નવીન દિલ્હી: દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) સોમવાર 1 એપ્રિલ, 2024ના રોજ મોટો આંચકો લાગ્યો છે. EDની માંગ પર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં (Judicial Custody) મોકલી દીધા છે.
EDએ 21 માર્ચની રાત્રે આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. બીજા દિવસે એટલે કે 22 માર્ચે કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. ત્યારબાદ 28 માર્ચે તેને 1 એપ્રિલ સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે EDએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની કસ્ટડી નથી માંગી. પરંતુ તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જ તેમને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. એટલે કે 15 એપ્રિલ 2024 સુધી કેજરીવાલ તિહાર જેલમાં રહેશે.
કેજરીવાલની કોર્ટમાં હાજરી પહેલા તિહાર જેલમાં એક મીટિંગ ચાલી રહી હતી અને કથિત રીતે એ પણ નક્કી કરવામાં આવી રહ્યું હતું કે તેમને તિહારમાં કયા નંબરની જેલમાં મોકલવામાં આવશે તે પણ નક્કી કરવામાં આવશે. કેન્દ્રીય એજન્સીએ કોર્ટને કહ્યું કે કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. તેઓ ગોળગોળ જવાબો આપી રહ્યો છે. તેમજ તેઓ તેમના આઇફોનનો પાસવર્ડ પણ નથી આપી રહ્યા. જેથી વધુ તપાસ હાથ ધરી શકાય.
શું છે EDના આરોપો?
EDએ દાવો કર્યો હતો કે દિલ્હી લિકર પોલિસીની તૈયારી અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર થયો હતો. કેન્દ્રીય તપાસ એજન્સીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આ કેસમાં મુખ્ય કાવતરાખોર ગણાવ્યા હતા. તેમજ પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સંજય સિંહ એક્સાઈઝ પોલિસી કેસમાં જ જેલમાં છે. તેમજ તેઓની પણ પૂછ પરછ કરવામાં આવી હતી.
EDનું કહેવું છે કે દિલ્હી લિકર પોલિસીમાંથી મળેલા પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટી દ્વારા ગોવા વિધાનસભા ચૂંટણી અને અન્ય હેતુઓ માટે કરવામાં આવ્યો છે. જ્યારે AAPએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરવામાં આવી છે. ભાજપ આ બધું રાજકીય બદલાની ભાવનાથી કરી રહ્યું છે.