નવી દિલ્હી: (Delhi) યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev) છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં છે. તેમણે ડોકટરો અંગે આપેલા નિવેદન પછી હવે જ્યોતિષ વિશે પણ વિવાદિત નિવેદન આપ્યું છે. ત્યારબાદ તેઓ ફરી એકવાર નિશાન હેઠળ આવી ગયા છે. બાબા રામદેવે કહ્યું છે કે, જ્યોતિષીઓ (Astrologer) સમય, ઘડી, મુહૂર્તાના નામે લોકોને ગેરમાર્ગે દોરે છે. તેમના નિવેદન પર બીએચયુના એક પ્રોફેસરે કહ્યું કે, તેમનું લાઇસન્સ રદ કરીને જેલમાં મોકલવા જોઈએ.
બીએચયુના પ્રોફેસર સુભાષ પાંડેએ બાબા રામદેવને જેલ મોકલવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે, તેમને કંઈ જ ખબર નથી. તેઓ માત્ર લોકોની ભાવનાઓને ભડકાવવાનું કામ કરે છે. બીએચયુના અધ્યાપકોએ કહ્યું કે, બાબા રામદેવનું માનસિક સંતુલન સારું નથી. તેમને ન તો યોગનું જ્ઞાન છે અને ન તો તેમણે વેદોનું શિક્ષણ લીધું છે. રામદેવે પોતાના નિવેદન માટે માફી માંગવી જોઈએ. તેમનું નિવેદન અક્ષમ્ય છે.
હરિદ્વારમાં તાજેતરના યોગ શિબિરમાં બાબા રામદેવે કહ્યું હતું કે, બધા મુહૂર્તો ભગવાને બનાવ્યા છે. જ્યોતિષીઓ સમય, ઘડી, મુહૂર્તાના નામે છેતરતા રહે છે. આ ઉપરાંત, બાબા રામદેવે જ્યોતિષશાસ્ત્રને એક લાખ કરોડનો ઉદ્યોગ હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કોઈ પણ જ્યોતિષે જણાવ્યું નહોતું કે કોરોના મહામારી આવનાર છે. કોઈએ કહ્યું નહોતું કે બ્લેક ફંગસની બીમારી આવશે.
કાશીના વિદ્વાનોએ બાબા રામદેવને શાસ્ત્રોનો અભ્યાસ કરવાની સલાહ પણ આપી છે. જ્યોતિષાચાર્ય પં.શિવપૂજન શાસ્ત્રીએ કહ્યું છે કે, વાયરસના ચેપનું વર્ણન જ્યોતિષશાસ્ત્રમાં 2020માં કરવામાં આવ્યું છે. બાબા રામદેવે કંઈપણ બોલતા પહેલા તેનો અભ્યાસ કરવો જોઈએ. તેઓએ આ પ્રમાણે ખોટા નિવેદનો આપવા જોઈએ નહીં. શાસ્ત્રોમાં પણ મુહૂર્તાનો ઉલ્લેખ છે અને મુહૂર્તાની ટીકા વેદની ટીકા છે.