Sports

અશ્વિને જૂની વાત વાગોળીને વિવાદ જ ઊભો કર્યો

છેલ્લા ઘણાં સમયથી ભારતીય ક્રિકેટ વિવાદોમાં સપડાતું રહ્યું છે. કોરોના કાળમાં આઇપીએલ રમાડવા મામલે થયેલો વિવાદ હોય કે પછી ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમના બાયો બબલમાં કોરોનાની એન્ટ્રીને કારણે પાંચમી ટેસ્ટ સ્થગિત કરવાનો વિવાદ હોય કે પછી વિરાટ કોહલીને વન ડે ટીમના કેપ્ટનપદેથી હટાવી દેવાનો વિવાદ અને તે પછી બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના દાવાને ખોટા ઠેરવીને વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કરેલા ખુલાસાઓથી સર્જાયેલો વિવાદ હોય.

વાત હજુ તો ઠંડી પડી રહી હતી ત્યારે ભારતના અનુભવી ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિને એક સ્પોર્ટસ વેબસાઇટને આપેલી મુકાલાતમાં એવો ખુલાસો કર્યો છે કે ટીમ ઇન્ડિયાના માજી મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કરેલી એક ટીપ્પણીને કારણે તેને એવું લાગ્યું હતું કે તેને મધ દરીયે એકલો છોડી દેવાયો છે. અશ્વિને સાથે જ કહ્યું હતું કે કેરિયરના મુશ્કેલ સમય દરમિયાન તેને ઘણીવાર રમતને અલવિદા કરીને નિવૃત્તિ લઇ લેવાનો વિચાર સુદ્ધા આવ્યો હતો. તેઁણે ભલે જૂની વાતો વાગોળવાના બહાને આવું કહ્યું હોય પણ તેનાથી મોટો વિવાદ છેડાઇ શકે છે.

ઇએસપીનક્રિકઇન્ફોને આપેલી એક મુલાકાતમાં અશ્વિનને પુછાયું કે ઓસ્ટ્રેલિયા સામે 2019ની સિડની ટેસ્ટમાં પાંચ વિકેટ લેનારા કુલદીપ યાદવને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ તેને વિદેશમાં ભારતનો સર્વશ્રેષ્ઠ સ્પીનર ગણાવ્યો ત્યારે તેને કેવું લાગ્યું હતું, તો અશ્વિને જવાબ આપ્યો હતો કે હું કુલદીપ યાદવ માટે ઘણો ખુશ હતો, કારણકે ઓસ્ટ્રેલિયામાં એક સ્પીનર તરીકે પાંચ વિકેટ લેવી કેટલી મુશ્કેલ છે, પણ શાસ્ત્રીની ટીપ્પણીથી હું હતાશ થયો હતો. તેણે કહ્યું હતું કે હું રવિ ભાઇનું ઘણું સન્માન કરું છું, અમે બધા જ કરીએ છીએ અને હું માનુ છું કે આપણે બધુ કહીએ પછી આપણા શબ્દો પાછા લઇ શકીએ છીએ.

તે સમયે હું અંદરથી તુટી ગયો હતો. અશ્વિને કહ્યું હતું કે એ મેચમાં મેં શરીરમાં પીડા થતી હોવા છતાં મારો જીવ રેડીને બોલિંગ કરી હતી અને ત્રણ  વિકેટ પણ મેળવી હતી. જો કે તે સમયે કોઇક એવું બોલ્યું હતું કે નાથન લિયોન (ઓસ્ટ્રેલિયન સ્પીનર)એ પાંચ વિકેટ લીધી જ્યારે અશ્વિને ત્રણ વિકેટ લીધી. મને એ સરખામણી ગમી નહોતી. આમ જોવા જઇએ તો અશ્વિને જે રીતે જૂની વાતો યાદ કરી છે તે માત્ર યાદ તાજી કરવા જેવી જ લાગી રહી છે પણ ઘણાંને તેમાં વિવાદ છુપાયેલો દેખાઇ રહ્યો છે.

આ ઇન્ટરવ્યુમાં અશ્વિને કહ્યું હતું કે 2018થી 2020ની વચ્ચે એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે હું રમતને બાયબાય કરી દેવાનું નક્કી કરી ચુક્યો હતો. તેણે કહ્યું હતું કે મેં ઘણો પ્રયાસ કર્યો પણ બાબતો સુધરતી નહોતી. ઇજા પછી જેટલો વધુ હું પ્રયાસ કરતો તેટલું પરિણામ ખરાબ આવતું હતું. અશ્વિને સ્વીકાર્યું હતું કે ખાસ કરીને ઘાયલ થયા પછી હું છ બોલ ફેંક્યા પછી હાંફવા માંડતો હતો. આ સ્થિતિમાં મેં ઓવરની દરેક બોલ અલગ રીતે ફેંકવાનો પ્રયાસ પણ કર્યો, ક્યારેક નાનો કુદકો મારીને બોલિંગ કરતો તો ક્યારેક ક્રિઝના ખૂણેથી બોલિંગ કરતો પણ તે છતાં વાત ન બનતા મેં નાનકડો બ્રેક લેવો જોઇએ.

વાતમાં આમ જોવા જઇએ તો કંઇ છે જ નહીં અને તેના કારણે કોઇ મોટો વિવાદ છેડાવો પણ ન જોઇએ, છતાં હાલની જે ભારતીય ક્રિકેટની સ્થિતિ છે તેને ધ્યાને લેતા બની શકે કે આમાથી કોઇ વિવાદ શોધી કાઢે. હાલમાં જ્યારે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે ત્યારે કોઇ નવો વિવાદ છેડાવો ન જોઇએ, તેમાં જ ભારતીય ક્રિકેટનું હિત સમાયેલું છે. જો અશ્વિનની વાતો વિવાદ છેડશે તો ભારતીય ટીમના મનોબળ પર તેની અસર થવાની પુરતી સંભાવના રહેલી છે.

Most Popular

To Top