સુરત : કોંગ્રેસ અગ્રણી (Congress) રાહુલ ગાંધી (Rahul Gandhi) સામે થયેલી બદનક્ષીની ફરિયાદમાં સુરતની (Surat) ચીફ કોર્ટમાં હાજર રહેલા રાહુલ ગાંધીએ પોતાનું બીજીવારનું વિશેષ નિવેદન આપ્યું હતું. ભાજપ તરફે બે સાક્ષીઓને તપાસાયા હતા. જેના આધારે રાહુલ ગાંધીનું વધારાનું નિવેદન નોંધાયું હતું. રાહુલ ગાંધીએ મોટાભાગના જવાબોમાં પોતે કંઇ જાણતા ન હોવાનું કહ્યું હતું. આખરે રાહુલ ગાંધીએ કોર્ટમાં જણાવ્યું કે, તેની વિરુદ્ધમાં જે ફરિયાદ થઇ છે તે ખોટી રીતે કરવામાં આવી છે.
આ કેસની વિગત મુજબ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં બેંગ્લોરથી 100 કિલોમીટર દૂર કોલારમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને દેશના આર્થિક ગુનેગારો નિરવ મોદી, લલીત મોદી, મેહુલ ચોક્સી, વિજય માલીયા સાથે સરખાવીને તમામ મોદી અટકધારીને ચોર કહ્યાનો આક્ષેપ કરાયો હતો. મોદી અટકધારીઓની બદનક્ષી થઇ હોવાનું કહીને સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની સામે સુરતની ચીફ કોર્ટમાં માનહાનીની પ્રાઇવેટ ફરિયાદ આપી હતી.
આ ફરિયાદમાં કોર્ટના હુકમ બાદ કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. કેસની ટ્રાયલ દરમિયાન બીજીવાર પણ તેઓ હાજર રહ્યા હતા અને પોતાનું નિવેદન આપ્યું હતું. આ દરમિયાન ઇલેક્શન કમિશનરની વીડિયો સર્વેલન્સ ટીમના સભ્ય હતા અને શિવસ્વામીની નિગરાની હેઠળ અરૂણ કુમારે રાહુલ ગાંધીના ભાષણનું વીડિયો રેકોડીંગ કર્યું હતું, તે બંને સાક્ષીઓ શિવસ્વામી તેમજ અરૂણકુમારની જુબાની લેવાઇ હતી. આ બંનેના નિવેદનના આધારે શુક્રવારે રાહુલ ગાંધીનું વધારાનું નિવેદન લેવાયું હતું.
વીડિયો ક્લીપીંગ તેમજ તેના રેકોડીંગ બાબતે રાહુલ ગાંધીને હિન્દીમાં સવાલો પુછવામાં આવ્યા હતા. જે મોટાભાગના તમામ જવાબોમાં રાહુલ ગાંધીએ પોતાને ખબર ન હોવાનું કહ્યું હતું. આખરે કોર્ટે રાહુલ ગાંધીને સવાલ કર્યો હતો કે તમારે કોઇ વધારાના પુરાવા રજૂ કરવા છે..? ત્યારે રાહુલ ગાંધીએ વધારાના પુરાવા આપવાની ના પાડી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધીનું અંતિમ નિવેદન લેવાયું હતું જેમાં રાહુલ ગાંધીએ કોર્ટને કહ્યું કે, તેની સામે જે ફરિયાદ થઇ છે તે ખોટી રીતે કરવામાં આવી છે.
ફરિયાદ પક્ષે વધુ બે સાક્ષીઓ તપાસવાની મંજૂરી મંગાઇ
ભાજપ તરફે હાજર વકીલ બી.વી. રાઠોડે વધારાના બે સાક્ષીઓ ચંદ્રપ્પા અને જે. મંજુનાથને તપાસવા માટે મંજૂરી માંગવામાં આવી છે. આ બંને પૈકી ચંદ્રપ્પા સીડી તૈયાર કરનાર ઓથોરીટી હતા. જ્યારે મંજૂનાથ 2019ની ચૂંટણી વખતે કોલાર ડિસ્ટ્રીક્ટના ઇલેક્શન ઓફિસર હતા. કોર્ટે આ માટે આવતીકાલની સુનાવણી રાખી છે અને ખાસ પૂર્ણેશ મોદીને હાજર રહેવાનો પણ મૌખિક હુકમ કર્યો હતો.
સુનાવણી દરમિયાન ગુજરાતના કેબીનેટ મંત્રી અને ફરિયાદી પૂર્ણેશ મોદી હાજર રહ્યા
માનહાનિના કેસની સુનાવણી દરમિયાન પશ્ચિમના ધારાસભ્ય અને હાલમાં જ ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રીમાં નિયુક્ત થયેલા ફરિયાદી પૂર્ણેશ મોદી કોર્ટમાં હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીનો જવાબ લેવાયો ત્યારે પૂર્ણેશ મોદી સહિત અન્ય ભાજપી નેતાઓ પણ હાજર હતા. આ ઉપરાંત કોંગ્રેસમાંથી પણ સુરતના મોટા અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન તમામ વકીલો અને પક્ષકારોને બહાર જવા કહેવાયું
રાહુલ ગાંધી બપોરે ત્રણ વાગ્યાના અરસામાં સુરતની ચીફ કોર્ટમાં હાજર રહ્યા હતા.
આ સાથે જ સુરતની ચીફ કોર્ટના મેજીસ્ટ્રેટે કેસ સાથે સંકળાયેલા વકીલો અને પક્ષકારોને જ કોર્ટમાં બેસવા કહ્યું હતુ, જ્યારે બીજા વકીલો અને પક્ષકારોને બહાર જવાની સૂચના આપવામાં આવી હતી. કેસની સુનાવણી સાંભળવા માટે કેટલાક વકીલો કોર્ટની બહાર પેસેજમાં ઊભા રહ્યા હતા. પરંતુ ત્યાં પણ પોલીસે તેઓને ઊભા રહેવાની ના પાડી હતી. બીજી તરફ સુરતની કોર્ટ રૂમમાં જ કેટલાક એવા પણ વકીલો હતા કે જેઓને કેસ સાથે કશું જ લેવા-દેવા ન હતું. તેમ છતાં તેઓ કોર્ટમાં હાજર હતા અને પોલીસે તેઓને બેસવા પણ દીધા હતા.