સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Assembly Elections) હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષો (Political Parties) દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવાયો છે. ચૂંટણીમાં (Election) લોકો પાસે વોટ માંગવા જતા રાજકીય પક્ષો સામે લોકો ચૂંટણી ટાણે નારાજગી વ્યક્ત કરતા હોય છે. શહેરમાં ઉધના વિસ્તારની વિજયાનગર સોસાયટીમાં બેનરો લગાવી દેવાયાં છે અને તેમાં લખાયું છે કે, ‘‘કોઈ પણ પક્ષે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં.’’ગુજરાતમાં તા.1 અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા હવે રેલીઓ, યાત્રા, જાહેર સભા, ઘરે-ઘરે જઈ પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવશે. ચૂંટણી ટાણે લોકોને યાદ કરતા રાજકીય નેતાઓ સમક્ષ પ્રજા પણ પોતાનો રોષ વ્યક્ત કરી રહી છે.
કોઈ પણ પક્ષને સોસાયટીમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે
ઉધના વિસ્તારમાં વિજયાનગર સોસાયટીના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. સોસાયટી બહાર બેનરો લગાવી કોઈ પણ પક્ષને સોસાયટીમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે તેમ જણાવી દીધું છે.સોસાયટીના રહીશોની લાંબા સમયથી જે માંગ હતી તે પૂર્ણ ન થતાં રહીશો રોષે ભરાયા છે. બેનરોમાં લખાણ લખવામાં આવ્યું છે કે, ‘‘સોસાયટીની માંગણીઓ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.’’ ‘‘દસ્તાવેજ કે એન.એ. નહીં થાય ત્યાં સુધી કોઈપણ પક્ષ કે ઉમેદવારે પ્રવેશ કરવો નહીં’’ અને ‘‘લોલીપોપ આપવા કોઈ પણ પક્ષ કે ઉમેદવારે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. ’’