Sports

Asian Games 2023માં મેડલ ટેબલની રેસમાં ટોપ-5માં ભારત, પ્રથમ સ્થાન પર ચીન

નવી દિલ્હી: એશિયન ગેમ્સ 2023માં (Asian Games 2023) ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. સ્પર્ધાઓ શરૂ થયાને માત્ર બે દિવસ જ થયા છે અને ભારત (India) બે ગોલ્ડ મેડલ (Gold Medal) જીતી ચૂક્યું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ગોલ્ડ જીત્યો છે. હવે ભારતના કુલ મેડલ 11 પર પહોંચી ગયા છે. ઉપરાંત ભારત હવે એશિયન ગેમ્સ 2023ના મેડલ ટેબલમાં ટોપ 5માં પ્રવેશી ગયું છે. જો કે હજુ ઘણી મેચો યોજાવાની છે જેમાં ભારતીય ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતવા માટે પોતાનો દાવો દાખવશે.

એશિયન ગેમ્સ 2023ની લેટેસ્ટ મેડલ ટેલીની વાત કરીએ તો યજમાન ચીન નંબર વન પર છે. અત્યાર સુધીમાં ચીને 32 ગોલ્ડ, 15 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ચીન પાસે હાલમાં કુલ 51 મેડલ છે. આ પછી રિપબ્લિક ઓફ કોરિયા બીજા સ્થાને છે. અત્યાર સુધીમાં તેણે છ ગોલ્ડ, સાત સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જાપાન ત્રીજા સ્થાને છે. જેમના નામે ચાર ગોલ્ડ, 12 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ છે. આ દેશે અત્યાર સુધીમાં કુલ 24 મેડલ જીત્યા છે. ઉઝબેકિસ્તાને ચાર ગોલ્ડ, ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત કુલ 11 મેડલ જીત્યા છે. હવે હોંગકોંગ, ચીન અને ભારત પાંચમા ક્રમે છે. હોંગકોંગ ચીને અત્યાર સુધીમાં બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને છ બ્રોન્ઝ જીત્યા છે. તેના કુલ મેડલ 11 છે. ભારતની પણ આવી જ હાલત છે, તેથી જ બંનેને પાંચમા નંબર પર રાખવામાં આવ્યા છે. જો ભારતીય ખેલાડીઓ અહીંથી વધુ ગોલ્ડ મેડલ જીતશે તો મેડલ ટેબલમાં આગળ જવાની તક રહેશે.

ભારતે બીજા દિવસે એટલે કે સોમવારે ગોલ્ડ જીતીને શરૂઆત કરી હતી. ભારતે 10 મીટર મેન્સ રાઈફલ (ટીમ)માં વર્લ્ડ રેકોર્ડ તોડ્યો અને ગોલ્ડ પર નિશાન સાધ્યું. ટીમ ઈન્ડિયાએ 1893.7 પોઈન્ટ સાથે ચીનનો રેકોર્ડ તોડ્યો. ચીને આ વર્ષે 19 ઓગસ્ટે બાકુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 1893.3 પોઈન્ટ સાથે રેકોર્ડ બનાવ્યો હતો. આના થોડા સમય બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને 19 રને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા ક્રિકેટમાં શ્રીલંકાને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો જ્યારે બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

એશિયન ગેમ્સ 2023ની મહિલા ક્રિકેટ (Womens Cricket) ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ માટેની ફાઈનલ મેચ ભારતીય મહિલા ટીમ અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 19 રને જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. આ બંને ગોલ્ડ મેડલ સોમવારે જ આવ્યા હતા. આ પહેલા ભારતે શૂટિંગમાં (Shooting) ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા ક્રિકેટમાં ગોલ્ડ જીતવાના કારણે ભારત મેડલ ટેલીમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં કુલ 11 મેડલ છે.

Most Popular

To Top