Dakshin Gujarat Main

લાયસન્સનો વેપલો: નવસારીના આ ARTO એ પોતાની ચામડી બચાવવા ઇન્સ્પેક્ટરોની ફાઇલ તૈયાર કરી નાંખી!

નવસારી: (Navsari) સુરત, વડોદરા અને વલસાડમાંથી લાયસન્સ (Licence) કઢાવનારાઓમાંથી ઘણા નવસારી આરટીઓ પસંદ કરતા અને તેમાં સુરતના એજન્ટોને (Agent) પણ બે પૈસા મળતા, તો નવસારી આરટીઓ કચેરીના કર્મચારીઓ પણ વહેતી ગંગામાં હાથ ધોઇ નાંખતા હોવાનું જાણવા મળે છે, ત્યારે હવે એઆરટીઓ પ્રકાશ ચૌધરીના પગ તળે રેલો આવતાં તેમણે સુરતના (Surat) લાયસન્સ જેમના આઇડીમાંથી ઇશ્યુ થયા હોય એવા ઇન્સ્પેક્ટરોમાંથી કેટલાકની ફાઇલ તૈયાર કરી નાંખી પોતાની ચામડી બચાવવાની તૈયારી કરી નાંખી છે.

નવસારી આરટીઓ વિવાદમાં ચાલી રહી છે. નવસારી આરટીઓમાં ચાલતા ભ્રષ્ટ વ્યવહાર અંગે એક જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને ફરિયાદ કરતાં હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે એઆરટીઓ કચેરીના વડા હોય તેમની નૈતિક જવાબદારી ઠરે છે. કચેરીમાં સ્વચ્છ કારભાર ચાલતો હોય એ જોવાની તેમની જવાબદારી છે. પરંતુ અહીં તો નવસારી બહારના જિલ્લાના વાહન ચાલકોના લાયસન્સ બનાવવાનો મોટો વેપલો ચાલતો હતો. અહીં સુરતના એજન્ટો પડેલા ને પાથરેલા રહે છે. એ ઉપરાંત સાહેબ સાથે આવેલા હરિશ રબારી તથા જે.કે. પણ જાણે કચેરીના સવાયા અધિકારી હોય એવો તેમનો દબદબો રહ્યો છે. એ સંજોગોમાં નવસારી આરટીઓ કચેરી ભ્રષ્ટાચારથી ખદબદતી હોય એવી બૂ આવતી રહી છે.

લાયસન્સના 4000માંથી મોટા માથાનો હિસ્સો 1500 રૂપિયાનો
જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને ફરિયાદ કરતાં તપાસ શરૂ થઇ છે. એમ કહેવાય છે કે અહીં લાયસન્સ મેળવવા માટે મહેરબાની મેળવવા 4 હજાર ચૂકવવાના આવતા. મોટા માથાનો હિસ્સો 1500 રૂપિયાનો, જે ઇન્સ્પેક્ટરના આઇડીમાંથી લાયસન્સ બને તેના હિસ્સે 1500 અને બાકી વધે એ 1000 રૂપિયા ઓફિસના બીજા કર્મચારીઓમાં વહેંચાતો રહ્યો છે. મતલબ કે હમામમેં સબ નંગે જેવો ઘાટ નવસારી આરટીઓનો છે.
બધા જ ખરડાયેલા હોય ત્યારે ઉપરી પોતાની ચામડી બચાવવાના પ્રયાસમાં જ હોય એ સમજી શકાય એમ છે. મુખ્યમત્રીને કરેલી ફરિયાદ બાદ તપાસ શરૂ થશે, ત્યારે તેમાં પોતે ભેરવાઇ ન જાય એ માટે એઆરટીઓ પ્રકાશ ચૌધરીએ અન્ય ઇન્સ્પેક્ટરોની ફાઇલ તૈયાર કરી નાંખી પોતાનો બદલો પણ લઇ લેશે એવી ચર્ચા ચાલી રહી છે. જો કે કચેરીના વડા તરીકે બધી જ જવાબદારી તેમની જ ગણાય, ત્યારે તપાસ કયા માર્ગે ચાલશે એના ઉપર ઘણાની નજર છે.

ઇન્સ્પેક્ટરો સાહેબ સામે પુરાવા આપશે ?
લાયસન્સ પ્રકરણમાં બધાએ જ વહેતી ગંગામાં હાથ ધોયા છે, ત્યારે હવે તપાસમાં બધા જ પોતાની જાતને બચાવી લેવાની પેરવીમાં પડ્યા છે. એઆરટીઓ પ્રકાશ ચૌધરી બધી જ જવાબદારી તેમની આંખમાં ખૂંચતા ઇન્સ્પેક્ટરો પર નાંખી દેવા માટે ફાઇલ તૈયાર કરીને બેઠા છે, જ્યારે બીજી તરફ કેટલાક ઇન્સ્પેક્ટરો પણ પોતે ભેરવાઇ જાય તો સાથે સાથે એઆરટીઓ પ્રકાશ ચૌધરીને પણ શિક્ષા થાય એવી તૈયારીમાં મંડી પડ્યા હોવાનું કહેવાય છે. આ સંજોગોમાં નવસારી આરટીઓ કચેરીનો કાદવ હવે બહાર આવશે એમ લાગી રહ્યું છે.

Most Popular

To Top