જે એક સમયે ભારતીય જનતા પક્ષના સભ્ય હતા, પક્ષના રાજ્યસભાના સભ્ય હતા અને અટલબિહારી વાજપેયીના સમયમાં કેન્દ્રીય પ્રધાન હતા એ અરુણ શૌરી છેલ્લા ઘણા સમયથી કહે છે કે તેમણે નરેન્દ્ર મોદીને પારખવામાં અને નરેન્દ્ર મોદીને ટેકો આપવામાં ભૂલ કરી હતી. અત્યારે તેમનું ‘ધ કમિસનર ઓફ ધ લોસ્ટ કોઝીઝ’નામનું એક નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેમાં તેમણે તેઓ પત્રકાર હતા એ દિવસોનાં સંસ્મરણો લખ્યાં છે. તેમણે પત્રકાર તરીકે દેશના એ સમયના શાસકોને, દેશના એકંદર રાજકારણને અને પત્રકારત્વને હચમચાવી મૂક્યાં હતાં. અહીં આજે જે ચર્ચા કરવી છે તે તેમના પુસ્તક વિષે અને પુસ્તકના વિષય પત્રકારત્વ વિષે નથી કરવી એટલે એ વાત અહીં પડતી મૂકીએ. માત્ર એટલું જ કહેવાનું કે જો એ પુસ્તક વાંચશો તો આઝાદી પછીના અધ:પતનને સમજવામાં ઉપયોગી નીવડશે.
પુસ્તકના પ્રકાશન નિમિત્તે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડીજીટલ મીડિયામાં અરુણ શૌરીની મુલાકાતો લેવામાં આવી રહી છે. પુસ્તકનો વિષય રોચક છે એટલે મીડિયાને શૌરી સાથે વાત કરવામાં રસ હોય એ સ્વાભાવિક છે. એમાંની એક ‘ધ પ્રિન્ટ’ના સ્થાપક-સંપાદકને આપેલી મુલાકાતમાં અરુણ શૌરીએ કદાચ પહેલી વાર કહ્યું છે કે તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને ઓળખવામાં ભૂલ કરી હતી. નરેન્દ્ર મોદીને ઓળખવામાં ભૂલ કરી છે એવું તો તેમણે અનેકવાર કહ્યું છે, તેમણે કહ્યું હતું કે “આપણે બધાએ, આપણી આગલી બે પેઢીએ”, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમજવાની તસ્દી લીધી નહોતી. તેમનું સાહિત્ય આપણે વાંચવાની જરૂર લાગી નહોતી. આપણે તેમની સાદગી, શિસ્ત, દેશપ્રેમ વગેરે બાહ્ય કલેવરને સાચું માનીને બીજેપીને બીજા કોઈ એક રાજકીય પક્ષ જેવા જ રાજકીય પક્ષ તરીકે જોતા હતા. શૌરીના કહેવા મુજબ આ બધાં ધારણ કરવામાં આવેલાં મોહરાં છે, બાકી તેમનો હિન્દુત્વનો એજન્ડા તો ૧૯૪૦ માં નક્કી થઈ ગયો હતો અને તેને તેઓ વળગી રહેલા છે.
તેમણે તેમના પુસ્તકમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના માલિક રામનાથ ગોએન્કા સાથેનો એક પ્રસંગ ટાંક્યો છે. એક દિવસ એ સમયના સંઘના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસના ભાઈ ભાઉરાવ દેવરસે અરુણ શૌરીને દિલ્હીમાં સંઘના વડા મથકમાં મળવા બોલાવ્યા. શૌરી તેમની સાદગી જોઇને પ્રભાવિત થઈ ગયા. ઓફિસમાં આવીને તેમણે રામનાથ ગોએન્કા સમક્ષ દેવરસની સાદગીના વખાણ કર્યા ત્યારે ગોએન્કાએ કહ્યું હતું; “છોડ સાદગી. યહ સબ નહીં મિલી કે સાધુ હૈ. (છોકરી નથી મળી એટલે સાધુ) એક બાર ઉનકે હાથ મેં સત્તા આને દે ફિર દેખના યે લોગ ક્યા નહીં કરેંગે.”
ખેર, સંઘપરિવારને, તેના એજન્ડાને અને બીજેપીને ઓળખવામાં ભૂલ કરી એનું એક કારણ અરુણ શૌરીએ બૌદ્ધિક આળસ અથવા દક્ષતાનો અભાવ આપ્યું છે. બીજું કારણ તેમણે એવું આપ્યું છે કે પરિસ્થિતિ જ્યારે નિરાશાજનક હોય ત્યારે કોઈ પણ માણસ કે પક્ષ આપણને તારણહાર લાગતો હોય તો આપણે તેની આંગળી પકડી લેતા હોઈએ છીએ. મારે અહીં કહેવું જોઈએ કે અરુણ શૌરી ખોટું બોલે છે. તેઓ જ્યારે પ્રામાણિક કબુલાત કરી જ રહ્યા છે તો પછી એનાં સાચાં કારણ પણ પ્રામાણિકપણે જણાવી દેવાં જોઈએ અને આવું માત્ર તેમની સાથે નથી બન્યું, બીજાં અનેક લોકો સાથે બન્યું છે જેની તેઓ ખાનગીમાં કબુલાત કરે છે. તો પછી સંઘને મદદ કરવા પાછળનાં અને તેના માટે સહાનુભુતિ ધરાવવા પાછળનાં સાચાં કારણ શાં છે જે અરુણ શૌરી કહેતા નથી?
બે કારણ હતાં. એક કારણ હતું મુસલમાનો અને ખ્રિસ્તી મિશનરીઓ સામેનો દ્વેષ. એમાં ઇસ્લામ અને ઈસાઈ ધર્મના સંગઠિત સ્વરૂપ અને તેની સામે હિંદુ ધર્મનું શ્રદ્ધાઓના કુળ જેવા સ્વરૂપનો સમાવેશ થાય છે. સંઘને મદદ કરનારાઓને અથવા તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારાઓને એમ લાગતું હતું કે સંઘ ઝનૂની મુસલમાનોને અને ધર્માન્તરણ કરાવનારા ઈસાઈ મિશનરીઓને કાબૂમાં રાખવામાં મદદરૂપ થઈ શકે એમ છે. બીજું કારણ હતું, સામ્યવાદ. જમણેરી મૂડીવાદીઓને સામ્યવાદનો ભય તો હતો જ, પણ અણગમો વધુ હતો. ખાસ કરીને વીતેલાં વરસોનાં જમણેરી નેતાઓને લાગતું હતું કે આખરી લડાઈ સામ્યવાદ સાથે થવાની છે જેમાં સંઘનો ખપ છે. સંઘના વૈચારિક ગુરુ ગણાતા ગુરુ ગોલવલકરે પણ તેમના સંઘના ગીતા સમાન પુસ્તક ‘ધ બન્ચ ઓફ થોટ’માં લખ્યું છે કે ભારતમાં આખરી લડાઈ સંઘ અને સામ્યવાદીઓ વચ્ચે થવાની છે અને સંઘ દેશને સામ્યવાદથી બચાવવાનો છે.
તેમણે એમ ગૃહિત માની લીધું હતું કે હિંદુ ધર્મનું અને હિંદુ સમાજનું સ્વરૂપ જોતાં હિંદુ સમાજમાં મોટી સંખ્યામાં કટ્ટર હિંદુ ઘડવો એ શક્ય જ નથી. આ સિવાય હિંદુઓ જ્ઞાતિઓ દ્વારા વિભાજીત છે. ઉલટું તેમને તો એમ લાગતું હતું કે સંઘ હિંદુઓમાં એકતા માટેની સંગઠનભાવના પેદા કરવાનું કામ કરી રહ્યો છે જે એક રીતે સારું છે. વળી તેમને એમ પણ લાગતું હતું કે ભારતનું બંધારણ કોઈને પણ લક્ષ્મણરેખા ઓળંગવા નહીં દે, એટલે હિન્દુત્વના રાજકારણને પરિણામે બંધારણીય ભારત જોખમમાં નહીં આવે. તેમને કાયદો હાથમાં લે એવો કટ્ટર હિંદુ નહોતો જોઈતો, પણ હિંદુ હોવાની સભાનતા અને ગૌરવ અનુભવનારો હિંદુ જોઈતો હતો. સંઘનો એ રીતનો ખપ તેમને દેખાતો હતો અને માટે તેઓ સંઘપરિવારને મદદ કરતા હતા અને સહાનુભૂતિ ધરાવતા હતા.
ભારતનું વિભાજન થયું ત્યારે અને એ પહેલાંનું મુસ્લિમ રાજકારણ જોઇને એ સમયના અનેક કોંગ્રેસી નેતાઓને એમ લાગ્યું હતું કે હિંદુઓમાં પણ એકતાની ભાવના પેદા કરનારું, હિંદુઓને સંગઠિત કરનારું, થોડુંક લોંઠકાપણાનું પ્રદર્શન કરનારું, “બીજા”ઓને સખણા રાખવામાં ઉપયોગી થનારું એક હિંદુ પરિબળ જરૂરી છે અને એ સંઘ કરી શકે એમ છે. આ સિવાય સામ્યવાદને ખાળવામાં પણ ઉપયોગી થઈ શકે એમ છે. માટે ગાંધીજીની હત્યા પછી સંઘ પરનો પ્રતિબંધ પાછો ખેંચવામાં કોંગ્રેસી નેતાઓએ મદદ કરી હતી. કોંગ્રેસની અંદર જે કેટલાક હળવા હિંદુવાદી (સોફ્ટ હિંદુત્વવાદી) નેતાઓ હતા એ પોતાને ગાંધીવાદી કહેવડાવતા હોવા છતાં સંઘ માટે સહાનુભૂતિ ધરાવતા હતા.
આનું કારણ અરુણ શૌરી કહે છે એમ બૌદ્ધિક પ્રમાદ નહોતો પણ સંઘનો ખાસ પ્રકારનો વાંકી આંગળીએ ઘી કાઢવાનો ખપ હતો અને હિંદુ સમાજમાં કટ્ટર હિંદુ ક્યારેય પેદા થઈ જ ન શકે અને છેવટે બંધારણ રખેવાળી કરશે એવાં ગૃહિત હતાં. અરુણ શૌરી જાહેરમાં આની કબુલાત કરવા જેટલી હિંમત અને પ્રામાણિકતા ધરાવતા નથી. અરુણ શૌરીએ ૨૮ પુસ્તકો લખ્યાં છે જેમાંથી તેઓ જ્યારે બીજેપી સાથે હતા એ સમયનાં પુસ્તકો ઉપર નજર કરો. ‘રિલીજીયન ઇન પોલિટિક્સ’, ‘ધ ઓન્લી ફાધરલેન્ડ’, ‘અ સેક્યુલર એજન્ડા’, ઇન્ડિયન કોન્ટ્રોવર્સીઝ: એસેઝ ઓન રિલીજીયન ઇન પોલીટીક્સ’, ‘મિશનરિઝ ઇન ઇન્ડિયા’, ‘વર્લ્ડ ઓફ ફતવાઝ: શરિયા ઇન એક્શન’, એમીનન્ટ હિસ્ટોરિયન્સ’. ‘હાર્વેસ્ટિંગ અવર સોલ્સ: મિશનરીઝ ધેર ડીઝાઇન, ધેર ક્લેઇમ્સ’. આ પુસ્તકો ઇસ્લામ વિરોધી છે, ખ્રિસ્તી વિરોધી છે, સેકયુલરિઝમ વિરોધી છે, સામ્યવાદીઓ વિરોધી છે અને હિન્દુત્વવાદીઓ માટે છૂપી કે પ્રગટ સહાનુભૂતિ ધરાવે છે. કારણ? કારણ આગળ કહ્યું એ જ. આ બધાઓને સખણા રાખવા માટે વાંકી આંગળીએ ઘી કાઢનાર હિંદુ સંગઠનની જરૂર છે. સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, એન. વી. ગાડગીળ અને બીજા અનેક કોંગ્રેસીઓમાંથી કેટલાકે અરુણ શૌરીની માફક “બીજા”ઓ વિષે કવચિત થોડું લખ્યું છે, પણ તેમના રાજકારણ ઉપર નજર કરશો તો એમાં “બીજાઓ”સામે સંઘનો ખપ નજરે પડશે.
અહીં સવાલ થવો જોઈએ કે તેઓ જ્યારે આરએસએસ માટે સહાનુભૂતિ ધરાવતા હતા અને મદદ કરતા હતા તો પછી સંઘને જે માણસ ગમતો નથી એ ગાંધીની આંગળી તેમણે શા માટે પકડી હતી? જે પક્ષ સંઘની વિચારધારા સ્વીકારતો નથી એ કોંગ્રેસ પક્ષમાં તેઓ શા માટે જોડાયા હતા? સંઘને ભારતની જે કલ્પના સ્વીકાર્ય નથી એવા ભારતની કલ્પનાને શબ્દબદ્ધ કરનારું બંધારણ તેમણે શા માટે ઘડ્યું? કાયદાનું રાજ અને જવાબદાર રાજ્યતંત્રના તેઓ શા માટે મોટા પુરસ્કર્તા હતા અને છે? તેમણે ઉઘાડેછોગ સંઘનો એજન્ડા કેમ નહીં અપનાવ્યો? આજે અરુણ શૌરી જેવાઓ સંઘપરિવાર દ્વારા મર્યાદા ઓળંગાતી જોઇને શા માટે ડરી ગયા છે? શા માટે તેઓ બંધારણીય ભારતના ભવિષ્ય વિષે ચિંતિત છે? બીજે છેડે રહીને તેઓ સંઘ માટે સહાનુભૂતિ શા માટે ધરાવતા હતા અને મદદ કરતા હતા એનાં કારણો તો આપણે તપાસ્યાં, પણ તેઓ હંમેશા બીજે છેડે જ શા માટે રહ્યા? ના, સત્તાની લાલચ આનું કારણ નહોતું. આવું જો તમે વિચારતા હો તો એ ભૂલ છે. આવતા એક સપ્તાહ દરમ્યાન બીજાં કારણો વિચારો.