National

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સામે FIR કરનાર આશુતોષ મહારાજ પર ટ્રેનમાં હુમલો, નાક કાપવાનો પ્રયાસ

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે યૌન શોષણની FIR નોંધાવનાર આશુતોષ બ્રહ્મચારી મહારાજ પર રવિવારે વહેલી સવારે ચાલતી ટ્રેનમાં જીવલેણ હુમલો થયો હોવાનો મામલો સામે આવ્યો છે. તેઓ ગાઝિયાબાદથી પ્રયાગરાજ જઈ રહ્યા હતા ત્યારે રીવા એક્સપ્રેસ ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં એક અજાણ્યા હુમલાખોરે ધારદાર હથિયારથી હુમલો કર્યો હોવાનો આરોપ છે. આશુતોષ મહારાજના જણાવ્યા મુજબ, સવારે લગભગ 5 વાગ્યે સિરાથુ રેલવે સ્ટેશન નજીક હુમલાખોરે તેમનું નાક કાપવાનો પ્રયાસ કર્યો અને ચહેરા તેમ જ હાથ પર અનેક ઘા માર્યા. હુમલાના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને ઘણું લોહી વહી ગયું. હુમલા બાદ આશુતોષ મહારાજ કોઈક રીતે હુમલાખોરથી બચીને ટ્રેનના ટોયલેટમાં છુપાઈ ગયા. ત્યાંથી તેમણે GRPને ફોન કરીને ઘટનાની જાણ કરી. ત્યારબાદ ટ્રેન રોકાયા બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં આશુતોષ મહારાજની તબીબી તપાસ ચાલી રહી છે. ડોક્ટરોએ તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને સીટી સ્કેન સહિતની તપાસ કરવાની સલાહ આપી છે. હોસ્પિટલ પહોંચ્યા બાદ તેમણે જણાવ્યું કે તેમને બોલવામાં મુશ્કેલી પડી રહી છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. આશુતોષ બ્રહ્મચારીને પહેલા ઈમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરો તેમની તપાસ કરી રહ્યા છે. બાદમાં વધુ તપાસ માટે તેમને GRP કોલ્વિન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ફરી એક્સ-રે સહિતની તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલની બહાર પોલીસ અને GRPના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને કડક સુરક્ષા વચ્ચે સારવાર ચાલી રહી છે.

આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે. “ડૉ. સ્વાતિ અઘોરી” નામના ફેસબુક એકાઉન્ટ દ્વારા હુમલાની જવાબદારી લેવાનો દાવો કરવામાં આવ્યો છે. પોસ્ટમાં લખાયું હતું કે, “મેં તને કહ્યું હતું કે અમારી સામે ન પડતો.” જોકે, પોલીસ આ પોસ્ટ અને એકાઉન્ટની સત્યતા તપાસી રહી છે. આ ફેસબુક પ્રોફાઇલમાં ડૉ. સ્વાતિ અઘોરી પોતાને “સનાતની પુત્રી”, “અઘોરી સાધક” અને વેદ-પુરાણ-ઉપનિષદની પ્રવક્તા તરીકે દર્શાવે છે. પ્રોફાઇલમાં લોકેશન ગંગોત્રી બતાવવામાં આવ્યું છે અને પોતે “ગંગોત્રી કાલ ભૈરવ યુવા વાહિની”ની રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનું પણ લખ્યું છે. હુમલાના કાવતરામાં નામ સામે આવ્યા બાદ દિનેશ ફલાહારીએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમના પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. તેમનું કહેવું છે કે તેઓ શનિવારે ગોવર્ધન પોલીસ સ્ટેશનમાં હાજર હતા અને હાલમાં દિલ્હી ખાતે છે. સાથે જ તેમણે દાવો કર્યો કે આશુતોષ બ્રહ્મચારી અગાઉ પણ ઘણા લોકોને ખોટા કેસમાં ફસાવી ચૂક્યા છે. GRPએ આશુતોષ બ્રહ્મચારીની ફરિયાદના આધારે FIR નોંધાવી છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. હુમલો કોણે કર્યો અને તેના પાછળ શું કારણ હતું તે જાણવા માટે પોલીસે વિવિધ એંગલથી તપાસ હાથ ધરી છે. આશુતોષ બ્રહ્મચારી મહારાજ અને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વચ્ચે અગાઉથી વિવાદ ચાલી રહ્યો હતો. આશુતોષ બ્રહ્મચારીએ શંકરાચાર્યની યાત્રા પર સવાલો ઉઠાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે યાત્રાના બહાને પ્રશાસન પર દબાણ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે શંકરાચાર્ય પર હિંદુઓને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લગાવ્યો હતો અને તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવાની માંગ કરી હતી.

કોણ છે આશુતોષ બ્રહ્મચારી ?

આશુતોષ બ્રહ્મચારી મહારાજનો જન્મ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કાંધલા કસ્બામાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા રાજેન્દ્ર પાંડે દિલ્હી રોડ પર ચાલતી ખાનગી બસોમાં કંડક્ટર તરીકે કામ કરતા હતા. આશુતોષ મહારાજ કાંધલાના પ્રાચીન શાકુંભરી સિદ્ધપીઠ મંદિરની કમિટી સાથે જોડાયેલા છે અને હાલમાં મંદિરના પ્રબંધક તરીકે પણ કામગીરી સંભાળી રહ્યા છે. તેમના કાકા પ્રદીપ પાંડે મંદિરના પૂજારી છે. 2022માં તેમણે જગતગુરુ રામભદ્રાચાર્ય પાસેથી દીક્ષા લીધી હતી અને ત્યારથી સંન્યાસી જીવન અપનાવ્યું છે.

Most Popular

To Top