ખેરગામ તાલુકો ધીરે ધીરે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. 22 તાલુકા ધરાવતા આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગે આદિવાસી વસતી વસવાટ કરે છે. પરંતુ વિકાસ માટેની ભૂખ આજે આ નવસારી જિલ્લામાં ખેરગામ તાલુકાને આગળ લઈ જઈ રહી છે. તાલુકાનું આવું જ એક ગામ એટલે બહેજ. જે શિક્ષણમાં તો આગળ છે જ, સાથે સાથે પાયાની સુવિધા માટે પણ અગ્રેસર છે. ગામના લોકોની એકરાગીતાને કારણે ચોતરફ તમને વિકાસ કાર્યોની ઝલક જોવા મળે જ. ખેરગામ નગરથી આ ગામ માત્ર ત્રણ કિમીના અંતરે આવેલું છે. ઉત્તમ શાસકો અને ગામના આગેવાનોની કોઠાસૂઝને કારણે કૃષિ ક્ષેત્ર હો કે અન્ય કોઈપણ ક્ષેત્રે બહેજ અન્ય ગામોથી અલગ તરી આવે છે. બહેજ ગામમાં તાન અને માન નદીઓનું સંગમ થાય છે અને બંને નદીઓ ભેગી થતાં ઔરંગા નદી ઉત્પન્ન થાય છે. હાલમાં આ ગામમાં ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય કેનાલમાંથી સિંચાઈનાં પાણી મળે છે. મૂળ પારસીઓએ આ ગામ વેચાતું લીધું હતું. સમય જતાં પારસીઓની વસતી ઓછી થતી ગઈ અને ઘણાખરા પારસીઓ મુંબઈ વસી ગયા હતા. આજે પણ ગામમાં ધાર્મિક પ્રસંગોએ મુંબઈથી પારસીઓ અચૂક મુલાકાત લે છે. વિકાસ કામોમાં તેમનું પણ નોંધપાત્ર યોગદાન છે. હાલના સરપંચ ધર્મેશભાઈ પટેલનાં કાર્યકાળમાં ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સહકારથી ગામમાં વિકાસ કાર્યોને વેગ મળ્યો છે
- સને-1947માં દેશ આઝાદ થતાં જ દેશી રજવાડાં નાબૂદ કરવામાં આવ્યાં, બહેજ ગામ ભીખાયજી મેહેરજીની માલિકીનું હોવાથી નિયમોનુસાર 10,000 રૂપિયાનું વળતર ચૂકવી સરકાર હસ્તક કરવામાં આવ્યું હતું, ભીખાયજી મેહેરજીએ પારસી વહીવટનો પાયો નાંખ્યો હોવાથી આ ગામ ‘બેઝ’ના નામે ઓળખાયું અને સમય જતાં ‘બહેજ’ તરીકે ઓળખ પામ્યું
- ખેરગામ નગરથી માત્ર ત્રણ કિ.મી.ના અંતરે આવેલા બહેજ ગામમાં એક સમયે પારસી લોકોની વસતી વધુ હતી, સમય જતાં પારસીઓ મુંબઈ સ્થાયી થયા હતા, પણ ગામ પ્રત્યેનો પ્રેમ આજેય યથાવત, વિકાસ કામોમાં ગ્રામ પંચાયતના શાસકો અને આગેવાનોનો અમૂલ્ય ફાળો
- બહેજમાં ઢોડિયા, કુંકણા, આહીર, કોડચા, રાજપૂત, ટંડેલ સમાજના લોકોનો એકસંપ, અન્ય ગામો કરતાં આરોગ્ય, શૈક્ષણિક સહિતની વિવિધ સુવિધામાં બહેજ ગામ અગ્રેસર, 75 ટકા લોકો શિક્ષિત, ગામની 3677ની વસતીમાં મહિલાઓની સંખ્યા સૌથી વધુ 1841, પુરુષોની સંખ્યા 1836 છે
- તાન અને માન નદીઓના સંગમથી ઉત્પન્ન થતી ઔરંગા નદી બહેજ ગામથી પસાર થાય છે, કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં પણ આગેકૂચ
ગામની વિશેષતા
બહેજ ગામના લોકો મોટા ભાગે કૃષિના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એ સાથે પશુપાલનનો પણ પૂરક વ્યવસાય કરે છે. ગામમાં શિક્ષણનું સ્તર ધીમે ધીમે ઊંચું આવી રહ્યું છે. હાલ તો ગામના 75 ટકા લોકો શિક્ષિત છે. ગામમાં 2 પ્રાથમિક શાળા, 1 હાઇસ્કૂલ, 1 ખાનગી શાળા, 1 છાત્રાલય અને 5 આંગણવાડી છે. ભારત સરકારની વસતી ગણના મુજબ હાલ ગામની વસતી 3677 છે, જેમાં મહિલાઓની સંખ્યા સૌથી વધુ 1841 અને પુરુષોની સંખ્યા 1836 છે. લોકોના આરોગ્યની સુખાકારી માટે અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા પણ ઉપલબ્ધ છે. એ સિવાય એક પેટા આરોગ્ય કેન્દ્રની સુવિધા પણ છે. જ્યારે ઔરંગા નદીના કિનારે વસેલું ગામ હોવા છતાં પણ પાણીની તકલીફ ન પડે એ માટે ગામમાં 49 હેન્ડપંપની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. એ સિવાય લોકોને પાણી મળી રહે એ માટે 11 મોટી અને 7 નાની ટાંકી બનાવવામાં આવી છે. અહીં મોટા ભાગે મિશ્ર પ્રજા વસવાટ કરે છે, જેમાં ઢોડિયા, કુંકણા, આહીર, કોડચા, રાજપૂત, ટંડેલ સમાજના લોકોનો વસવાટ મુખ્ય છે. આ ગામમાં એક દૂધમંડળી પણ આવેલી છે.
નવજીવન માધ્યમિક શાળા કરે છે શિક્ષણનું સિંચન
બહેજ ગામના કૂટીખડકમાં વર્ષ-1987માં નવજીવન માધ્યમિક શાળાની સ્થાપના થઈ હતી. જેના પ્રમુખ તરીકે હાલ રમણભાઈ પટેલ, મંત્રી તરીકે મોહનભાઈ પટેલ, આચાર્ય તરીકે રજનીકાંત પટેલ ફરજ બજાવી રહ્યા છે. આ શાળામાં ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ઉચ્ચ લેવલ સુધી પહોંચ્યા છે. એ પછી વર્ષ-2018-19માં છાત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને વલસાડના ધરમપુર, કપરાડા, ડાંગ સહિતના અંતરિયાળ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. હાલમાં આ છાત્રાલયમાં 72 વિદ્યાર્થી ભણી રહ્યા છે.
બહેજ ગ્રામ પંચાયતના શાસકો
- # સરપંચ-ધર્મેશભાઈ ગમનભાઈ પટેલ
- # ડે.સરપંચ-સરલાબેન રાજેશભાઈ ભોયા
- # તલાટી કમ મંત્રી-ફૂલવંતીબેન પટેલ
- # સભ્યો-કલાવતીબેન પટેલ
- # નારણભાઈ પટેલ
- # હર્ષદભાઈ પટેલ
- # તારાબેન પટેલ
- # ભારતીબેન પટેલ
- # સુરેશભાઈ ગાવીત
- # વિલાસબેન પટેલ
- # અરુણભાઈ પટેલ
આહીર સમાજનું ગૌરવ એટલે ભીખુભાઈ
બહેજના તળાવ ફળિયામાં રહેતા ભીખુભાઇ સોમાભાઈ આહીર સામાજિક અને રાજકીય ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે.નેતૃત્વના ગુણ તો કોલેજકાળથી જ હતા. સંઘર્ષ કરીને એસવાયબીએ સુધી તેમણે અભ્યાસ કર્યો. એ બાદ ચીખલી તાલુકામાં વર્ષ-1997માં યુવા ભાજપ મંત્રી તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ-2000માં ચીખલી તાલુકા સંગઠનમાં નેતૃત્વનો પરચો બતાવ્યો હતો. એ સિવાય વર્ષ-2005માં ચીખલી તાલુકા પંચાયતના સભ્ય વર્ષ-2017માં નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રી, વર્ષ-2021માં ખેરગામ તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ અને. વર્ષ-2021માં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અને જિલ્લા પંચાયતના પ્રમુખોના દક્ષિણ ઝોનના પ્રભારી તરીકે પસંદગી પામ્યા હતા. સામાજિક ક્ષેત્રે પણ સમાજમાં તેમનો પ્રભાવ ખરો. હાલ 50 વર્ષના અને સ્વભાવે યુવાન જેવો જ જુસ્સો ધરાવતા ભીખુભાઈ નાનાં-મોટાં કામ હોય તો પણ બધાને લઈને સાથે ચાલે. તેઓ રૂપા ભવાની યુવકમંડળના ટ્રસ્ટી પણ છે. એ સિવાય ભારતીય પ્રગતિ મંડળ-બહેજ હાઈસ્કૂલના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. અને ત્રણ ટર્મથી ખેડૂત વિભાગ સેવા સહકારી મંડળીમાં પણ કાર્યરત છે. સમાજની વાત કરીએ તો બહેજ ગામ તાલુકા આહીર સમાજના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યાો છે. તેઓ નવસારી જિલ્લામાં તો વિકાસને વેગ આપી રહ્યા છે. સાથે સાથે બહેજ ગામના વિકાસમાં પણ તેઓ અમૂલ્ય ફાળો આપી રહ્યા છે.
રૂપાભવાની માતાનું મંદિર ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર, ધામધૂમથી ઉજવાય છે નવરાત્રિ
બહેજ ગામ આમ તો ધાર્મિક દૃષ્ટિએ પણ આગવી ઓળખ ધરાવે છે. અહીં આવેલું રૂપાભવાની માતાનું મંદિર વિખ્યાત છે. એની સ્થાપના પાછળ પણ લોકવાયકા જોડાયેલી છે. વર્ષો પહેલાં બહેજમાં મોરારભાઈ અને કંકુબેન નામનું એક કણબી કુટુંબ રહેતું હતું. તેમને કોઈ સંતાન ન હતું. એ કુટુંબ ભેંસો પાળતું હતું. જ્યાં નજીકમાં મંદિર સામે તળાવ આવેલું છે. આ તળાવ એ વખતે ભેંસોની માંદણ હતી. ભેંસને લઈ કણબી દંપતી માંદણમાંથી અવરજવર કરતું હતું. ત્યારે લાખા ભોવાની રૂપાભવાની માતાએ કુંકુબેનને મૂર્તિરૂપે દર્શન આપ્યાં હતાં. એ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. બાદ આ કણબી દંપતીએ માંદણમાં આવી પૂજાની શરૂઆત કરી હતી. માતાજીની રોજ પૂજા કરતાં એક દિવસ માતાજીએ કણબી દંપતીના સપનામાં આવીને કહ્યું કે, મારે આ માંદણના કિનારા ઉપર જ વસવું છે. જેથી કણબી પરિવારે માંદણના કિનારા ઉપર માતાજીની સ્થાપના કરી. સાથે જ માતાજીની સ્થાપના નજીક જ એક વડ રોપ્યો. જે વડ આજે પણ આ ધામની નજીક જોવા મળે છે. સમય જતાં કણબી કુટુંબે માતાજીની સેવા માટે એક બ્રાહ્મણને રાખ્યો. માતાજીની સેવાના બદલામાં આ બ્રાહ્મણને કણબી પરિવારે પાંચ વીઘાં જમીન દાનમાં આપી હતી. એ જમીન આજે પણ બ્રાહ્મણીયાવાડી તરીકે જ બોલાય છે. બ્રાહ્મણ માતાજીની સેવા કરતાં કરતાં લોભી બની ગયો. આથી, માતાજીએ પરચો બતાવ્યો અને એ બ્રાહ્મણ સેવા કરવાનું છોડી દાનમાં મળેલી જમીન પાછી આપી ચાલ્યો ગયો. બ્રાહ્મણ ગયા પછી થોડા સમયમાં જ એક ગરીબ ભક્ત માતાજીની સેવામાં જોડાયા. સમય જતાં મોરારભાઈ અને તેમનાં પત્ની કંકુબેન દેવલોક પામ્યાં હતાં. એ બાદ પારસી લોકો આ મંદિરની સારસંભાળ લેતા હતા. આજે આ મંદિર દક્ષિણ ગુજરાતમાં જાણીતું બન્યું છે. અહીં નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમ અને આસ્થાપૂર્વક મનાવવામાં આવે છે. માતાજીના અનેક ભક્તો ઇચ્છાપૂર્તિ માટે માતાજીની માનતા રાખે છે. આજે આ મંદિરનું સંચાલન ગામના ભીખુભાઈ આહીર, નારણભાઈ પટેલ, ગણેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, અનિલભાઈ પટેલ સહિતના મંદિર સમિતિના આગેવાનો કરી રહ્યા છે.
તાલુકા પંચાયતના સભ્ય અને શાસક પક્ષના નેતા રાજેશ રવાભાઈ પટેલનો રાજકીય ક્ષેત્રે દબદબો
પટેલ તરીકે ઓળખાતા પિતા રવાભાઈને કારણે લોકસેવાની ધૂન જાગી, પત્ની અને ભાભી પણ ક્ષેત્રે ચૂંટણી લડી ચૂક્યાં છે બહેજ ગામમાં કોઈ જૂનવાણીને તમે રવાભાઈ વિશે પૂછો તો લોકો તેમને પટેલ તરીકે ઓળખે. રવાભાઈ આમ પણ લોકોહિતનાં કાર્ય કરવામાં માને. એટલે એ ગુણ એમના દીકરા રાજેશમાં પણ આવ્યા. પિતાની વિચારધારાને પગલે રાજેશ પટેલે રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યું. અને રાજયોગ તેમને ફળ્યો. લોકોના કામ કરતાં કરતાં તેઓ ભાજપની વિચારધારાથી પ્રેરિત થયા. અને આ વર્ષે યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપતરફે લડ્યા, જેમાં તેઓ ખૂબ સારા મતોથી વિજયી પણ થયા. હાલ તેઓ તાલુકા પંચાયતના સભ્ય અને શાસક પક્ષના નેતા છે. તેઓ બહેજ ગામને વિકાસના પંથે લઈ જવા તત્પર છે. તેમનાં પત્ની ભાનુબેન પણ આ પહેલાં વર્ષ-2016માં ખેરગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયાં હતાં. એ પહેલાં ખેરગામ તાલુકો ન હતો ત્યારે ચીખલી તાલુકા પંચાયત વતી વર્ષ-2012માં રાજેશભાઈનાં ભાભી ગીતાબેન ધનસુખભાઈ પટેલ વિજેતા થયાં હતાં. આમ, આ પરિવારનો બહેજ ગામમાં રાજકીય ક્ષેત્રે દબદબો રહ્યો છે.
એક ખેડૂત પરિવારનો પુત્ર કોન્સ્ટેબલથી લઈ પીએસઆઈની પોસ્ટ સુધી પહોંચ્યો
પરિસ્થિતિ ગમે તેવી વિપરીત હોય, તમારામાં જીતનું ઝનૂન હોય તો તમને આગળ વધતા કોઈ રોકી નહીં શકે. મુશ્કેલીને પાર પાડે એ જ ખરો માણસ અને મુશ્કેલી ન આવે તો મજા શું? સમસ્યા પહાડ જેવી કેમ ન હોય આપણે જીવનમાં આવતી મુસીબતોમાંથી બોધપાઠ લેવો જોઈએ એમ મૂળ ખેરગામ બહેજના વતની અને પીએસઆઇની પોસ્ટ સુધી પહોંચેલા રાજેશભાઈ જેરામભાઈ પટેલ જણાવે છે. ગોધરા સ્ટેટ રિઝર્વ પોલીસ દળ જૂથ-5માં 31 વર્ષ સુધી ફરજ બજાવી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બઢતી થતાં સુરતના વાવમાં સ્ટેટ રિઝર્વ પોલીસ દળ જૂથ ખાતે હાલ સેવારત રાજેશભાઈ પોતાની કારકિર્દી વિશે જણાવે છે કે, નોકરીની શરૂઆતના દિવસો સંઘર્ષના રહ્યા, પણ મારે કંઈક કરવું હતું. મારો પરિવાર ખેડૂત. બાળપણ ખૂબ જ ગરીબાઈમાં વિત્યું. સુરક્ષા દળમાં નોકરી કરવાની મારી ઇચ્છા હતી એટલે મેં નોકરી સ્વીકારી. પરિવારને નોકરીની વાત કરી ને માતાપિતાએ પણ હામી ભરી દીધી. મારાં માતાપિતાએ જિંદગીમાં ખૂબ જ મુસીબત વેઠી હતી. અમે બે ભાઈ અને ત્રણ બહેન. એક ભાઈ થોડા વર્ષો પહેલાં જ અવસાન પામ્યા હતા. એક બહેન દિવ્યાંગ છે, જે અમારા પરિવાર સાથે જ રહે છે. વધુમાં રાજેશભાઈ જણાવે છે કે, આ તો આજે આવી ટેક્નોલોજી આવી. બાકી અમારા સમયમાં આવી ખાસ સગવડો નહીં. પણ પ્રાથમિક શિક્ષણ ઉચ્ચ સ્તરનું. મેં ગુજરાતી પ્રાથમિક શાળામાં પહેલાં શિક્ષણ લીધું હતું. અને દેવલપાડા ખાતે ધો.8થી 10 શાળા સુધી શિક્ષણ મેળવ્યું. આર્થિક નબળાઈ ખરી, પણ ભણવું તો હતું જ. એ બાદ વલસાડના મલ્લા ગામની હાઇસ્કૂલમાં ધો.12 સુધી હું ભણ્યો. એ સમયે ધો.7 પાસની પોલીસની ભરતી હતી અને હું ધો.12માં ભણતો હતો. મને થયું કે પરીક્ષા તો આપી જોઈએ. એ સમય કપરો. ભણવા માટે ચાલતા જવું પડતું. ત્યાં અન્ય સુવિધા વિશે વિચારી શકાય જ નહીં. મલ્લા હાઇસ્કૂલમાં ભણ્યો ત્યારે માંડ સાઇકલ મળી. વર્ષ-1990માં મેં જનરલ સ્ટેટ પોલીસની પરીક્ષા આપી અને વલસાડ હાજર થયો. 4 માસ બાદ મને કોલ લેટર મળતાં તા.22-4-1991ના રોજ ગોધરા કોન્સ્ટેબલ તરીકે ભરતી થયો. એ વેળા 15 મહિનાની કોન્સ્ટેબલ તરીકેની ટ્રેનિંગ મેળવી હતી. તા.3-8-2009ના રોજ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મળી. એ પછી તા.11-5-2015ના રોજ એએસઆઈ તરીકે પ્રમોશન મળ્યું. ત્યાં મેજર તરીકે ફરજ બજાવી. પછી તા.24-9-2021માં પીએસઆઈની ભરતી આવી ને કામરેજના વાવમાં સ્ટેટ રિઝર્વ પોલીસ દળ જૂથમાં પીએસઆઈ તરીકે હાલ સેવા બજાવું છું. રાજેશભાઈ પોલીસની નોકરી સાથે ખેતીમાં પણ અગ્રેસર છે. તેમણે 8 વીઘાં જમીનમાંથી 5 વીઘાંમાં આંબા કલમની વાડી બનાવી છે.
એક સામાન્ય પરિવારમાં જન્મેલા નિરલ પટેલ અને મયૂર પટેલે દ્રઢ નિશ્ચય સાથે જીપીએસસી પાસ કરી ઉજ્જવળ કારકિર્દી બનાવી
ખેરગામના બહેજ ગામમાં શિક્ષણનું સિંચન કરવામાં બહેજ પ્રાથમિક શાળાના શિક્ષક ગુણવંતભાઈ પટેલનો ફાળો અમૂલ્ય છે. કપરા સંઘર્ષ વચ્ચે જીવન ગુજારો કરવાનું મુશ્કેલ હતું, પરંતુ પત્ની કલ્પનાબેનની હિંમત અને હૂંફના કારણે નિરલ અને મયૂરને આગળ વધવાની તક મળી. આ બાબતે નિરલભાઈ પટેલ કહે છે કે, હું અને મારો નાનો ભાઈ મયૂર ખૂબ જ સામાન્ય પરિવારમાંથી ભણીને મોટા થયા. સંસ્કાર, દેશ અને સમાજ સેવા અમને અમારાં માતાપિતા દ્વારા વારસામાં મળેલાં. ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે મારાં માતાને પણ આર્થિક જવાબદારી લેવાની ફરજ પડી અને એમણે ૧૪ વર્ષ સુધી કરિયાણાની દુકાન ચલાવી બંને ભાઈને ભણાવી મોટા કર્યા. બંને ભાઈનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ખેરગામની જનતા માધ્યમિક શાળામાં જ થયું. ત્યારબાદ GPSC દ્વારા વર્ષ-૨૦૧૩માં લેવાયેલી લેક્ચરરની પરીક્ષા પાસ કરી વર્ગ-૨ અધિકારી તરીકે મારી નિમણૂક થઈ. મારા નાના ભાઈ મયૂરની વર્ષ-૨૦૧૬માં GPSC દ્વારા લેવાયેલી માર્ગ અને મકાન વિભાગમાં વર્ગ-૨ અધિકારી તરીકે નિમણૂક થઈ. એકબાજુ નાના ભાઈની વર્ગ-૨ અધિકારી તરીકે નિમણૂક થવાની ખુશી અને બીજી બાજુ મારા પિતા દેવલોક પામ્યા. જે દિવસે મારા પિતાનું બારમું હતું એ જ દિવસે મારા નાના ભાઈને નોકરીનો ઓર્ડર મળ્યો અને એમાં આપણા હાલના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે ખૂબ મદદ કરી.
અમારા પિતાનું ૨૩ એપ્રિલ-૨૦૧૭ના રોજ મૃત્યુ થતાં અમે અમારા પથદર્શક અને સમાજસેવક પિતા ગુમાવ્યા. ત્યારબાદ અમે બંને ભાઈએ નિર્ધાર કર્યો કે, આપણાં માતા અને પિતાએ કે સમાજ સેવાનાં જે સપનાં જોયાં છે એ સપનાંને પૂરાં કરીશું. મા-બાપનાં સપનાંને પૂરાં કરવા શાળામાં બાળકોને જમાડવાનો કાર્યક્રમ, જરૂરિયાતમંદ બાળકોમાં ગણવેશ વિતરણ, સ્કૂલ ગેટ બનાવવાનું કામ, કિટ વિતરણ, કોઈ પરીક્ષાને લગતી તૈયારી માટે ફ્રી વર્ગો કર્યા. નિરલના નાના ભાઈનાં પત્ની નેહલ પણ મેડિકલ વિભાગમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવે છે. જ્યારે નિરલની પત્ની તેજલ કૌટુંબિક કે સામાજિક કામમાં હંમેશાં અગ્રેસર રહે છે. નિરલ કહે છે કે, આજે પારિવારિક પ્રજા તૂટી રહી છે. સંયુક્ત કુટુંબમાં ઝઘડા થાય છે. ત્યારે આજે પણ અમારા ઘરમાં બંને ભાઈઓ સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. કોઈપણ સુખ-દુઃખમાં એકબીજા સાથે ખભેખભા મિલાવી કામ કરીએ છીએ. એનાથી વિશેષ ગૌરવશાળી વાત અમારા પરિવાર માટે કઈ હોઈ શકે.
અંગ્રેજી મિડિયમમાં ભણી એન્જિનિયરિંગ સુધી અભ્યાસ કરનાર સરપંચ ધર્મેશ પટેલ કુશળ લીડર
બહેજના પટેલ ફળિયામાં રહેતા સરપંચ ધર્મેશભાઈ ગમનભાઈ પટેલનો પરિચય તેમનાં વિકાસ કર્યોની લગન પરથી જ મળી આવે છે. કોઈપણ કાર્ય હોય તેઓ આગળ રહે. 2016 માં ગામના પ્રધાનસેવકની ચૂંટણી આવી અને ધર્મેશભાઈ પટેલનો ભવ્ય વિજય થયો. ત્યારથી તેઓ ખરા અર્થમાં લોક પરિચયમાં આવ્યા. તેમણે એ દરમિયાન કરેલી લોક વિકાસયાત્રાની નોંધ ચોતરફ લેવાઈ. માતા-પિતા અને એક ભાઇ, એક બહેન સહિત ખૂબ જ સમૃદ્ધ અને સુશિક્ષિત સમાજમાંથી તેઓ આવે છે. પરિવાર આર્થિક રીતે સધ્ધર એટલે તેમનો ઉછેર તંદુરસ્ત માહોલમાં થયો. તેમનું બાળપણ પારડીમાં ગયું. વલસાડ જિલ્લાની જાણીતી પારડીની વલ્લભરામ વિદ્યાલયમાં અંગ્રેજી-મિડિયમમાં તેમણે પ્રાઇમરી શિક્ષણ લીધું હતું. ત્યાર પછી ગુજરાતની એકમાત્ર સૈનિક સ્કૂલ જામનગરના બાલાચડીમાં હાયર સેકન્ડરી કર્યું. પછી તેમણે સુરતની એસવીએનઆઈટીમાં ડિગ્રી એન્જિનિયરિંગ કર્યું હતું. એમના સામાન્ય જીવનમાં એ મજબૂત શિક્ષણની અસર સહજ દેખાય આવે છે. સત્યની વાત આવે તો તેઓ સાથે રહે છે. હંમેશાં ટોળાંની પરવા કર્યા વગર પોતાની વાકચાતુર્યતાથી સૌનાં દિલ જીતી લેતાં સૌએ ઘણી વખત જોયા છે. નીડરતાથી લીડરશીપ કરવી એમનો પસંદગીનો વિષય રહ્યો છે. વિનય, વિવેકના આગ્રહી, નાના-મોટા, વડીલો પ્રત્યે માનપૂર્વક વર્તવું એ એમનાં સંસ્કાર છે. તેઓ બહેજમાં વર્ષ-2000માં વસવાટ માટે આવ્યા હતા. સમય જતાં તેઓ લોકો સાથે ભળી ગયા. વર્ષ-2012માં જાહેર જીવનમાં છવાઈ જવાનો મોકો મળ્યો. ગામના પ્રધાનસેવકની ચૂંટણી આવી, ને તેમને લડવાનો અવસર મળ્યો, પણ જીતથી એક કદમ દૂર રહ્યા. છતાં તેઓ હારથી ડગ્યા નહીં. તેઓ ગામ લોકોના સતત સંપર્કમાં રહ્યા. મિત્રો, પરિવાર, કુટુંબીજનો, ગ્રામજનોના અખૂટ પ્રેમથી તેમને ફરી એકવાર પ્રધાનસેવક બનવાની તક મળી અને 2016માં તકને અવસરમાં પલટી નાંખતો ભવ્ય વિજય અપાવ્યો. જેના પ્રતાપે છેલ્લાં પાંચ વર્ષમાં આંખે ઊડીને વળગે એવા સમૃદ્ધ ગામનો વિકાસ કર્યો. પાણીની સમસ્યા હોય કે વીજળીની, રસ્તા પાકા કરવા, સિંચાઈની સુવિધા, ખેરગામના આંગળીના વેઢે ગણી શકાય તેટલા ગામમાં સ્ટ્રીટલાઇટ્સની સુવિધાની નોંધ અધિકારી-પદાધિકારી, રાજકીય પાર્ટી લેવલે થઈ. અને આજે પણ લોક સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે.