Business

પૂર્વોત્તર રાજ્યોના વિવાદોનો ઝડપથી ઉકેલ આવી રહ્યો છે?

દેશનો પૂર્વોત્તર ભાગ વિવાદિત રહ્યો છે. આ ભાગનો એક વિવાદ કેન્દ્રમાં શાસન કરી રહેલી સરકાર સાથે રહ્યો છે અને બીજો ભાગ તેમનો આંતરિક વિખવાદ છે. પૂર્વોત્તરનું કેન્દ્રમાં આવેલું રાજ્ય આસામ છે અને તેનો વિવાદ પાડોશી રાજ્યો મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય સાથે વર્ષોથી રહ્યો છે. આ રાજ્યોનો વિવાદ ઘણી વાર એટલો વકરે છે કે તેઓ એકબીજાની સંપત્તિને નાગરિકોને નુકસાન સુદ્ધા પહોંચાડે છે. જોકે આ વિવાદ આપણા સુધી પહોંચતો નથી કારણ કે પૂર્વોત્તરનાં રાજ્યોની ખબર એ રીતે કવર થતી નથી. પણ હાલમાં 29 માર્ચના પૂર્વોત્તરના ન્યૂઝની નોંધ દેશભરમાં લેવાઈ. આ ન્યૂઝ હતા આસામ અને મેઘાલય વચ્ચે પાંચ દાયકાથી ચાલી આવેલા સીમા વિવાદને સમાપ્ત કરતી સંધિના. આ સંધિ દરમિયાન આસામના મુખ્યમંત્રી હેમંત બીસવા સરમા અને મેઘાલયના કોનરડ સન્ગમાં ઉપસ્થિત હતા. અને આ ઐતિહાસિક ક્ષણે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ હતા. આ બંને રાજ્યોની સીમા 884 કિલોમીટર સુધી જોડાયેલી છે. છેલ્લા વર્ષોમાં પૂર્વોત્તર રાજ્યના સીમા વિવાદ ઝડપથી ઉકેલાઈ રહ્યા છે. આ પાછળનાં કારણો જાણીએ કે કેવી રીતે આ રાજ્યો સમાધાનની ફોર્મ્યુલા પર આવ્યા.

આ વિવાદ શરૂ થયો મેઘાલય રાજ્ય તરીકે નિર્માણ પામ્યું ત્યારે. બ્રિટિશ કાળમાં આસામ રાજ્યમાં નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય અને મિઝોરમ સમાવિષ્ટ હતા. 1972માં આસામના બે જિલ્લાથી મેઘાલય બન્યું. તેમાં ખાસી હિલ્સ, જૈન્તિઆ હિલ્સ અને ગારો હિલ્સના નામના ભાગ હતા. તે વેળાએ મેઘાલયની જે સીમા આંકવામાં આવી હતી તેમાં ઘણાં ક્ષેત્ર એવા હતા જેમાં બંને રાજ્યો દાવો કરતા હતા. 2011માં મેઘાલય સરકારે કરેલા એક અભ્યાસ મુજબ 2700 સ્ક્વેર કિ.મી.ના જુદા જુદા બાર ક્ષેત્રો હતા જેને લઈને બંને રાજ્યોમાં વિવાદ રહ્યો હતો. હવે આ વિવાદનું સમાધાન સંધિ રૂપે આવ્યું છે. આ સમાધાનની પ્રક્રિયા લાંબી રહી અને તે માટે બંને રાજ્યોની ટીમે વિવાદિત જગ્યાનો સર્વે કર્યો અને બંને રાજ્યોએ પરસ્પર સમજૂતી અર્થે કેટલાક નિયમો ઘડ્યા. તેમાં તેમણે ઐતિહાસિક દૃષ્ટિકોણ, સ્થાનિક લોકોના મૂળ, ક્ષેત્ર કયા રાજ્ય સાથે વધુ સંલગ્ન છે, લોકોની ઇચ્છાશક્તિ અને વહીવટી સાનુકૂળતા, આ પાંચ મુદ્દાને ધ્યાનમાં લઈને સમાધાનની ફોર્મ્યુલા તૈયાર થઈ. આ રીતે પ્રથમ ચરણમાં બંને રાજ્યોએ 36 square Kmની જગ્યા માટેનો વિવાદ ઉકેલી લીધો છે. બંને રાજ્યોએ સરખી જમીન મેળવી છે.

થોડી વાત આ વિવાદ જન્મ્યો કેવી રીતે અને તે આટલા લાંબા સમય સુધી ન હલ થયો તે વિશે. 1951માં આસામના તત્કાલીન મુખ્ય મંત્રી ગોપીનાથ બારદોલોઈની અધ્યક્ષતા હેઠળ સીમા પ્રશ્નોના સમાધાન અર્થે સમિતિ રચાઈ હતી તેની ભલામણો છે. હવે આ ભલામણો મેઘાલયની તરફેણમાં નહોતી, તેથી જ્યારે મેઘાલયનું નિર્માણ થયું ત્યારે પણ મેઘાલયવાસીઓ તે સીમાનો ઇનકાર કરતા રહ્યા. પછી તો ધીરે ધીરે આ મુદ્દો વકર્યો. આ ભલામણો વિશે 2008માં ‘મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિફેન્સ સ્ટડીઝ’ ખાતે અભ્યાસ થયો છે. આ અભ્યાસમાં એવું ફલિત થયું છે કે ગોપીનાથ બારદોલોઈની સમિતિની ભલામણ મુજબ મેઘાલયના જૈન્તિઆ હિલ્સ અને મિકિર હિલ્સનો કેટલોક ભાગ આસામમાં સમાવિષ્ટ કરવો જોઈએ. આની સામે આસામનો દાવો એવો હતો કે મેઘાલય પાસે કોઈ એવા ઐતિહાસિક દસ્તાવેજ નથી. આ માટે અગાઉ પણ પ્રયાસ થયા અને 1985માં તો સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ વાય.વી.ચંદ્રચૂડના નેજા હેઠળ એક સમિતિ રચવામાં આવી તેમ છતાં તેનો કોઈ ઉકેલ ન આવ્યો. હવે તેનો અંત આવ્યો છે.

પૂર્વોત્તર રાજ્યો જંગલો અને પહાડી વિસ્તારો ધરાવે છે. અહીંયા સીમાનો પ્રશ્ન વધુ ગંભીર એ માટે પણ છે કે ત્યાં સીધી લાઈન ખેંચી શકાતી નથી. ભૌગોલિક દૃષ્ટિએ જ્યાં પહાડ, જંગલ, ખીણ અને ખાડી વિસ્તાર હોય ત્યાં આમેય સીમા આંકવાની મુશ્કેલી હોય છે. મેદાની પ્રદેશમાં આ મુશ્કેલી નડતી નથી. એટલે જ અહીંયા આસામ-મેઘાલય વિવાદ રહ્યો છે તે જ રીતે આસામ-મિઝોરમ રાજ્યો પણ એકબીજા સામે સીમાને લઈને આક્ષેપ કરતા રહ્યા છે. આ બંને રાજ્યો 165 km જેટલી સીમા ધરાવે છે. મિઝોરમ 1987માં અસ્તિત્વમાં આવ્યું, પણ આ વિવાદ ત્યારે નથી જન્મ્યો. બલકે તેના મૂળ બ્રિટિશ કાળ દરમિયાન 19મી સદીમાં છે. એ સમયે બ્રિટિશ સત્તાધીશોએ આસામના જ લુસાઈ હિલ્સ અને કચર હિલ્સની વચ્ચેના ભાગને મિઝોરમ તરીકેની ઓળખ આપી હતી. અને આ માટે 1873માં એક ઠરાવ પણ પાસ કરવામાં આવ્યો હતો. આ ઠરાવનો જ હવાલો આપીને મિઝોરમ આસામ પાસે પોતાનો જમીની હિસ્સો માંગતું રહ્યું છે. પરંતુ મિઝોરમની આ માંગણી આસામે સ્વીકારી નહીં. હવે આનું વર્તમાનમાં ચિત્ર જોઈએ ત્યારે ગત્ વર્ષે મિઝોરમે આસામને પોતાની જમીન પચાવી પાડવાને લઈને આક્ષેપ કર્યો હતો. આસામે પણ એ જ રીતે પોતાના જમીનમાં મિઝોરમવાસીઓ ખેતી કરી રહ્યા છે તે પ્રમાણેનું નિવેદન આપ્યું હતું. રાજ્યો વચ્ચે જ્યારે આ રીતેની આક્ષેપબાજી સાંભળીએ ત્યારે તે કેટલી ક્ષુલ્લક છે તેમ લાગી શકે. પણ આ જ મુદ્દા મોટા બને છે અને પછી તેના પર જ રાજકારણ ખેલાય છે.

પૂર્વોત્તરમાં રાજ્યોના સીમા વિવાદનો મુદ્દો જ્યારે લઈએ ત્યારે બધા રાજ્યોના સીમા વિવાદ આસામ સાથે છે તેવું ફલિત થાય. અરૂણાચલ પ્રદેશને પણ સીમાને લઈને થતાં પ્રશ્નો આસામ સાથે છે. આ બંને રાજ્યો એકબીજા સાથે 800 kmની બોર્ડર શેર કરે છે. અહીંયા પણ સીમાના પ્રશ્નો બ્રિટિશ કાળ સમયથી છે. એમાં બ્રિટિશરોએ જે સીમાંકન કર્યું હતું તે કંઈક અંશે અરૂણાચલ પ્રદેશની તરફેણમાં જાય છે, જ્યારે સ્વતંત્રતા પછી 1951માં આસામના તત્કાલીન મુખ્યમંત્રી ગોપીનાથ બારદોલોઈની ભલામણો આસામની તરફેણમાં જાય છે. હવે અહીંયાનું સ્થાનિક રાજકારણ એવું છે જેની વિગત ક્યાંય નોંધાતી નથી પણ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા એક અહેવાલ મૂકાયો છે તેમાં અરૂણાચલ પ્રદેશના અનેક આદિવાસી વિસ્તારોને લોકોના કોઈ સલાહ-સૂચન વિના આસામમાં ભેળવી દેવાયા છે. ગેરરીતિથી થયેલું આ કામ હવે આસામને કાયદેસર અને યોગ્ય લાગે છે.

આ બંનેનો સીમાનો પ્રશ્ન એટલો વકર્યો હતો કે પછી આ બંને રાજ્યો સુપ્રીમ કોર્ટમાં સુદ્ધાં ગયા હતા અને તે માટે જ 2006માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હેઠળ એક સમિતિ રચવામાં આવી. તેનો રિપોર્ટ 2014માં આવ્યો હોવા છતાં તેનાથી કોઈ ઉકેલ ન મળ્યો. અરૂણાચલ પ્રદેશ તિબેટ સાથે સીમા ધરાવે છે અને અત્યારે તિબેટ ચીનના તાબા હેઠળ છે. પૂર્વોત્તરમાં છેવાડાના આ રાજ્યનો વિવાદ આસામ સાથે અનેક વાર થઈ ચૂક્યો છે અને તેથી હવે તેનો ઉકેલ તરફ વાત આગળ વધી રહી છે. એ રીતે વર્તમાન કેન્દ્ર સરકાર આ તરફ લક્ષ્ય આપીને પૂર્વોત્તરમાં પોતાના પગ મજબૂત કરી રહી છે.  પૂર્વોત્તર તરફ ધ્યાન અપાઈ રહ્યું છે અને ત્યાં પ્રશ્નોના સમાધાન આવી રહ્યા છે તેનું એક કારણ અહીંયા ભાજપ દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર થયેલું કામ છે. અત્યારે રાજકીય રીતે પૂર્વોત્તરનું ચિત્ર જોઈએ તો તેમાં સાતેસાત રાજ્યોમાં ભાજપનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે.

આસામમાં ભાજપનું શાસન છે, તે સિવાય અરૂણાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરામાં પણ ભાજપ શાસનમાં છે. અન્ય રાજ્યોમાં સ્થાનિક પક્ષો છે ત્યાં પણ ભાજપ તેમનું સહયોગી પક્ષ બન્યું છે. જેમ કે નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને સિક્કીમ. ટૂંકમાં પૂર્વોત્તરના બધા જ રાજ્યોમાં ભાજપ શાસનમાં હિસ્સેદારી ધરાવે છે અને એટલે જ આટલી ઝડપથી સીમા વિવાદનો ઉકેલ આવી રહ્યો છે. એક સમય હતો જ્યારે કેન્દ્ર સરકારો પૂર્વોત્તર રાજ્યો તરફ નજર કરતી નહીં. આ ક્ષેત્ર હંમેશાં અવગણાતું રહ્યું છે પરંતુ હવે ત્યાં ભાજપે ધીરે ધીરે કરીને પોતાનું વર્ચસ્વ ઊભું કર્યું છે અને તેનાથી વર્ષો જૂના ત્યાંના વિવાદો પણ ઉકેલાઈ રહ્યાં છે. જોકે અહીંયા ભાજપ આક્રમક થઈને પ્રચાર નથી કરતી કારણ કે અહીંયા મૂળનિવાસી પોતાની ઓળખ જાળવી રાખવા માંગે છે અને તેમાં સમાધાન ભાજપને કરવા પડે છે. મૂળ ઓળખ જાળવી રાખવાનો આગ્રહ બધાં રાજ્યોનો હોવો જોઈએ નહીંતર એક જ ફોર્મ્યુલાથી ભાજપ બધે જ શાસન પર આવી રહ્યું છે અને તેના પ્રમુખ મુદ્દા હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના હોય છે.

Most Popular

To Top