Gujarat Main

ઓલપાડમાં ઝીંગા તળાવોનું ગેરકાયદે દબાણ, મહેસૂલમાં ભારે ભ્રષ્ટ્રાચાર, અર્જુન મોઢવડિયાના સરકાર સામે આક્ષેપ

ગાંધીનગર(GandhiNagar): ગુજરાત વિધાનસભામાં (GujaratAssembly) મહેસૂલ અને ખાણ ખનીજની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન જમીન ફાળવણીને લઈને રાજ્ય સરકારની બેવડી નીતિ ઉપર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ (ArjunModhVadiya) જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ વિભાગને લગતા હોય છે, સૌથી વધુ ઝઘડા પણ જમીન/સંપત્તીના કારણે થાય છે. એટલે તેનો વહિવટ સરળ અને પારદર્શી હોવો જોઈએ.

  • ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ વિભાગને લગતા હોય છે, સૌથી વધુ ઝઘડા પણ જમીન/સંપત્તીના કારણે થાય છેઃ મોઢવાડિયા
  • ગુજરાતમાં ૯,૦૨૯ ગામોમાં જરૂર કરતા ઓછી ગૌચર, ૨,૦૨૩ ગામોમાં શૂન્ય ગૌચર જમીન છે, આવી સ્થિતી છતાં ગૌચરની જમીનની પાણીના ભાવે ઉદ્યોગપતિઓને લહાણી થાય છે : મોઢવાડિયા
  • છેલ્લા બે જ વર્ષમાં ૧૦૩ કરોડ ૮૦ લાખ ૭૩ હજાર ચોરસ મીટર સરકારી, પડતર, ખરાબાની અને ગૌચર જમીન આ સરકારે ઉદ્યોગગૃહોને ભાડે કે વેચાણથી આપી દીધી: મોઢવાડિયા
  • ગરીબ લોકોના ઝુંપડા તોડવામાં આવે છે, જ્યારે મોટા જમીનો ઉપર મોટુ દબાણ કરનાર ઉદ્યોગપતિઓને છાવરવામાં આવે છે : મોઢવાડિયા
  • દરિયા કિનારે જે રેતી છે એ રેતી રેત માફિયાઓ ઉપાડી જાય છે અને તેના કારણે આખો દરિયા કિનારો ભયમાં મુકાય છે, તેમ છતાં કાર્યવાહી થતી નથી : મોઢવાડિયા

આ વાતને ધ્યાનમાં રાખીને આઝાદી બાદ કોંગ્રેસ સરકારોએ જમીનોની એક સુનિયોજીત રીતે સમાન ધોરણે વહેચણી કરી અને આજે આપણામાંથી ઘણાના નામ ૭/૧૨, ૮-અ ના રેવન્યુ રેકોર્ડમાં છે તો તેનું કારણ આઝાદી પછીની કોંગ્રેસ સરકારોએ ખેડે તેની જમીનના કાયદા ને કારણે છે. જમીનોનો આ સુનિયોજીત રીતે જે વહિવટ ચાલતો હતો તેને બગાડી આ સરકારે એવો વહિવટ કર્યો કે દિવસેને દિવસે ઝઘડા, લિટીગેશનો વધે છે.

મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ૧૮૦૦૦ જેટલા ગામડાઓ છે, જેમાંથી ૯,૦૨૯ ગામોમાં જરૂર કરતા ઓછી ગૌચર જમીન છે. ૨,૦૨૩ ગામો એવા છે કે જેમાં શૂન્ય ગૌચર જમીન છે. આવી સ્થિતી છતાં ગૌચરની જમીનો પાણીના ભાવે વેચાઈ ગઈ છે. છેલ્લા બે જ વર્ષમાં ૧૦૩ કરોડ ૮૦ લાખ ૭૩ હજાર ચોરસ મીટર સરકારી, પડતર, ખરાબાની અને ગૌચર જમીન આ સરકારે ઉદ્યોગગૃહોને ભાડે કે વેચાણથી આપી દીધી છે. ૧૮ લાખ ચોરસ મીટર જંગલની જમીન ઉદ્યોગગૃહોને આપી દેવાઈ છે. એકલા સુરતમાં જ આર્સેલર મિત્તલ કંપનીને ૧૯૬ હેક્ટર જંગલની જમીન આપવામાં આવી છે. પરંતુ એક પણ ગરીબ માણસને ઝુંપડુ બાંધવા ૧૦૦ વારનો પ્લોટ માંગે તો આપવામાં આવતો નથી. ગરીબ લોકોના ઝુંપડા તોડવામાં આવે છે, જ્યારે મોટા ઉદ્યોગપતિઓને છાવરવામાં આવે છે.

સુરતના ઓલપાડના 14 ગામોમાં ઝીંગા તળાવોનું ગેરકાયદે દબાણ
મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં ઝીંગાના તળાવો અને જમીન ઉપર ઈન લેન્ડ એક્વાકલ્ચર ખુબ વિકસ્યું છે, તેની સામે વાંધો હોઈ શકે નહીં, પરંતુ આ સંદર્ભે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં એક અરજી થઈ હતી, જે અંગે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ (DILR) ની કચેરીએ જે અહેવાલ સોંપ્યો છે તે પ્રમાણે ઓલપાડ તાલુકાના 14 ગામો ની 1343.90 હેક્ટર જમીન ઉપર જીંગાના તળાવોનું ગેરકાયદેસર દબાણ થયેલા છે. તેમજ ચોર્યાસી તાલુકાના 9 ગામોના તળાવોની 2696 હેક્ટર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ થયેલા છે.

આમ માત્ર બે તાલુકામાં જ જીંગાના તળાવો દ્વારા 4039 હેક્ટર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ છે, આ અહેવાલ અને કોર્ટના હુકમ છતાં રાજ્ય સરકારે બે વર્ષથી કોઈ કાર્યવાહી કરી નથી અને આ લોકોને છાવરવામાં આવે છે, લોકોની રજુઆતો સાંભળવામાં આવતી નથી. તેની સામે સામાન્ય લોકોને 100 વારના પ્લોટ ફાળવવા લેન્ડ કમિટીની બેઠક પણ મળતી નથી.

મોઢવાડિયાએ જણાવ્યું હતું કે દરિયા કિનારે જે રેતી છે એ રેતી રેત માફિયાઓ ઉપાડી જાય છે અને તેના કારણે આખો દરિયા કિનારો ભયમાં મુકાય છે, તેમ છતાં કાર્યવાહી થતી નથી, મારી સરકારને વિનંતી છે કે દરિયાની રેતી ઉપાડવા ઉપર રોક લગાવો જેથી દરિયા કિનારે રહેતા લોકો બચી શકે.

Most Popular

To Top