મોટા ભાગની પ્રજા રાક્ષસોને ધિક્કારતી હોય છે. જો કે રાક્ષસો પણ એક રીતે પ્રજાપતિ બ્રહ્માનાં જ સંતાન હોવાં છતાં તેમની મથરાવટી તો મેલી ને મેલી જ રહી. રાક્ષસો બુદ્ધિશાળી તો હતા જ, આખરે તો તેઓ ઋષિ કશ્યપનાં જ સંતાનોને! રાવણની વિદ્વત્તા જગપ્રસિદ્ધ છે. સામાન્ય માનવીને પ્રશ્ન થાય કે આટલી બધી વિદ્વત્તા હોવા છતાં તેઓ ક્રૂર, હિંસક શા માટે? સ્ટીવન્સને સર્જેલાં પાત્રો ડો. જેકિલ અને ડો. હાઈડ એક જ વ્યક્તિમાં હતાં ને! જગવિખ્યાત નાટયકાર શેકસપિયરે પણ કહ્યું કે સદ્દમાં જ અસદ્દ અને અસદ્દમાં જ સદ્દ.

આમ જોવા જઇએ તો રાક્ષસો માટે થોડું ઘણું માન પણ જાગે. હિરણ્યકશિપુ પોતાના ભાઈની હત્યા વરાહરૂપે વિષ્ણુ ભગવાને કરી એટલે ક્રોધે ભરાયો હતો પણ સ્વસ્થ ચિત્તે તેણે પોતાની માતા અને વિધવા ભાભીને હિરણ્યાકક્ષના મૃત્યુ બદલ શોક ન કરવા સમજાવ્યા. આવા સંજોગોમાં તે સ્વસ્થ રહીને એક કથા કહી સંભળાવે છે. આ પ્રકારની કથાઓ કર્ણોપકર્ણ સાંભળી હશે અને પોતાની સ્મૃતિમાં એનો સંચય કરી રાખ્યો હશે.
એરિસ્ટોટલની દૃષ્ટિએ માનવીને બે હાથ તો મળ્યા પણ તે ઉપરાંત સ્મૃતિ-વિસ્મૃતિનું વરદાન પણ મળ્યું. હિરણ્યકશિપુ સુયજ્ઞ નામના રાજાની દૃષ્ટાંત કથા કહી સંભળાવે છે. ઉશીનર નામનું રાજ્ય અને ત્યાં રાજા સુયજ્ઞ. એક વેળા યુદ્ધમાં આ રાજાને શત્રુઓએ મારી નાખ્યો. સ્વજનો તેના શબની આસપાસ બેઠા હતા. રાજાનું કવચ નાશ પામ્યું હતું. અલંકારો વેરવિખેર થઇ ગયા હતાં, હાથ કપાઈ ગયા હતા. આવી હાલત જોઇને કોને દુ:ખ ન થાય? સુયજ્ઞની રાણીઓએ આ દૃશ્ય જોયું અને તેમને બહુ દુ:ખ થયું. છાતીફાટ રુદન કરવા માંડયું, વિધાતાની ક્રૂરતાને શાપી. આમ ને આમ જ સાંજ પડી ગઇ. સામાન્ય રીતે રાતે મરનારને અગ્નિદાહ અપાતો નથી. હવે સ્વજનોના ચિત્કાર સાંભળીને યમરાજ જાતે બાળકના રૂપે ત્યાં આવ્યા.
બાળક વેશે આવેલા યમરાજે કહેવા માંડ્યું- અરે આ મરનારનો શોક શા માટે? જીવ જયાંથી આવ્યો હતો ત્યાં ચાલ્યો ગયો. દરેકે એક ને એક દિવસે તો મરવાનું જ છે. અમારા જેવાને કશી ચિંતા નથી. જંગલી પ્રાણીઓ અમને કશી ઈજા કરી નહીં શકે. પ્રત્યેક જીવ ઇશ્વરનું રમકડું છે. ભાગ્ય અનુકૂળ હોય તો જંગલમાં પડેલી વસ્તુ પણ ત્યાં ને ત્યાં પડી રહે અને ભાગ્ય પ્રતિકૂળ હોય અને ઘરમાં સાચવીને રાખેલી વસ્તુ પણ ન રહે.
શરીર અને આત્મા, શરીર મરી જાય પણ આત્માને કશું થતું નથી. આવી બધી વાતો કહીને રાણીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ફરી યમરાજ એક દૃષ્ટાંત કથા કહે છે. કોઇ એક જંગલમાં એક પારધિ રહેતો હતો. પક્ષીઓનો તે કાળ હતો જયાં ને ત્યાં તે જાળ પાથરીને પંખીઓને પકડયા કરતો હતો. એક દિવસ તેણે કુલિંગ નામના પક્ષીયુગલને જોયું, માદા પક્ષીને તો પકડી લીધું. નરને આ જોઈને બહુ દુ:ખ થયું. માદાને છોડાવવાની કોઇ શક્તિ ન હતી, એટલે માત્ર વિલાપ કરતો રહ્યો. પત્ની વિના હું જીવન વિતાવીશ કેવી રીતે? હજુ તો અમારાં બચ્ચાંને પાંખો પણ ફૂટી નથી.
હું આ બચ્ચાંઓને પાળીશ કેવી રીતે? આવો વિલાપ કરતો હતો અને ત્યાં પેલા પારધિએ બાણ મારીને તેને વીંધી નાખ્યો. આવી દૃષ્ટાંતકથા કહીને યમરાજે કહ્યું- તમે સો વરસ સુધી કલ્પાંત કર્યા કરશો તો પણ આ રાજા જીવતો થવાનો નથી. હિરણ્યકશિપુએ આ કથા કહીને ઉમેર્યું કે આ નાના બાળકનું જ્ઞાન જોઈને બધા દંગ રહી ગયા. છેવટે પરિસ્થિતિ સ્વીકારીને સુયજ્ઞના શબને અગ્નિદાહ આપ્યો. છેવટે વાસ્તવિકતા સ્વીકારી લીધી અને શોકમુકત થયા. આવી કથા કહેનાર હિરણ્યકશિપુનો રાક્ષસી સ્વભાવ જાગી ઊઠયો તેને અજર, અમર, વિશ્વવિજેતા બનવાનું મન થયું. આવી ઈચ્છાઓ વાર્તાઓ કથાઓના નાયકોને જ નથી થતી, વાસ્તવજીવનમાં પણ આવી ઇચ્છા થાય છે. સિકંદર, ચંગીઝ ખાન, મહમૂદ ગઝની, નાદિર શાહ, અલાઉદ્દીન, બાબર, ડચ-વલંદા, અંગ્રેજોને પણ આવી ઇચ્છાઓ થઇ અને દુનિયા પર રાજ કરવા નીકળી પડયા હતાને! એટલે હિરણ્યકશિપુએ પણ વિશ્વવિજેતા બનવા તપ કરવા માંડયું. આપણે જોઇ શકીએ છીએ કે માત્ર પુરુષાર્થ કામ નથી લાગતો કોઈ દેવની સહાય લેવી પડે છે અને તપ એટલે કેવું તપ?