છેલ્લા 9 વર્ષ કરતા વધુ સમયથી આસારામ વિરૂદ્ધ ચાલતા દુષ્કર્મ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે (Sessions Court) આસારામને (Asaram) દુષ્કર્મના કેસમાં આજીવન કેદની (Life Imprisonment) સજા ફટકારી છે. તો કોર્ટે પીડિતાને 50 હજાર રુપિયાનું વળતર આપવા આદેશ કર્યો છે. ગઈકાલે દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કરાયા હતા જોકે તેનો ચુકાદો આજે આવ્યો હતો. આસારામને 376-બી દુષ્કર્મ અને 377 સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. સમગ્ર કેસમાં 55 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. બીજી બાજુ ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ સિવાયના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જેમાં આસારામના પત્ની અને પુત્રી સહિત કુલ છ સહઆરોપીઓનો સમાવેષ થાય છે.
સુરતની બે યુવતી પર દુષ્કર્મ કેસમાં આસારામને દોષીત જાહેર કરવામાં આવ્યો હતો. 2001માં થયેલા દુષ્કર્મ મામલે 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આસારામ સહિત 7 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસમાં 68 સાક્ષીઓને તપાસ્યા બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. આસારામ સિવાય તમામ આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે. આસારામના પત્ની અને પુત્રી સહિત કુલ છ સહઆરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં આશ્રમનાં ચાર મહિલા વ્યવસ્થાપકોનો સમાવેષ થાય છે. છેલ્લા 9 વર્ષથી ચાલતા આ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી છે. આસારામ હાલ જોધપુર જેલમાં બંધ છે. આસારામ દુષ્કર્મ કેસમાં દસ વર્ષથી જેલમાં બંધ છે. થોડા સમય પહેલાં તેની જામીન કરવામાં આવી હતી પરંતુ કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી.
કોર્ટે આસારામ પર આ કલમો લગાવી
ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને દુષ્કર્મ કેસમાં દોષી જાહેર કરાયો હતો. જે બાદ આજે કોર્ટ દ્વારા તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આસારામને કલમ 376 હેઠળ આજીવન કેદ, 377 હેઠળ આજીવન કેદ, 354 હેઠળ એક વર્ષ, 342 હેઠળ 6 મહિના, 357 હેઠલ 1 વર્ષ અને 506(2) હેઠળ એક વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે.
આ છે સમગ્ર ઘટના
સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ કરાયાનો આરોપ આ બે બહેનો દ્વારા લગાડવામાં આવ્યો હતો. પીડિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર આસારામના ફાર્મહાઉસ શાંતિવાટિકા પર તેને બોલાવવામાં આવી હતી. જ્યાં આસારામે ઘીની વાટકી મંગાવી તેને માથામાં માલિશ કરવાનું કહ્યું હતું. માલિશ કરતા સમયે આસારામે અડપલાં કર્યાં હતા જેથી પીડિતાએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આસારામે બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને કોઈને પણ આ ઘટના વિશે ન જણાવવાની ધમકી આપી હતી. વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો હતો.