gandhinagar : ભાવનગરમાં ઘોઘાના દલિત હત્યાકાંડમાં પોસઈની ધરપકડની માંગ સાથે મંગળવારે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ( jignesh mevani) દ્વારા ગાંધીનગરમાં વિધાનસભાને ઘેરાવો કરવામાં આવે તે પહેલા જ ગાંધીનગરમાં સદસ્ય નિવાસ પાસેથી તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. મેવાણઈએ માંગ કરી હતી કે ઘોઘામાં એક દલિતની હત્યા કેસમાં પોસઈ ( psi) ની સરકારે ત્વરીત ધરપકડ કરવી જોઈએ.મેવાણી આજે વિધાનસભાને ધેરાવો કરવા આવી રહ્યા છે તેવી માહિતીના પગલે સચિવાલયના તમામ પ્રવેશ દ્વાર પર લોખંડી પોલીસ સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એટલું જ નહીં ગેટ નંબર એક પાસેથી મોટી સંખ્યામાં પોલીસ દ્વારા દલિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
આ વિશે જિગ્નેશ મેવાણીએ સરકાર સામે અનેક સવાલો ઉઠાવતા કહ્યું કે, રોસ્ટર પદ્ધતિ લાગુ થવા મામલે અનામત અંગે ભરતીના મામલે સવાલ ઉભા થયા છે. ગુજરાતમાં રિઝર્વેશન એક્ટ ન હોવાના કારણે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ટોટલ કેટલો બેકલોગ બાકી છે તેની માહિતી ઉપલબ્ધ નથી. રાજ્યમાં અનુસૂચિતો પરના હુમલાની આ 14 મી ઘટના સામે આવી છે. છતાં હુમલાઓ પર કાર્યવાહી કરવામાં નથી આવતી. અમે ફક્ત વિધાનસભા બહાર પ્લે કાર્ડથી સવાલ પૂછવા માંગીએ છીએ. અમરાભાઈ બોરીચાના પરિજનો 22 દિવસથી માંગ કરી રહ્યા છે કે પોસઈની ધરપકડ કરવામાં આવે તે કરાતી નથી.
મુખ્યમંત્રી રૂપાણી અનુસૂચિતોના મિત્ર બનવા માંગતા નથી. ગુજરાતમાં અનુસૂચિતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને વિધાનસભામાં મને સવાલ પૂછવા દેવામાં નથી આવી ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ સમગ્ર મામલે મૌન છે. સણોસરા ગામ મુદ્દે PSI ની ધરપકડ કેમ નથી તેનો જવાબ નથી આપવામાં આવી રહ્યો. પોસ્ટર લઈને સરકારને સવાલ પૂછવા માંગીએ છીએ.ભાવનગરના સણોદર ગામ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય સરધસ કાઢતી વખતે માથાકૂટ થઈ હતી. જેમાં એક દલિતની હત્યા કરી દેવાઈ હતી. ફરજ પ્રત્યે બેદરકારી દાખવવાના મુદ્દે મૃતકના પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઈન્કાર કરાયો હતો. ત્યાર બાદ એસપી દ્વારા જવાબદાર પોસઈને સસ્પેન્ડ કરવાની ખાતરી આપવામાં આવતા છેવટે પરિવારજનોએ લાશ સ્વીકારી હતી.
ભાવનગરમાં જિજ્ઞેશ મેવાણીની કલેક્ટર સાથે થઇ બોલાચાલી
ઘોઘાના સાણોદરના દલિત આધેડની હત્યા પ્રકરણે ઘોઘાના પીએસઆઈની ધરપકડની માગ સાથે કલેક્ટરને રજૂઆત કરવા આવેલાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને કલેક્ટર વચ્ચે થયેલી બોલાચાલી બાદ તેમણે કચેરીના પ્રાંગણમાં જ જિલ્લા કલેક્ટર વિરુદ્ધ ઉગ્ર ભાષામાં તીખા પ્રહારો કરતાં મામલો વધુ ગરમાયો હતો. એક તબક્કે તેમણે સરાજાહેર કલેક્ટર વિરૂદ્ધ વિવાદીત નિવેદન કર્યું હતું.