National

દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર નહીં થાય, કહ્યું…

નવી દિલ્હી: દિલ્હીની (Delhi) લિકર પોલિસીમાં (LiquorPolicyScam) કથિત કૌભાંડના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (CMArvindKejriwal) નોટિસ મોકલીને આજે ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યા છે. જો કે કેજરીવાલ આજે ED સમક્ષ હાજર નહીં થાય. તેમણે EDને જવાબ લખીને તપાસ એજન્સીની નોટિસને રાજકીય રીતે પ્રેરિત અને ગેરકાયદેસર ગણાવી છે.

ખરેખર ઈડી લિકર પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગ સંબંધિત કેસની તપાસ કરી રહી છે. ચર્ચા એવી છે કે કેજરીવાલને સમન્સ મોકલતા પહેલા તપાસ એજન્સીએ પુરાવા એકત્ર કરી લીધા છે. આ કેસમાં તપાસ એજન્સીએ પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી છે. સીએમ કેજરીવાલની હાજરી પહેલા ઈડીએ આમ આદમી પાર્ટીની સરકારના અન્ય મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા છે. જોકે, આ દરોડો કસ્ટમ કેસને લગતી બાબતમાં પડયો હતો.

કેજરીવાલને ઈડીના સમન્સ પર આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું, “માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે કે કેન્દ્ર સરકાર સત્તાના નશામાં છે. તેઓ એટલા અહંકારી થઈ ગયા છે કે તેઓ દરેક નાની પાર્ટીને કચડી નાંખવા માંગે છે, આપ એક પ્રગતિ કરતી રાષ્ટ્રીય પાર્ટી છે અને ભાજપ સરકાર તેને કચડી નાંખવાના તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.”

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ઈડીના સમન્સનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ઈડીની નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો છે . તેમણે કહ્યું કે, આ નોટિસ ભાજપના ઈશારે મોકલવામાં આવી છે, જેથી હું ચાર રાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે ન જઈ શકું. ઈડીએ તાત્કાલિક આ નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ.

બીજી તરફ ભાજપે દિલ્હીમાં કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા છે અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, “કેજરીવાલ, સાચું કહો, દારૂ કૌભાંડ પર મોં ખોલો.” આ પોસ્ટરમાં કેજરીવાલના રાજીનામાની માંગ કરવામાં આવી છે.

Most Popular

To Top