સુરત : ઉત્રાણમાં ગઈકાલે ત્રણ રોડ રોમિયોએ ઘરે જઈ રહેલી બહેનપણીઓનો પીછો કરી જબરજસ્તી તેમને રિક્ષામાં બેસવાનું કહીને છેડતી કરી હતી. યુવતીઓના ભાઈ સહિત રાહદારીઓએ દોડી આવી ત્રણેય ટપોરીઓને પકડીને પોલીસને સોંપતા છેડતીની ફરિયાદ નોંધવામાં આવી હતી.
- ઉત્રાણમાં યુવતીઓને જબરજસ્તી રિક્ષામાં બેસવાનું કહીને છેડતી કરનાર ત્રણની ધરપકડ
- યુવતીનો ભાઈ મિત્રોને લઈ આવ્યો અને ટપોરીઓને પકડી પોલીસ કંટ્રોલમાં જાણ કરી દીધી
ઉત્રાણ પોલીસે ગઈકાલે દેવાભાઇ મુળજીભાઇ આલગોતર (રહે -ગાયત્રી સોસાયટી વરાછા), સંજયભાઇ હરીભાઇ ચાવડા (રહે-ગાયત્રી સોસાયટી મેન ગેટ પાસે વરાછા) તથા નિકુલ ગોબરભાઇ મેર (રહે-ગાયત્રીનગર સોસાયટી વરાછા) ની સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે.
ગઈકાલે ત્રણ બહેનપણીઓ સાંજે પોતાના ઘરે જઈ રહી હતી. ત્યારે એક રિક્ષા તેમની પાછળ આવી હતી અને તે રિક્ષામાં ત્રણ જણા હતા. તેમાંથી રિક્ષાચાલકે તથા એક પાછળ બેસેલાએ ત્રણેય સહેલીને રિક્ષામાં બેસી જાવ તેમ કહ્યું હતું. યુવતીઓએ રિક્ષામાં બેસવાની ના પાડવા છતા તેઓ રિક્ષા લઈને પાછળ આવતા હતા. અને યુવતીઓની મશ્કરી કરી ચેનચાળા કરતા હતા.
બાદમાં તેની રિક્ષા ગાર્ડન પાસે મુકીને તેઓ ગાર્ડનમાં જતા રહ્યા હતા. યુવતીઓએ તેના ભાઈને જાણ કરતા તે બીજા મિત્રો સાથે ગાર્ડનમાં જઈને તપાસ કરી હતી. જ્યાં યુવતીના ભાઈ અને તેના મિત્રોએ ત્રણેય ટપોરીઓને પકડી તેમનું નામ પુછી પોલીસને જાણ કરી હતી. ઉત્રાણ પોલીસે તેમને પકડીને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લસકાણા ડાયમંડનગરમાંથી અઢી વર્ષની બાળકીના કિડનેપરને પોલીસે CCTVની મદદથી ઝડપી પાડ્યો
લસકાણા ડાયમંડનગરમાં રહેતા યુવકે સરથાણા પોલીસ સ્ટેશનમાં તેની અઢી વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આજે બપોરે બારેક વાગે બાળકી રમતા રમતા ગુમ થઈ ગઈ હતી. બાળકીની માતાએ તેની શોધખોળ કરતા તે મળી આવી નહોતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે અઢી વર્ષની બાળકી ગુમ થયાના બનાવની ગંભીરતા જાણી તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન પોલીસે સોસાયટીના સીસીટીવી ચેક કરતા એક વ્યક્તિ બાળકીને તેડીને લઈ જતો જોવા મળ્યો હતો. બાળકીને પકડી રાખી શારીરિક અડપલા કરતો જોવા મળ્યો હતો. તેણે બાળકીને બાદમાં ચોકલેટ આપી હતી અને ત્યાંથી ચાલતો ચાલતો લઈ જતાં દેખાતો હતો. આ બનાવ બાદ એ ડિવીઝનના એસીપી વિપુલ પટેલ, સરથાણા પોલીસ ઇન્સપેક્ટર વી.એલ.પટેલ તથા તેમની ટીમે કામે લાગીને ઉપરી અધિકારીઓને જાણ કરી હતી.
આ સાથે જ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ કામે લાગી ગઈ હતી. પોલીસની કુલ 6 ટીમ અને 30થી વધારે પોલીસ કર્મી કામે લાગતા યુવકને બાળકી સાથે પોલીસે ડાયમંડનગરથી એકાદ કિમી દૂર પકડી પાડ્યો હતો. બાળકીને યુવકના ચુંગાલમાંથી છોડાવી લેવાઈ હતી. પકડાયેલા યુવાનનું નામ પુછતા સુનીલ શિવકૈલાશ કેવટ હોવાનું જણાવ્યું હતું. પોતે અલથાણમાં રહેતો હોવાનું અને લસકાણા તેના મામાના ઘરે મળવા આવ્યો હોવાનું કહ્યું હતું તે મુળ ઉત્તરપ્રદેશના કાનપુરનો વતની છે. પોલીસે તેની વધારે પુછપરછ હાથ ધરી છે.