જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળે છે. આ રથયાત્રાનો મહોત્સવ 10 દિવસનો હોય છે. જે શુક્લપક્ષની અગિયારસનાં દિવસે પૂર્ણ થાય છે. આ દિવસે ભગવાન કૃષ્ણ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બેસાડીને ગુંડીચા મંદિર લઈ જવામાં આવે છે. ત્રણેય રથોને ભવ્ય રીતે સજાવવામાં આવે છે. જેની તૈયારીઓ મહિનાઓ પહેલાંથી શરૂ કરી દેવાય છે. એ તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. પરંતુ શું તમે આ રથયાત્રા નીકળવા પાછળનો ઈતિહાસ જાણો છો. આ પાછળ લોકોની અવનવી માન્યતાઓ પણ સંકળાયેલી છે.
કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ બાદ જ્યારે તેમનો પાર્થિવ દેહ દ્વારકા લાવવામાં આવે છે. ત્યારે તેઓના ભાઈ બલરામજીને ખુબ દુ:ખ પહોંચે છે. તેઓ ભાઈ કૃષ્ણના દેહને લઈને સમુદ્રમાં કુદી જાય છે. ભાઈઓના વિરહમાં બહેન સુભદ્રા પણ તેઓની પાછળ પાછળ સમુદ્રમાં કુદી જાય છે. આ સમયે ભારતના પૂર્વમાં સ્થિત પૂરીના રાજા ઈન્દ્રદ્વિમુનાને સપનું આવે છે કે ભગવાનનાં દેહ સમુદ્રના પાણીમાં તરી રહ્યા છે. જેથી તેમણે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા બનાવડાવી જોઈએ અને મંદિરનું નિર્માણ કરવું જોઈએ. તેમને સ્વપ્નમાં દેવદૂત કહે છે કે ભગવાન કૃષ્ણની સાથે બલરામ અને સુભદ્રાની લાકડાની પ્રતિમા બનાવવામાં આવે અને શ્રીકૃષ્ણની અસ્થિઓને પ્રતિમાની પાછળ એક બાકોરુ કરીને રાખવામાં આવે. રાજાનું સપનું સાચુ પડ્યુ. તેઓને ભગવાન શ્રી કૃષ્ણ, તેઓના ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રાની અસ્થિઓ મળી ગઈ. અસ્થિઓ મળ્યા પછી રાજા વિચારમાં પડી ગયા કે હવે તેઓની પ્રતિમાનું નિર્માણ કોણ કરશે. તે સમયે શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા એક સુથારના રૂપમાં પ્રકટ થાય છે અને મૂર્તિનું કાર્ય શરૂ કરે છે. કાર્ય શરૂ કરતાં પહેલાં તે દરેકને જણાવે છે કે તેમને પરેશાન કરવામાં ન આવે. નહીં તો કામ જેમનું તેમ મૂકીને જતાં રહેશે. મહિનાઓ વિતી જવાના કારણે મૂર્તિ બની ન હતી. રાજાથી રહેવાયું નહીં અને સુથારના રૂમનો દરવાજો ખોલી નાખે છે. દરવાજો ખોલતાની સાથે જ શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા ગાયબ થઈ જાય છે અને મૂર્તિને ઓપ આપી શકાતો નથી. અધુરી મૂર્તિની સ્થાપના કરી દે છે. મૂર્તિ પાછળ પહેલાં ભગવાન કૃષ્ણની અસ્થિઓ મૂકે છે અને ત્યારબાદ મંદિરમાં સ્થાપના કરી દે છે. એટલા માટે જ જ્યારે રથયાત્રા કાઢવામાં આવે છે ત્યારે તે વિશાળ રથોમાં ભગવાન કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ સાથે કાઢવામાં આવે છે. ભગવાન કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ દર 12 વર્ષ બાદ બદલી નાંખવામાં આવે છે અને જે નવી પ્રતિમા હોય છે, તેને પણ આખી બનાવવામાં આવતી નથી. જગન્નાથ પૂરીનું આ મંદિર એકમાત્ર એવું મદિર છે, જ્યાં ત્રણેય ભાઈ-બહેનની પ્રતિમા એક સાથે છે અને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.
જ્યારે બીજી માન્યતા એવી છે કે ભગવાન શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાજી તેઓના લગ્ન પછી પિયર આવે છે ત્યારે તેેઓ તેમના ભાઈઓ પાસે સમગ્ર નગરમાં ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે, ત્યારે ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી એક સાથે રથમાં બેસીને નગરભ્રમણ માટે નીકળે છે. જેના કારણે રથયાત્રાના આ ભવ્ય પર્વની શરૂઆત થઈ. આ સાથે બીજી પણ એક માન્યાતા લોકોમાં છે કે ગુંડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન કૃષ્ણનાં માસી છે જે ત્રણેય ભાઈ-બહેનને પોતાના ઘરે આમંત્રણ આપે છે એટલે ભગવાન શ્રીકૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રજી સાથે માસીનાં ઘરે 10 દિવસ રહેવા માટે જાય છે.
લોકોમાં એવી પણ માન્યતા છે કે ભગવાન કૃષ્ણની રાણીઓ માતા રોહિણીને ભગવાનની તમામ રાસલીલાઓ વિશે જણાવી રહી હતી તે સમયે માતા રોહિણીને થાય છે કે કૃષ્ણની ગોપીઓ સાથેની રાસલીલા વિશે બહેન સુભદ્રાએ સાંભળવું ન જોઈએ. જેના કારણે માતા રોહિણી સુભદ્રાજીને બલરામ અને કૃષ્ણ સાથે રથયાત્રામાં મોકલી દે છે. તે સમયે ત્યાં અચાનક નારદજી દર્શન આપે છે. નારદજી ત્રણેય ભાઈ બહેનને એકસાથે જોઈને પ્રસન્ન થઈ જાય છે અને પ્રાર્થના કરે છે કે આ ત્રણેયનાં દર્શન આજ રીતે દર વર્ષે કરવા મળે. તેમની આ પ્રાર્થના ભગવાન સાંભળી લે છે.