લુણાવાડા : કોરોનાના આ કપરા કાળમાં તબીબો અને આરોગ્ય કર્મીઓ સેવા પરમો ધર્મના મંત્રને સાર્થક કરીને અનેક દર્દીઓને નવજીવન બક્ષીને તેમના જીવનમાં આશાનો દીપ પ્રગટાવી રહ્યા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી લુણાવાડાની જનરલ હોસ્પિટલના તબીબો નર્સિંગ સ્ટાફની આરોગ્ય ટીમે કોરોના મહામારી વચ્ચે પડકારજનક સર્જરી કરવામાં સફળતા પ્રાપ્ત કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વડવાસ ગામના 35 વર્ષિય મહિલા દર્દી સુમિત્રાબેન પારસિંગભાઈ ચરપોટને 27મીના રોજ લુણાવાડા ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ કરવામાં આવતાં મહિલાના પેટમાં મ્યુસેનીસ સિસ્ટેડીનોમા પ્રકારની ગાંઠ હોવાનું જણાઇ આવતાં તેમની સારવાર સર્જરી વગર થઇ શકે તેમ નહોતી. તેમાંય કોરોનાની મહામારીના આ કપરાં સમયમાં ગાંઠનું પડકારજનક ઓપરેશન કરવાનો પડકાર તબીબો માટે હતો. પરંતુ જનરલ હોસ્પિટલના તબીબોએ હાર ન માનતાં કોઇપણ ભોગે આ મહિલાનું ઓપરેશન કરીને તેને નવજીવન બક્ષવાનો સંકલ્પ કરી લીધો.
આ સંકલ્પને સાકાર કરવા લુણાવાડા જનરલ હોસ્પિટલના તબીબો સર્વ ડો.પાર્થ પટેલ, ડો. કિંજલ પટેલ, ડો. શ્વેતા પટેલ, ડો. અમિત ટેઇલર, સ્ટાફ નર્સ કલ્પનાબેન પ્રણામી સહિતની આરોગ્ય ટીમે આ પડકારજનક ઓપરેશન કરવાનો નિર્ણય લઇ લીધો હતો. આખરે જરૂરી તપાસ બાદ 29મીના રોજ સફળતાપૂર્વક સર્જરી પુર્ણ કરીને મહિલાને નવજીવન બક્ષ્યું હતું. આ મહિલાના ઓપરેશન દરમિયાન મહિલાના પેટમાંથી 9 (નવ) કીલો વજનની ગાંઠ બહાર કાઢવામાં આવી હતી.મહિલાના પેટમાંથી આ બહાર કાઢવામાં આવેલ ગાંઠને વધુ તપાસ અર્થે હિસ્ટોપેથોલોજી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવી છે.