Columns

મારી મા ના આશિષ

રાજીવે વહેલા ઓફીસ જઈને મેનેજરના ટેબલ પર પોતાનું રાજીનામું મૂકી દીધું અને ચુપચાપ ઓફિસથી નીકળી સીધો હોસ્પિટલ જતો રહ્યો. રાજીવ તેની માતા નીરુબહેનનો એકનો એક દીકરો અને પિતાના વહેલા મૃત્યુ બાદ માતાએ બીજાનાં કપડાં સીવીને….રસોઈ કરીને તેને ભણાવેલો..રાજીવ આજે માતાને લીધે એમ.બી.એ. થઈને મલ્ટીનેશનલ કંપનીમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે કાર્ય કરતો હતો અને છેલ્લાં દસ વર્ષમાં તેને એટલું સારું કામ કર્યું હતું કે બસ મોટું પ્રમોશન મળવાનું નક્કી હતું અને તેણે પ્રમોશનની પરવા ન કરતાં રાજીનામું મૂકી દીધું..કારણ માતાની માંદગી…રાજીવનાં માતા બહુ બીમાર રહેતાં હતાં.

ડોક્ટરોએ કહી દીધું હતું કે શક્ય હોય એટલા બધા ઈલાજ કરી લીધા છે. હવે આગળ કોઈ ઈલાજ નથી. આવરદા હશે એટલા દિવસ જીવશે. તેમને ઘરે લઇ જાવ. માતાના અંતિમ દિવસોમાં રાજીવ માતા પાસે રહેવા માંગતો હતો અને રોજ રોજ એક દિવસ –બે દિવસ એમ રજા માંગી પોતાના કંપની અને કામ પ્રત્યેની ફરજ તે બરાબર નિભાવી શકતો ન હતો.એટલે મક્કમ બની તેણે આ નિર્ણય કર્યો. માતા બે દિવસ પણ જીવે અને બે મહિના પણ.રાજીવ માતાના જીવનમાં બાકી રહેલ દરેક પળ તેની સાથે જ જીવવા માંગતો હતો. માટે જ તેણે રાજીનામું આપ્યું.

કંપનીમાં રાજીવે રાજીનામું મૂક્યું છે તે વાત જાણી બધા નવાઈ પામ્યા.કોઈકે મૂર્ખ કહ્યો. કોઈએ લાગણીવશ.કંપનીના મેનેજીંગ ડિરેક્ટર પોતે રાજીવના ઘરે ગયા.રાજીવ માતાને ચા પીવડાવી તેનું મુખ સાફ કરી રહ્યો હતો. મેનેજીંગ ડિરેક્ટરને ઘરે આવેલા જોઇને રાજીવે આંખથી આવકાર આપ્યો.પણ માતાનું મુખ સાફ કરવામાં વધુ ધ્યાન આપ્યું.માતાને સુવાડી ચાદર ઓઢાડી.રાજીવ ડિરેક્ટર સાહેબ પાસે આવી બોલ્યો, ‘સાહેબ, માફ કરજો …..’ડિરેક્ટર સાહેબ તેને વચ્ચે જ અટકાવતાં બોલ્યા, ‘રાજીવ, તેં શા માટે રાજીનામું આપ્યું? અને રાજીનામું ન આપ તે સમજાવવા હું અહીં આવ્યો હતો.કારણ સમજી ગયો છું.’

રાજીવ બોલ્યો, ‘હા સાહેબ, મને ખબર છે મને પ્રમોશન મળવાની તક છે અને આટલી સારી નોકરી પણ બીજે નહિ મળે,પણ સાહેબ હું નાનો હતો તો મારી માએ મારું જતન કર્યું છે, ક્યારેય મને એકલો મૂકી કયાંય ગઈ નથી.અને હવે તેના અંતિમ દિવસો છે તો હું તેને એકલી મૂકવા માંગતો નથી.’ મેનેજિંગ ડિરેક્ટર બોલ્યા, ‘રાજીવ, તું સાચો પ્રેમ તારી મા ને કરે છે.મા માટે નોકરી છોડવાનો આવો અઘરો નિર્ણય લેનાર તું તેનો બહાદુર દીકરો પણ છે. હું તો પોતે કંપનીમાં માલિક હોવા છતાં કામ છોડી મારી મરતી મા પાસે બે ઘડી બેઠો ન  હતો તેનો મને આજ સુધી વસવસો છે.તારું રાજીનામું હું મંજૂર નથી કરતો.તારી નોકરી ચાલુ જ રહેશે.’ રાજીવ બોલ્યો, ‘આભાર મા ના આશિષ.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top