Charchapatra

શું આપણે જાત સાથે અન્યાય કરી રહ્યાં છીએ?

વિશ્વમાં હિન્દુ, જૈન, બૌધ્ધ, શીખ, ઇસાઈ, મુસ્લિમ અને યહુદી જેવા મુખ્ય સાત ધર્મ સાથે 300થી વધુ ધર્મ અસ્તિત્વમાં છે. જો કે આ સાત ધર્મ પછીના ક્રમે મુકી શકાય તેવા પારસી, યઝીદી, જેન, શિંતો, પેગન, બહાઈ, મંદેશ, એલામિતેસ જેવા બહુ ઓછા જાણીતા ધર્મો છે. કેટલાંક ધર્મો ઇસાઈ, મુસ્લિમ અને યહુદીઓના પેટા ધર્મો છે. આ દરેક ધર્મની ‘ધર્મ’ અંગેની પોતાની અલગ વ્યાખ્યા છે, પણ ‘માનવ ધર્મ ’એ જગતના સર્વ ધર્મ સ્વીકારતો ધર્મ છે. માનવ ધર્મની વ્યાખ્યા પણ ખૂબ વિશાળ છે પણ એમાંની એક વ્યાખ્યા છે ‘જાત સાથે છેતરપિંડી કદી ના કરવી…’ ખબર નથી કે આપણા આ વ્યાખ્યા સાથે કેટલા સહમત છીએ અથવા તો સંકળાયેલા છીએ!.. રસ પડે એવા અને આપણા સૌને સ્પર્શતા આ વિષય બાબતે થોડું જાણીએ. આ બાબતે આગળ લખાશે ત્યારે સામાન્ય જનજીવન સાથે સંકળાયેલી વિગતો ઉપયોગી થશે એવી મને આશા છે.
ક્યાંક લખાયું છે કે અપેક્ષા એ ઘણાં બધાં દુ:ખનું કારણ છે. આપણે જાત સાથે સમાધાન નથી કરી શકતા ત્યારે અપેક્ષાઓ આપણા પર હાવી થતી હોય છે. એક બેડરૂમ, હોલ, કિચનના ફ્લેટમાંથી 3BHK ના ફ્લેટની અપેક્ષા રાખવી ખોટી નથી હોતી પણ તમારી આર્થિક પહોંચથી વધુ અપેક્ષા નહિ હોવી જોઈએ. આપણે સ્કૂટર કે બાઈક ખરીદવા સક્ષમ હોઈએ ત્યારે અધિક સગવડ કરી ફોર વ્હિલર લેવું એ ઘેલછા છે. મતલબ અધિક સગવડતા પ્રાપ્ત કરવા માટે જાત સાથે સમાધાન કર્યા વગર લોન લઈએ કે ઊછીના પૈસા લઈએ છીએ ત્યારે આપણે આપણને જ એક પ્રકારે અન્યાય જ કરતા હોઈએ છીએ. જો કે એમાં જરૂરિયાત કે પરિવારના સભ્યોની જીદ જેવાં કારણો હોય શકે પણ એ કારણો સોલ્વ ના થઈ શકે એટલાં ગંભીર પણ નથી હોતાં. ક્યારેક આપણી એવી નબળાઈઓ નડતી હોય છે કે આપણે ‘ના’ ઈચ્છતા હોઈએ છતાં ‘હા’ કહેવાતું હોય છે અને એ ‘હા’ એક પ્રકારે સ્વ સાથેની છેતરપિંડી છે.
જીવનમાં એવી અનેક પરિસ્થિતિ સર્જાતી હોય છે જે ટાળી ના શકાય તેવી વિકટ હોય શકે પણ જો એવી પરિસ્થિતિનો સામનો કરવાને બદલે નાસીપાસ થવું એ નબળી માનસિકતા ગણાય એટલે કે એ પ્રકારે જાત સાથે અન્યાય કરીએ છીએ. ક્યારેક આપણને સારાં સપના આવે કે સારા વિચાર આવે તેને અમલમાં મૂકતા ખચકાતા હોઈએ છીએ. ‘લોકો શું કહેશે’ એવું વિચારીને સારા વિચારોને સમ્માન આપવાને બદલે ટાળી દઈએ છીએ એ ખરેખર તો જાત પર જુલમ કરીએ છીએ. એક વાત ચોક્કસ છે કે તમારી સાથે ફક્ત તમે જ કાયમ છો તો નિજાનંદ માટે સારા વિચારોને ‘લોકો શું કહેશે’ની પરવા કર્યા વગર અમલી બનાવો.
ક્યારેક આપણને ખબર છે કે હું ખોટો છું પણ અહં, દંભ, ઇગો આપણને ભૂલો સ્વીકારવા નથી દેતો. આપણે જાણતા હોઈએ છીએ કે આપણે જાત સાથે છેતરપિંડી કરતા હોઈએ છીએ છતાં નૈતિકતા સ્વીકાર્યા વગર જૂઠું બોલવું કે ખોટું આચરણ એવા સંજોગોમાં સહજ બનાવી દઈએ છીએ. ક્યારેક એવું પણ બને કે આપણને પસંદ ના હોય છતાંયે ખુશી મેળવવા કોઈની ખોટી પ્રશંસા કરીએ છીએ. ક્યાંક આત્મવિશ્વાસ ઓછો થઈ જાય અને પોતાની જાતને અસુરક્ષિત માનવા લાગીએ ત્યારે અનિચ્છાએ પણ સાથ અને સુરક્ષા કેળવવા કોઈના પ્રતિ અતિ ઉદાર થઈ ખોટી પ્રશંસા કરતા હોઈએ છીએ. શું એ જાત સાથે છેતરપિંડી નથી?
ગત સપ્તાહે આ કોલમમાં ઉપવાસ વિષય પર લેખ હતો. ઉપવાસ કે એકટાણાં આપણે ધાર્મિક પરંપરા મુજબ વ્રત-તહેવારોને અનુલક્ષી કરતા હોઈએ છીએ પણ મોટાભાગના શ્રદ્ધાળુઓ ખરી પ્રણાલી મુજબ ઉપવાસ-એકટાણાં કરે છે? ના, મોટા ભાગના વાચકો જરૂર સ્વીકારશે કે આપણે બે-ત્રણ ટાઈમના ફરાળ કે ફળાહાર કરીને કે સાથે જ્યુસ, મિલ્કશેકને પેટમાં પધરાવીએ છીએ તે ઉપવાસ-એકટાણાંના નામે ભગવાન સાથે અને જાત સાથે અનિચ્છાએ પણ છેતરપિંડી કરીએ છીએ. રસપ્રદ પણ દુ:ખદ એક કિસ્સો એવો પણ બન્યો કે અમારા કાર્યાલયના એક મુસ્લિમ કર્મચારીએ મને કહ્યું કે તમારો શ્રાવણ માસ અમને બહુ ગમે.. મને નવાઈ લાગી કે શ્રાવણ મહિનો અમારો પવિત્ર માસ છે તો તેને કયા કારણે ગમે? તો તેમનો જવાબ એવો હતો કે પરમાટી ખાનારા હિંદુઓ શ્રાવણ માસમાં ઈંડાં કે નોનવેજ ના ખાય એટલે આ મહિનામાં એટલાં બધાં સસ્તાં થઈ જાય કે આખા વર્ષમાં વધુ ને વધુ નોનવેજ મુસ્લિમો શ્રાવણ માસમાં ખાય છે. એના જવાબથી થોડું વ્યથિત તો થઈ જવાયું અને તુરંત દિમાગમાં એક સવાલ પેદા થયો કે માત્ર શ્રાવણ માસમાં કે અન્ય કેટલાક તહેવારોમાં તથા ગુરુવાર જેવા દિવસોમાં જ પરમાટી નહિ ખાઈને સનાતનીઓ શું સાબિત કરી રહ્યા છે? ઈશ્વર તો બારે મહિના સર્વત્ર વ્યાપ્ત છે. જો ઇશ્વરની કૃપા પ્રાપ્ત કરવા અમુક દિવસોમાં જ એગ-કે મચ્છી નહીં ખાતા હોય તો સદંતર જ નહિ ખાવું જોઈએ. શું આ જાત સાથે છેતરપિંડી નથી?

\


શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે બહુ જ પાતળી ભેદરેખા છે. શ્રધ્ધાળુ સ્વકલ્યાણ કે પરિવારની સુખશાંતિ માટે હોમ, હવન, પૂજા, અનુષ્ઠાન ઇત્યાદિ શુભકાર્યો શ્રધ્ધાપૂર્વક કરાવતા હોય છે પણ મંત્ર-તંત્રનો સહારો જાણ્યા વગર લે તો એ અયોગ્ય છે. શાસ્ત્રોમાં મંત્ર-તંત્ર અને તાંત્રિક વિદ્યાનું ઘણું જ મહત્ત્વ છે ત્યારે કે તે જ્યારે વિધિ-વિધાનોનુસાર થતું હોય પણ આજે તાંત્રિકો કોઈ ભરોસાપાત્ર નથી હોતા અને તેથી યાચકને આર્થિક તથા શારીરિક નુકસાન થવાનો ભય વધુ રહેતો હોય છે. તાંત્રિકો પાસે તાંત્રિકવિદ્યા કરાવીને પણ આપણે જાત સાથે છેતરપિંડી કરતા હોઈએ છીએ. પંડિતો કે વિદ્વાનો પાસે હોમ, હવન કે પૂજા-અનુષ્ઠાન કરાવતા હોઈએ ત્યારે તેનો ચોક્કસ સમયગાળો હોય છે પણ આપણે ક્યારેક વધુ દક્ષિણા કે દક્ષિણા ઉપરાંત વધુ રોકડ રકમ આપી પૂજાવિધિ ઓછા સમયમાં જલ્દી પૂર્ણ કરે એવી ઇચ્છા રાખતા હોઈએ છીએ. ખાસ કરીને લગ્ન વખતે જાનમાં ખૂબ નાચ્યા પછી વધુ સમય બરબાદ કર્યા બાદ વરરાજા માંડવામાં બેસે ત્યારે વરરાજાના મિત્રો કે અણવર લગ્ન કરાવતા મહારાજને મોટી દક્ષિણા હાથમાં પકડાવીને લગ્નવિધિ જલ્દી આટોપી લેવા કહેતા હોય છે. જીવનના એકમાત્ર મહત્ત્વપૂર્ણ પ્રસંગને પણ તમે વિધિસર નહિ પૂર્ણ થવા દો ત્યારે એ જાત સાથે છેતરપિંડી જ છે.

માણસને યશ, કીર્તિની કે પ્રશંસાની અપેક્ષા હોય એ એક એવી સહજ બાબત છે. તમે આર્થિક રીતે સક્ષમ હો ત્યારે ધર્માનુરાગીના અંચળા હેઠળ મંદિરોમાં, ભંડારાઓમાં કે ધર્મકાર્યોમાં દાન કરતા હો તો સારી જ બાબત છે પણ તમારાં સગાં-સંબંધીઓ આર્થિક પરિસ્થિતિ સાથે ઝઝૂમતા હોય ત્યારે એમને મદદ કરવાને બદલે મોટાં દાનપુણ્ય કમાવવા કેટલું યોગ્ય ગણાય? ઘણા પરિવારોમાં આપણે જોઈએ છીએ કે સમૃધ્ધ પરિવાર હોવા છતાં મા-બાપને વૃધ્ધાશ્રમના દરવાજા દેખાડવામાં આવે છે અને તેનો પરિવાર શાંતિથી રહેતો હોય ત્યારે જાત સાથે સમાધાન કરીને પણ જાત સાથે અન્યાય કરીએ છીએ. લોકો પ્રશંસા માટે સ્કૂલોમાં, ધર્મશાળાઓ કે વૃધ્ધાશ્રમમાં એક-બે પંખા ભેટ આપે તો પણ ત્રણ પાંખિયા પર દાનેશ્વરી તરીકે પોતાનાં નામ લખાવતાં હોય છે અને હવે તો સોશ્યલ મીડિયાનો નવો ટ્રેન્ડ છે. સો-બસ્સો કે પાંચસો રૂપિયાની વસ્તુ જરૂરિયાતમંદને આપતી વખતે વીડિયો-ફોટા પાડી અપલોડ કરી વાહ-વાહ મેળવવાની જાણે હોડ લાગી છે. એમાં થોડા આનંદ સાથે થોડા પૈસા પણ મળતા હોય છે તો નિજાનંદના નામે એ પણ જાત સાથેની શું છેતરપિંડી નથી? આપણે આપણી આજુબાજુના વાતાવરણમાં, જનજીવનમાં જરા ઝીણવટભરી દૃષ્ટિ કરીશું તો આવા હજારો કિસ્સા જોવા મળશે કે જેથી આપણે જાતે જ નક્કી કરવાનું રહે છે કે જાત સાથે અન્યાય ના થાય એ પ્રકારે કેવી રીતે જીવી શકાય…

-સનત દવે

Most Popular

To Top