National

આસામમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ

બુધવારે આસામ અને ઉત્તરપૂર્વના મોટાભાગમાં ભૂકંપના દસ જેટલા શ્રેણીબદ્ધ આંચકાઓથી ઇમારતોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું અને લોકોને તેમના ઘરની બહાર નીકળવાની ફરજ પડી હતી. આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (એએસડીએમએ)એ જણાવ્યું હતું કે, હાલમાં આંચકાના લીધે મૃત્યુના કોઈ સમાચાર નથી. પરંતુ કામરૂપ મેટ્રોપોલિટન અને નાગાંવ જિલ્લામાંથી એક એક વ્યક્તિનું ભૂકંપના આંચકા અને હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યાં હતાં. પરંતુ આસામના સોનીતપુર જિલ્લાના મુખ્યમથક તેજપુરમાં સવારે 7.51 વાગ્યે 6.4ની તીવ્રતાનો પ્રથમ આંચકો આવ્યો હતો જેમાં ચાર જીલ્લાના 10 લોકોને ઇજાઓ થઈ હતી.

જેની અસર લગભગ પૂર્વોત્તર રાજ્યો, પશ્ચિમ બંગાળના ભાગો, ભૂટાન અને બાંગ્લાદેશમાં પણ જોવા મળી હતી. પ્રાદેશિક હવામાન કેન્દ્ર (આરએમસી)ના નાયબ નિયામક સંજય ઓનીલ શૉએ જણાવ્યું હતું કે, ભૂકંપના પ્રથમ આંચકા બાદ સવારે 8.03, 8.13, 8.25 અને 8.44 વાગ્યે અનુક્રમે 4.7, 4 અને બે 3.6ની તીવ્રતાના આંચકા આવ્યા હતા.

સવારે 10.05 વાગ્યે આસામના નાગાંવ જિલ્લામાં 3.2ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. તેના થોડા સમય બાદ તેજપુરમાં સવારે 10.39 વાગ્યે 3.4ની તીવ્રતાનો બીજો ઝટકો અનુભવાયો હતો. ત્યારબાદ બપોરે 12.32 વાગ્યે મરીગાંવમાં 2.9ની તીવ્રતાનો આઠમો ભૂકંપનો ઝટકો નોંધાયો હતો. ત્યારબાદ સોનીતપુર જિલ્લામાં ફરીથી ત્રણ વધુ ભૂકંપ આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલને બે વાર ફોન કર્યો હતો અને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.

મોટાભાગે મધ્ય અને પશ્ચિમના શહેરો તેજપુર, નાગાંવ, ગુવાહાટી, મંગલડોઇ, દેકિયાજૂલી અને મોરીગાંવમાં અને આસામની આજુબાજુના મકાનો અને અન્ય બાંધકામોને મોટા પ્રમાણમાં નુકસાન થયાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. મુખ્યમંત્રી કાર્યલય તરફથી એક રજૂઆતમાં જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્રને નુકસાન થયેલા વિસ્તારોનો સર્વે કરવા, વિગતવાર સમીક્ષા માટે એક રિપોર્ટ સોંપવા અને અસરગ્રસ્તોને સહાયતા આપવા માટે અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.

ધ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ)એ જણાવ્યું હતું કે, ભૂકંપના કેન્દ્રના 100 કિમી ત્રિજ્યામાં આવેલા વિસ્તારોની ઇમારતો અને બાંધકામોને નુકસાન થયું હતું. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીએ લોકોને ભૂકંપ સંબંધિત ઘટનાઓની જાણ કરવા અને રાહત માટે માટે 1070, 1077, 1079 હેલ્પલાઈન્સ શરૂ કરી હતી.

Most Popular

To Top