National

રાહુલ ગાંધીની મુશ્કેલી ફરી વધી, હવે આસામના મુખ્યમંત્રી તેમની સામે માનહાનિનો કેસ કરશે

નવી દિલ્હીઃ (New Delhi) કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) મુશ્કેલીઓ વધી રહી છે. હવે આસામના મુખ્યમંત્રી (CM) હિમંતા બિસ્વા સરમા તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવા જઈ રહ્યા છે. હિમંતાએ કહ્યું છે કે તે અદાણીના ટ્વીટને લઈને રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે. સીએમ હિમંતાએ કહ્યું કે રાહુલ ગાંધીએ જે પણ ટ્વિટ કર્યું તે બદનક્ષી હેઠળ આવે છે. એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ પૂરો કરીને ચાલ્યા જાય ત્યારબાદ અમે તેમને જવાબ આપીશું. ચોક્કસપણે આના પર માનહાનિનો કેસ કરવામાં આવી શકે છે. હિમંતાએ ગુવાહાટીમાં આ વાત કહી હતી.

રાહુલ ગાંધીએ શનિવારે કેટલાક નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. જેમણે તાજેતરનાં વર્ષોમાં કોંગ્રેસ છોડી દીધી છે અને જેમાંથી કેટલાક ભાજપમાં જોડાયા છે. રાહુલે પોતાના ટ્વિટમાં ગુલામ નબી આઝાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, હિમંતા બિસ્વા સરમા, કિરણ કુમાર રેડ્ડી અને અનિલ કે એન્ટનીનાં નામ ટાંક્યાં હતાં. કોંગ્રેસ છોડ્યા પછી આઝાદે પોતાની પાર્ટી બનાવી, જ્યારે બાકીના ભાજપમાં જોડાયા. સિંધિયા અત્યારે કેન્દ્રીય મંત્રી છે અને સરમા આસામના મુખ્યમંત્રી છે.

રાહુલ ગાંધીના ટ્વિટને ટાંકીને સરમાએ અગાઉ ટ્વિટ કર્યું હતું કે આ અમારી શાલીનતા હતી કે તમને ક્યારેય પૂછ્યું ન હતું કે તમે બોફોર્સ અને નેશનલ હેરાલ્ડ કૌભાંડોમાંથી અપરાધની આવક ક્યાં છુપાવી છે. અને તમે કેવી રીતે ઓટ્ટાવિયો ક્વાટ્રોચીને ઘણી વખત ભારતીય ન્યાયની ચુંગાલમાંથી છટકી જવાની મંજૂરી આપી.

સીએમ હિમંતાએ દિલ્હીના સીએમ કેજરીવાલ વિશે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે હું હજુ પણ અરવિંદ કેજરીવાલના આમંત્રણની રાહ જોઈ રહ્યો છું. જણાવી દઈએ કે કેજરીવાલે સીએમ સરમા પર આકરા પ્રહારો કરતા કહ્યું કે આસામની જનતાએ દરેક રાજકીય પક્ષને તક આપી છતાં કોઈ ફેરફાર થયો નથી. આસામની વર્તમાન સરકાર 2014માં સત્તામાં આવી હતી અને આપની સરકાર 2015માં દિલ્હીમાં સત્તામાં આવી હતી. દિલ્હીનો આટલો વિકાસ થયો છે પરંતુ આસામ હજી વિકસિત નથી. સીએમ હિમંતે માત્ર નફરતની રાજનીતિ કરી હતી.

Most Popular

To Top