બારડોલી : બારડોલીમાં દહેજની માગણી કરી ચારિત્ર્ય પર શંકા કરી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ ફોન પર બે વખત તલાક તલાક બોલી છૂટાછેડા આપવાની ધમકી આપતા પરિણીતાએ પતિ વિરુદ્ધ જિલ્લા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર બારડોલીના ગાંધી રોડ પર આવેલ રાહત કોમ્પ્લેક્સમાં રહેતા મહેબૂબખાન સરવરખાન પઠાણની 32 વર્ષીય પુત્રી શબનમના નિકાહ વર્ષ 2018માં બારડોલીના શેઠ ફળિયામાં રહેતા મિનહાજ મુસ્તાક અમીજી સાથે થયા હતા. લગ્ન બાદ તેણી તેના પિયરમાંથી મળેલી ભેટસોગાદો લઈને સાસરે ગઈ હતી. લગ્નના પાંચ દિવસ બરાબર રહ્યા બાદ પતિ મિનહાજે દહેજ ઓછું હોવાનું જણાવી વાત વાતમાં ઝઘડો કરવા લાગ્યો હતો. સોફાસેટ લાવવા કહ્યું હતું તે પણ લાવી નથી. “મારે વિદેશ જવું હતું એટલે જ તારી સાથે લગ્ન કર્યા છે બાકી તું મને ગમતી પણ ના હતી” એમ કહી તેણી સાથ મારઝૂડ કરતો હતો.
આ ઉપરાંત શબનમ તેના સહકર્મી કે સગા સંબંધી સાથે વાત કરતી તો તે શંકાને નજરે જોતો અને ફોન કોંફોરન્સમાં લેવડાવતો હતો. વારંવાર ઝઘડા કરી મિનહાજે પત્ની શબનમના બચતના 50 હજાર રૂપિયા પણ લઈ લીધા હતા. તેના સાસુ સસરા પણ તેણીને મેણાંટોણાં મારતા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યુ હતું.
દરમિયાન મિનહાજને દક્ષિણ આફ્રિકા જવાનું હોય શબનમને પિયરમાંથી રૂ. 2 લાખ લાવવા દબાણ કર્યું હતું. શબનમે ના પડતાં તેને માર મારી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. દરમ્યાન સમાધાન થતાં શબનમના પિતાએ ઉધાર ઉછીના કરી દોઢ લાખ રૂપિયા આપતા મિનહાજ દક્ષિણ આફ્રિકા ગયો હતો. ત્યાંથી પણ વિડીયો કોલ કરી હાજરી બાબતે ખરાઈ કરતો અને અભદ્ર ટિપ્પણી કરતો કે “મારે ચેક કરવું પડે તું કોઈના સાથે સૂતેલી તો નથી ને?” ત્યારબાદ ફેબ્રુઆરી 2021માં આફ્રિકાથી પરત આવી બારડોલીમાં સર્વિસ સ્ટેશન ખોલવા છે એમ કહી શબનમ પાસેથી ફરીથી રૂપિયાની માગ કરી હતી. પરંતુ શબનમે સ્પષ્ટ ના પડતાં 29મી મે 2021ના રોજ તેણીએ પહેરેલ કપડે કાઢી મૂકી હતી.
ત્યારથી શબનમ તેના પિતાના ઘરે રહે છે. શબનમ 28મી જૂનના રોજ પોતાની મોટી બહેનની ખબર કાઢવા માટે અમદાવાદ ગઈ હતી તે સમયે મિનહાજે ફોન કરી બે વખત તલાક તલાક કહી છૂટાછેડા કરવાની ધમકી આપી હતી વારંવારના ત્રાસથી હેરાન પરિણીતા શબનમે તેના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે દહેજ પ્રતિબંધક ધારા અને આઇપીસીની કલમ 498 (ક), 323, 504 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.