સુરત(Surat) :શહેરમાં હીજડાવાડ ખંડેરાવપુરા ખાતે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થતાં પથ્થરમારો થયો હતો. એકબીજા પર કાચની બોટલો ફેંકતા મામલો તંગ બનતા પોલીસનો (Police) મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
- બે ગ્રુપ વચ્ચે બોલાચાલી બાદ પત્થરમારો થતા મામલો તંગ બન્યો
- મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શહેરમાં જ હતા અને આ ઘટના બનતા પોલીસ કમિશનર ખુદ સ્થળ પર પહોંચી ગયા
નાનપુરા ખંડેરાવપુરા પાસે આજે મોડી રાત્રે બે જૂથ વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા કોમી સ્વરુપ ધારણ કરી લીધું હતું. ૨૦૦થી વધારે લોકોના ટોળાં સામ સામે થઈ જતા એકબીજા ઉપર પથ્થરમારો કર્યો હતો. તો ઘણાએ કાચની બોટલો એકબીજા ઉપર ફેંકી હતી. આ સમગ્ર જૂથ અથડામણમાં કોઈને પણ ઈજા ન થઈ હોવાનું મોડી રાત સુધીમાં જાણવા મળ્યું હતું. કોમી અથડામણને કારણે સમગ્ર શહેરમાં મામલો તંગ બન્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો. સંવેદનશીલ ઘટનાને કારણે ખુદ પોલીસ કમિશનર અજયકુમાર પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અને તેમને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસ કમિશનર દ્વારા સ્થાનિક પોલીસ તથા બ્રાન્ચને પણ બનાવ બાબતે કેટલીક મહત્વની સૂચનાઓ આપવામાં આવી હતી.
બે ગ્રુપનો ઝઘડો હતો, પરિસ્થિતિ કાબૂમાં છે
કમિશનર અજયકુમાર તમારે જણાવ્યું હતું કે બનાવની જાણ થતાં તેઓ પોતે સ્થળ પર પહોંચી ગયા હતા. બે જૂથ વચ્ચે કોઈક કારણસર ઝઘડો થયો હતો. જેણે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે હાલ ત્યાં પોલીસનો મોટો કાફલો ખડેપગ છે અને શાંતિ જળવાઈ રાખી છે.
મોડી રાત્રે સોસિયલ મિડીયામાં કોમી મેસેજ વહેતા થયા
મોડી રાત્રે થયેલા ઝઘડા બાબતે સોશિયલ મીડિયા ગ્રુપમાં વિડિયો અને મેસેજ વાઇરલ થવાનું શરૂ થયું હતું. જેને કારણે મામલો ખૂબ જ તંગ બન્યો હતો. પરંતુ કેટલાક લોકોએ આ ઝઘડો શાંત થઈ ગયો હોવાની સાથે ખોટા મેસેજ વાયરલ ન કરવા અંગેના મેસેજ પણ વહેતા કર્યા હતા.
ઝઘડા પાછળનું કારણ છોકરીની છેડતી કે બીજુ કોઈ કારણ!
મોડી રાત્રે કોમી જૂથવાદને કારણે મામલો તંગ બન્યો હતો. પરંતુ તેનું મૂળ કારણ જાણી શકાયું નહોતું. પણ જાણવા મળતી ચર્ચા મુજબ ઈંડાંની લારી પાસે બાઈક મૂકવા બાબતે ઝઘડો થયો હોવાની ચર્ચા છે. તો બીજી બાજુ છોકરીની છેડતી બાબતે મામલો વધારે તંગ બન્યો હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી હતી.
શહેરની શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ
સોડાની અને ખાલી બોટલો પણ આટલી હદે ફેંકી ઢગલો કરાયો તે પણ શંકાસ્પદ છે અને પહેલેથી આયોજન હોવાની આશંકા છે.