વડોદરા : વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલના વહીવટી તંત્રની વધુ એક બેદરકારી છતી થઈ છે.શહેરમાં એક તરફ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોએ માથું ઊંચક્યું છે.ત્યારે આવી પરિસ્થિતિમાં ગોત્રી હોસ્પિટલમાં માનવતા મરી પરવારી હોય તેમ ગરીબ દર્દીઓ સાથે અમાનવીય વર્તન કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો રાફડો ફાટ્યો છે.ત્યારે શહેરની ટિમ ગબ્બર સામાજિક કાર્યકર નીરવ ઠક્કરને સાથે રાખી વડોદરા શહેરની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલની મુલાકાત લેતા તંત્ર ઊંઘતું ઝડપાયું હતું.
ઉપરાંત હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓ સાથે તરછોડાયેલું વર્તન કરવામાં આવતું હોવાનું જોવા મળ્યું હતું.જ્યારે બેડ હોવા છતાં દર્દીઓને જમીન પર સુવડાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.શહેર અને જીલ્લામાં રોગચાળાએ જોર પકડ્યું છે.સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો થઈ રહ્યો છે.જેમાં વાયરલ ફલૂ સહિત ડેન્ગ્યુ,ચિકનગુનિયા,ઝાડા ઉલ્ટી સહિત કોલેરા અને કમળાના કેસો પણ પાલિકાના ચોપડે નોંધાઈ રહ્યા છે.
તો બીજી તરફ ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં સામાન્ય દર્દીઓ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ ટિમ ગબ્બરના કૃણાલ પટેલે કર્યા છે.તેઓએ જણાવ્યું હતું કે રોગચાળો નાબૂદ કરવા તંત્ર સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે.જ્યારે ગોત્રી હોસ્પિટલમાં વહીવટી તંત્રની લાલ્યાવાડી જોવા મળી છે.અહીં સામાન્ય માણસની કિંમત નથી.સારા બેડ પડ્યા હોવા છતાં દર્દીઓને જમીન પર સુવડાવવામાં આવ્યા છે.જેથી લાગતા વળગતા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અમારી માંગણી છે.