બિહારમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહિલા મતદારો પ્રભાવક પુરવાર થઈ છે. મહારાષ્ટ્રમાં પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે લાડલી બહીન યોજના એ ચૂંટણી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દેશની ચૂંટણીમાં હવે પહેલાં કરતાં મહિલાઓનું પ્રદાન વધતું જાય છે. ચૂંટણીમાં સ્ત્રીઓના મતની અસરોનો જબરદસ્ત પ્રભાવ પરિણામ પર પડી રહ્યો છે. મહિલા મતદારોમાં મતદાન માટે જાગૃતિ વધતા મહિલા મતદાતાઓની ભાગીદારી વધતી જાય છે એ સારી નિશાની છે.
ચૂંટણીના પરિણામો હવે યુવા મતદારો અને મહિલા મતદારોની આસપાસ ફરી રહ્યા હોય એવું સાબિત થઈ રહ્યું છે. મહિલા મતદારોની તાકાત વધતી જાય છે. મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના અંતર્ગત મહિલાઓના ખાતામાં રૂપિયા 10,000 , શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને મફત સાયકલ, રોકડ લાભ, શિષ્યવૃત્તિ, લખપતિ દીદી, લાડલી બહેના યોજના.. વગેરે સરકારી યોજનાના લાભોને પરિણામે સ્ત્રી મતદાતાઓ નિર્ણાયક તાકાત બની રહે છે.
દેશમાં થતી ચૂંટણીમાં નારી શક્તિ સક્રિય ભાગ લેશે તો જ દેશ આગળ વધશે. ચૂંટણીના પરિણામો પહેલાં એ પ્રશ્ન પુછાય રહ્યો હતો કે બિહારની ચૂંટણીના પરિણામમાં મહિલાઓ ગેઈમ ચેન્જર પુરવાર થશે કે કેમ? ફક્ત બિહાર કે મહારાષ્ટ્રમાં જ નહીં દરેક રાજ્યમાં હવે મહિલાઓ નિર્ણાયક વોટર બનશે એવું લાગી રહ્યું છે. લોકશાહી દેશ ભારતની હવે પછી થનાર સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્ર કક્ષાની ચૂંટણીમાં સ્ત્રીશક્તિની બોલબાલા વધતી જવાની છે.
નવસારી – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.