેનો ટાઈમ પણ નહીં મળ્યો. 4થી 5 દિવસ પાણી ભરાયેલું રહેવાને કારણે ઘઉં, ચોખા, દાળ સડી ગયા હતા. મરી-મસાલાના પેકેટ પાણીમાં તરી ગયા હતાં. 4થી 5 લાખ રૂપિયાના માલ-સામાનને નુકસાન થયું હતું. દુકાનના ફર્નિચરને એક-દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. દુકાનમાં કાદવ-કીચડ હટાવવામાં 5-6 દિવસ લાગ્યાં હતાં. એ સમયે દુકાન 10 દિવસ બંધ રહી હતી જોકે, ફરી દુકાન ચાલુ થયા બાદ પણ રાબેતા મુજબનું કામ-કાજ શરૂ થતા ખાસ્સા દિવસો લાગ્યાં હતાં.

1995મા ડિમોલિશનમાં જૂની દુકાનનો 80 ટકા ભાગ તૂટ્યો : વ્રજેશભાઈ પપૈયા
આ દુકાનના પાંચમી પેઢીનાં સંચાલક વ્રજેશભાઈ પપૈયાએ જણાવ્યું કે અમારી જૂની દુકાન જેની સ્થાપના કલ્યાણદાસ પપૈયાએ કરી હતી તેનું સુરત મહાનગરપાલિકાએ ડિમોલિશન કર્યું હતું. 1995માં S.M.C. કમિશનર S.R.Raoએ ભવાની વડ પાસેના સાંકડા રસ્તાને પહોળો કરવા માટે કેટલીક દુકાનોનું ડિમોલિશન કરાવ્યું હતું. જેમાં અમારી જૂની દુકાનનો 80 ટકા ભાગ કપાતમાં ગયો હતો. ત્યારબાદ અમે ભાડાની દુકાનમાં અમારો અનાજ-કરિયાણાનો ધંધો શરૂ કર્યો હતો. બાદમાં અમે નજીકમાં દુકાન ખરીદી અમારો ધંધો આગળ ધપાવીએ છીએ. અત્યારની અમારી દુકાન ભવાની વડ પાસે જ છે. જોકે, અમારી દુકાનનું સ્થળ બદલાયા છતાં ઓલ્ડ સિટીના ગ્રાહકો ઉપરાંત પાર્લે પોઇન્ટ, પાલ, અડાજણ, વેસુમાં શિફટ થયેલા વોલ સિટીના લોકો આજે પણ અમારી દુકાનમાંથી જ અનાજ-કરિયાણું, મરી-મસાલા, કઠોળ ખરીદવા લાંબુ અંતર કાપીને પણ આવે છે. કેમકે, અમારા માલ-સામાનની ક્વોલિટી પર લોકોને વિશ્વાસ છે.

મને અને બળવંતભાઈને લોકો જય-વિરુની જોડી કહેતા: ઈશ્વરલાલ પપૈયા
આ દુકાનના ચોથી પેઢીનાં સંચાલક ઇશ્વરલાલ પપૈયાએ જણાવ્યું કે હું અને મારા ભાઈ બળવંતે ધંધાનો વ્યાપ વધારવા સંપ અને વિશ્વાસથી ખંતપૂર્વક તનતોડ મહેનત કરી. અમને બંને ભાઈઓને લોકો જય-વિરુની જોડી કહેતા. જ્યારે દુકાનની સ્થાપના થઇ હતી ત્યારે હરિપુરા, મહિધરપુરા, રાણીતળાવ, સૈયદપુરા, લાલ દરવાજા વિસ્તારમાંથી લોકો ખરીદી કરવા આવતા. જ્યારે સુરતની આસપાસના ગામડાના લોકો બળદ ગાડામાં દુકાન સુધી ખરીદી કરવા આવતા. મારા ભાઈ બળવંતભાઈનું નિધન 2007માં થયું હતું. અમે બંને ભાઈઓ સાથે દુકાનમાં બેસતા અને અમે નિયમ બનાવ્યો હતો કે ક્વોલિટીમાં કોઈ દિવસ બાંધછોડ નહીં કરવી. નાની વયના ગ્રાહકોને પણ વજન બાબતમાં કોઈ દિવસ છેતરવું નહીં. આને કારણે જ ગ્રાહકોનો અમારી પરનો વિશ્વાસ વધ્યો હતો અને અમે બંને ભાઈઓ જય-વિરુની જોડી તરીકે લોકપ્રિય થયા હતા. બળવંતભાઈનું નિધન 2007માં થયું હતું.

પન્નાલાલ પપૈયાએ 50 વર્ષ સુધી દુકાન સંભાળી
ભૂખણદાસ પપૈયાના પુત્ર પન્નાલાલે આ પઢીનું સંચાલન 50 વર્ષ સુધી કર્યું હતું. કલાકોની તનતોડ મહેનત કરી તેમણે ધંધો જમાવ્યો હતો. તેમના નામથી લોકો આ દુકાનને પન્નાની દુકાન પણ કહેતા. તેઓ ધોતી, કફની અને ટોપી પહેરતા. આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી તેઓ માત્ર મેટ્રિક સુધી ભણ્યા અને બાદમાં તરત દુકાને બેસી ગયા હતા. લોકો તેમને પન્નાના નામે બોલાવતા. તેમનું 1992માં નિધન થયું હતું.

સ્થાપકના નામે પેઢી રાજા પપૈયાના નામે આજે પણ ઓળખાય છે
મે. કલ્યાણદાસ હરજીવનદાસ પેઢીની સ્થાપના 102 વર્ષ પહેલાં 1922માં કલ્યાણદાસ હરજીવનદાસ પપૈયાએ કરી હતી. હરિપુરા-મહિધરપુરામાં આ પહેલી અનાજ-કરિયાણાની દુકાન હતી. એ સમયના લોકો કલ્યાણદાસને રાજા તરીકે ઓળખાતા એટલે દુકાન રાજા પપૈયાને નામે જાણીતી થઈ હતી. આજે પણ આ દુકાન આ નામે ઓળખાય છે. તેમના બાદ દુકાનનું સંચાલન તેમના પુત્ર રણછોડદાસ પપૈયાએ કર્યું હતું. બાદમાં રણછોડદાસના પુત્ર ભૂખણદાસ પપૈયાએ દુકાન સંભાળી હતી. ભૂખણદાસને 4 પુત્ર અને 7 દીકરીઓ હતી. તેમની આર્થિક સ્થિતિ સારી નહીં હતી.

અલુણામાં ડ્રાયફ્રૂટની તો નવરાત્રીમાં ફરાળની સામગ્રીની ડીમાંડ વધે છે
વ્રજેશભાઈએ જણાવ્યું કે અલુણા વ્રતની શરૂઆત થતા ડ્રાયફ્રૂટ જેમકે, કાજુ, બદામ,આલૂ,અંજીર,અખરોટની ડીમાંડ વધી જાય છે. ડ્રાયફ્રૂટ ખરીદવા અલુણાના 10-15 દિવસ પહેલાં ગ્રાહકોનો ઘસારો થવા લાગે છે. જન્માષ્ટમીમાં સૂંઠ, પંજરી, મીશ્રી તો નવરાત્રિમા ફરાળની વાનગીની સામગ્રીઓ જેમકે, સીંગોડાનો લોટ, રાજગરનો લોટ, મોરિયોની માંગ વધે છે. હોળીમાં પૂજાની સામગ્રી, મકરસંક્રાંતિમાં ગોળ, તલ, સીંગદાણા, ઘી માટે ગ્રાહકોની ભીડ થાય છે. દિવાળીમાં તરેહ-તરેહના મુખવાસ, ચોળાફળી, મઠીયા, થાપડા, ચકરીનો લોટ ખરીદવા શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી લોકો આવે છે.

લગ્ન પ્રસંગમાં જમણવારનો સોદો તૈયાર કરી આપે છે
વ્રજેશભાઈએ જણાવ્યું કે, કોઈને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો ગ્રહ સાતક, માંડવા મુહૂર્ત વખતે જમણવાર માટેનો સોદો અમે તૈયાર કરી આપીએ છીએ. તેમાં ચોખા, દાળ, મરચું, હળદર , મીઠું, ઘી, દડીયા વગેરે હોય છે. આખો સોદો 20-25 હજાર રૂપિયાની કિંમતનો તૈયાર થાય છે. અઠવાડિયા પહેલાં હોમ ડિલિવરીથી મોકલી અપાય છે.

હોળી પ્રગટે પછી ઘઉં, જુવાર, તુવેરની દાળ ખરીદવા ગ્રાહકોનો ઘસારો થાય છે
જીતેશભાઈએ જણાવ્યું કે, હોળી પ્રગટી જાય પછી ઘઉં, જુવાર, તુવેર દાળ વર્ષભરના ભરવા માટે ગ્રાહકોનો ઘસારો રહે છે. આ ઉપરાંત મરી-મસાલા હળદર, ધાણા, લાલ મરચું, સેલમ હળદર, જીરું, રાય,મેથી, અજમો, તજ, લવિંગ, કાળામરી,એલચી ખરીદવા ગ્રાહકો ઉમટી પડે છે. અમારી દુકાનનો ચાનો મસાલો, ગરમ મસાલો વખણાય છે. અથાણાની સિઝનમાં મેથીયા કેરી, ગોળ કેરી, ગુંદા કેરીનો મસાલો ખરીદવા શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી લોકો આવે છે.

માગશર મહિનાથી ચોખા અને કઠોળ ભરવાની સીઝન શરૂ થતા ગ્રાહકોની લાઈનો લાગે છે
વ્રજેશભાઈએ જણાવ્યું કે, આસોમાં દિવાળી આવ્યા પછી માગશર મહિનાથી ચોખા અને કઠોળ ભરવાની સીઝન શરૂ થાય છે. લોકો બારે માસ ચાલે એટલા ચોખા અને વિવિધ કઠોળ જેમકે, મગ, અડદ, લાલ ચોળી, મગના ફાળા, દેશી ચણા, છોલે ચણાની ખરીદી કરવા લાઈનો લગાવે છે. એક પરિવાર 5થી 10 કિલો સુધીના કઠોળ અમારે ત્યાંથી લઈ જાય છે. ચોખામાં બાસમતી, જીરાસળ, કોલમ, લશકારી કોલમ, કૃષ્ણ કમોદ આદિ ચોખા બારેમાસ માટે ભરતા હોય છે. લોકો અમને ઓર્ડર આપે એટલે અમે હોમ ડિલીવરી પણ કરીએ છીએ.

જર્મની, કેનેડા, અમેરિકા વસેલા લોકો વોટ્સએપથી ઓર્ડર આપે છે
વ્રજેશભાઈએ જણાવ્યું કે જર્મની, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીમાં વસેલા સુરતના લોકો અમને વોટ્સએપ પર મરી-મસાલા માટેના ઓર્ડર આપે છે. અમે અહીંથી પાર્સલ મોકલી આપીએ છીએ. ફ્લેટ પેકિંગમાં એર ટાઈટ પેકિંગ કરીને સામાન મોકલીએ છીએ. કેટલાંક N.R.I. તેમના સગા-સબંધીને અમારી દુકાન પર મરી-મસાલા માટે મોકલે છે. ત્યાંના દેશોમાં મરી-મસાલા મોંઘા મળતા હોવાથી અહીંથી એ લોકો મંગાવે છે.

Most Popular

To Top