Dakshin Gujarat

બારડોલીમાં ચોમાસુ શરૂ થતાં જ રખડતા ઢોરોનો રસ્તાઓ પર અડિંગો

BARDOLI : ચોમાસું શરૂ થતાં જ બારડોલીના રસ્તાઓ પર રખડતાં ઢોરો ખાસ કરીને ગાયોનો ત્રાસ વધી ગયો છે. શહેરના મુખ્ય માર્ગો ઉપરાંત આંતરિક માર્ગો પર પણ ગાયો અડિંગો જમાવીને બેસી જતી હોય ટ્રાફિક ( TRAFFIC) માટે અડચણરૂપ બની રહી છે. એટલું જ નહીં શાકભાજી માર્કેટ ( VEGETABLE MARKET) માં ગાય લોકોએ ખરીદેલી શાકભાજી ખાય જતી હોય છે. પશુપાલકો ચોમાસાની ઋતુમાં ગાયોને રખડતી છોડી દેવામાં આવતાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે પાલિકા દ્વારા રખડતાં ઢોર અને તેમના માલિકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે.દર વર્ષે ચોમાસું શરૂ થતાંની સાથે જ બારડોલી શહેરના રસ્તાઓ રખડતાં ઢોરોના અડ્ડા બની જતા હોય છે. ચોમાસાની ( MONSOON) ઋતુમાં વધુ ભાર ઉઠાવવો ન પડે તે માટે પશુપાલકો ગાયોને છોડી મૂકે છે.

રખડતી ગાયો શહેરમાં કચરાઓના ઢગલામાંથી પોતાનો ખોરાક મેળવતી હોય છે અને તેમાં પ્લાસ્ટિકથી લઈ અનેક પ્રકારની જોખમી વસ્તુ ગાયના પેટમાં જતી હોય છે. પશુપાલકોએ ગાયોને છૂટી મૂકી દીધી હોય તે શહેરના રસ્તાઓ પર અડિંગો જમાવી દે છે. જેના કારણે રોડ પરથી પસાર થતાં વાહનચાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડે છે. રાત્રિના સમયે અંધકારમાં રોડની વચ્ચોવચ બેઠેલી ગાયો અને અન્ય પશુ નજરે નહીં પડતાં વાહનચાલકોને તેની સાથે અથડાઇ જવાનો ભય રહેલો છે. બારડોલીના સ્વરાજ આશ્રમ, જલારામ મંદિર, સ્ટેશન ચાર રસ્તા, સરદાર હોસ્પિટલ તેમજ સર્વોદય સર્કલ નજીક ગાયોનું ટોળું અડ્ડો જમાવીને બેસી રહે છે. આ ઉપરાંત ગાંધી રોડ, આચાર્ય તુલસી માર્ગ, શાસ્ત્રી રોડ પર પણ થોડા થોડા અંતરે ગાયોનું ટોળું રોડ પર બેઠેલું નજરે પડતું હોય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા પેદા થઈ રહી છે. જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત રજૂઆત છતાં પાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની કોઈ કાર્યવાહી હાથ ધરવામા આવતી નથી કે પશુપાલકો સામે પણ કોઈ પગલાં લેવાતાં નથી. અને છેલ્લે પ્રજાએ જ બધુ ભોગવવું પડી રહ્યું છે.

ગ્રાહકોએ ખરીદેલી શાકભાજી પણ ઢોર આરોગી જાય છે

સૌથી વધુ પરેશાની બારડોલીના લીમડા ચોક વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં થઈ રહી છે. શાકભાજી માર્કેટમાં રખડતાં ઢોર વેપારીઓના શાકભાજીનો તો બગાડ કરે જ છે. પણ સાથે સાથે ગ્રાહકોએ મોંઘા ભાવે ખરીદેલી શાકભાજી પણ આરોગી જતાં લોકો તોબા પોકારી ઊઠ્યા છે.

રખડતાં ઢોર બાબતે યોગ્ય કાર્યવાહી કરાશે: ફાલ્ગુની દેસાઈ

બારડોલી નગરપાલિકાના પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઇએ જણાવ્યું હતું કે, આ અંગે ચીફ ઓફિસર સાથે ચર્ચા કરવામાં આવી છે. તેઓ પોલીસ અને પ્રાંત અધિકારી સાથે સંકલનમાં રહી આગામી દિવસોમાં રખડતાં ઢોર બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

કાયમી નિકાલ થવો જોઈએ

બારડોલી નગરપાલિકા પાસે રખડતાં ઢોર પકડવા માટે કોઈ ખાસ આયોજન જ ન હોય સફળતા મળતી નથી. ઢોર પકડવા માટેના ડબ્બા પણ ન હોવાથી પકડેલા ઢોરને ક્યાં રાખવા તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આટલી મોટી નગરપાલિકા હોવા છતાં રખડતા ઢોરને રાખવા માટેની કોઈ જગ્યા કે ડબ્બાનું આયોજન કરવામાં આવ્યું ન હોવાથી ચોમાસામાં છેવટે પ્રજાને ભોગવવાનું આવે છે. આ સમસ્યા કાયમની હોય તેનો કાયમી નિકાલ આવે તેવું આયોજન કરવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.

Most Popular

To Top