સુરત: આરટીઇમાં (RTE) પહેલો રાઉન્ડ જાહેર થતાં જ જિલ્લા શિક્ષણાધિકારીએ (Surat DEO) ઓનપેપર ગરીબ વાલીઓને શોધી કાર્યવાહી કરવાનો આદેશ સ્કૂલોને (Schools) કર્યો છે. જેને કારણે સ્કૂલોએ તપાસ કમિટી બનાવી છે. આ વખતે પણ સ્કૂલોએ નર્સરી, સિનિયર કેજી, જુનિયર કેજી અને ધોરણ-1માં અધૂરો અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
- આરટીઈનો પહેલો રાઉન્ડ જાહેર થતાં જ ડીઈઓએ ઓનપેપર ગરીબ વાલીઓને શોધવાનો આદેશ કર્યો
- ખાનગી સ્કૂલોએ તપાસ કમિટી બનાવી, જે હવે બાળકના ઘરે જઈને તપાસ કરશે, આવકના દાખલાની પણ તપાસ કરાશે
- નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી અને ધો.1માં રૂ.55 હજાર સુધીની ફી ભરતા વાલીઓ ઓનપેપર ગરીબ, એ જ સ્કૂલમાં આરટીઈમાં ધો.1માં પ્રવેશ લીધો
શહેરના પોશ વિસ્તારની અને જાણીતી ખાનગી સ્કૂલોમાં આરટીઇ અંતર્ગત ધોરણ-1થી 8માં બાળકને મફત ભણાવવા માટે ઘણા માલેતુજાર વાલીઓ ઓનપેપર ગરીબ બન્યા છે. આમ, આવા ઓનપેપર ગરીબ વાલીઓને કારણે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો આરટીઇની ધોરણ-1ની પ્રવેશ કાર્યવાહીથી વંચિત રહી ના જાય એ માટે જિલ્લા શિક્ષણાધિકારી મેદાનમાં ઊતરવું પડ્યું છે.
જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોને પરિપત્ર કરીને જણાવ્યું છે કે, આરટીઇ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહેશે. તે સમયે કોઈ પણ શંકા જાય તો તાત્કાલિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
બીજી તરફ સ્કૂલ સંચાલકોને ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી અને ધોરણ-1માં રૂ.25થી 55 હજાર સુધીની ફી ભરનાર તથા ઘરમાં એસી રાખતા, કારમાં ફરતા વાલીઓ ઓનપેપર ગરીબ બન્યા છે. આમ, આવા વાલીઓને કારણે આરટીઇની ધો.1ની પ્રવેશ કાર્યવાહીથી ગરીબ બાળકો વંચિત રહી જતા હોય છે.
આથી તેમને લાભ આપવા માટે અમે તપાસ કમિટી બનાવી છે. જેમાં બે ટીચર અને એક ક્લાર્કની નિમણૂક કરાઈ છે. એ સાથે નર્સરી, સિનિયર કેજી, જુનિયર કેજી અને ધો.1માં પ્રવેશ છોડનારા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જે અન્ય ખાનગી સ્કૂલોને મોકલાશે અને તે પછી આરટીઇમાં ધો.1માં પ્રવેશ લેનારા ઓનપેપર ગરીબ વાલીઓને શોધાશે.
આ આખી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ સ્કૂલની તપાસ કમિટી આરટીઇમાં પ્રવેશ લેનારાં બાળકોના ઘરે જઇને તપાસ કરશે. જ્યાં ઘર, ગાડી, એસી, એલઇડી ટીવી, ફ્રિજ જેવી બાબતનો ફોટો પણ પાડશે તેમજ વાલીઓના આવકના દાખલાની પણ તપાસ કરાશે. અંતે તપાસ કમિટીનો આખો રિપોર્ટ તૈયાર કરી જિલ્લા શિક્ષણાધિકારીને સોંપાશે.
એડમિટ બટન પર ક્લિક નહીં કરશે તો તે સીટ બીજા રાઉન્ડમાં જતી રહેશે
જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોને પરિપત્ર કરતા જણાવ્યું છે કે, વાલીઓ એડમિટ કાર્ડ લઈને સ્કૂલ પર પ્રવેશ લેવા માટે આવે તો પહેલાં ડોક્યુમેન્ટની ચકાસણી કરવાની રહેશે. જે કાર્યવાહી પૂર્ણ થતાં જ એડમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. જેથી એક પ્રિન્ટ નીકળશે અને એ વાલીઓને આપવાની રહેશે.
એડમિટ બટન પર ક્લિટ નહીં કરશે તો પછી એ જગ્યા બીજા રાઉન્ડમાં જતી રહેશે અને ત્યાં બીજા રાઉન્ડનું એડમિશન ફળવાશે. આમ, એક બેઠક પર બે પ્રવેશ થશે. કોઈપણ 25 ટકાથી વધારે પ્રવેશ આપશે તો પછી સંપૂર્ણ જવાબદારી સંસ્થાની રહેશે. આરટીઇની પ્રવેશ કાર્યવાહી સંભાળતા કર્મચારીઓની યાદી તૈયારી કરી નોટિસ બોર્ડ પર લગાડવી. બાળકને પ્રવેશ આપતી સમયે કે આપ્યા બાદ તેમના વાલી પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવાની રહેતી નથી.
મહર્ષિ વેદવ્યાસ વિદ્યાસંકુલ પ્રવેશ નહીં આપતી હોવાની વાલીની ડીઈઓને ફરિયાદ
મહર્ષિ વેદવ્યાસ વિદ્યાસંકુલ પ્રવેશ નહીં આપતી હોવાની વાલીએ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી છે. વાલીએ ફરિયાદ લખ્યું છે કે, સ્કૂલે પહેલા જિલ્લા સેવાસદનથી ચિઠ્ઠી લખાવી આવવા કહ્યું હતું. જેથી વાલીએ સ્કૂલને જણાવ્યું હતું કે, આરટીઈમાં આવું કઈ હોતું નથી. ડીઇઓ કોઈપણ પરિપત્ર કરે તે પરિપત્ર અમારી સ્કૂલને લાગુ પડતો નથી. સ્કૂલ પ્રવેશ નહીં આપીને ધક્કા ખવડાવી રહી છે. જેથી સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.