World

ચિલીના જંગલોમાં ભીષણ આગ, આ વિસ્તારમાં 46 લોકોના સળગીને મોત

ચિલીઃ મધ્ય ચિલીના (Central chile) જંગલોમાં લાગેલી ભીષણ આગએ (Fire) વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. હવે ચીલીના ગીચ વિસ્તારો પણ આગની લપેટમાં આવી ગયા છે. જેમાં દાઝી જવાથી ડઝનબંધ લોકોના મોત (Death) થયા છે. તેમજ હાલ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ગઇકાલે શનિવારે માહિતી સાંપડી હતી કે ચીલીના જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. તેમજ આગને ફાયર વિભાગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તે એટલી ભીષણ બની ગઈ છે કે આગને નિયંત્રીત કરવી અશક્ય છે. તેથી ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ફેલાયેલી જંગલની આગને કારણે ઓછામાં ઓછા 46 લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 1,100 ઘરો બળીને રાખ થઈ ગયા છે.

રાષ્ટ્રને સંબોધતા દેશના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીકે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 46 લોકો મૃત્યુ પામ્યા છે અને મૃત્યુઆંક વધવાની સંભાવના છે. કારણ કે વાલ્પારાઈસો ક્ષેત્રમાં ચાર સ્થળોએ મોટા પ્રમાણમાં આગ પ્રસરી ચૂકી હતી. તેમજ અગ્નિશામકોને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં લઈ જવામાં આવ્યા હતા.

આ સાથે જ બોરીકે ચિલીના લોકોને બચાવ કાર્યકરોને સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, “જો તમને વિસ્તાર ખાલી કરવાનું કહેવામાં આવે, તો અચકાશો નહીં. આગ ઝડપથી ફેલાઈ રહી છે અને આબોહવાની પરિસ્થિતિઓને કારણે કાબૂમાં આવવું મુશ્કેલ બની ગયું છે. તાપમાન ઊંચું છે તેમજ પવન જોરથી ફૂંકાઈ રહ્યો છે અને ભેજ ઓછો છે. જેના કારણે આગને કાબૂમાં લાવવી મુશ્કેલ બની રહી છે.

92 જંગગલો આગની ચપેટમાં
ચિલીના ગૃહ પ્રધાન કેરોલિના તોહાએ શનિવારે જણાવ્યું હતું કે દેશના કેન્દ્ર અને દક્ષિણમાં 92 જંગલો આગની ચપેટમાં આવી ગયા છે. આ અઠવાડિયે તાપમાન અસામાન્ય રીતે ઊંચુ રહ્યું છે. વાલપારાઈસો વિસ્તારમાં આગ વધુ ભીષણ બનતા સત્તા ધરાવતા લોકોએ જનતાને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવા વિનંતી કરી છે.

આ સાથે જ વાલપરાઈસો વિસ્તારમાં ત્રણ આશ્રય શિબિર બનાવવામાં આવી છે. તોહાએ કહ્યું કે બચાવ ટીમો હજુ પણ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે. તેમજ આગ પર કાબૂ મેળવવા માટે આ વિસ્તારમાં 19 હેલિકોપ્ટર અને 450થી વધુ ફાયર કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top