વડોદરા: વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો માલેતુજારો પર કેટલા મહેરબાન હોય છે. તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કરોડો રૂપિયામાં કોર્પોરેશનના પ્લોટ ખરીદનારને કોરોના નડતા પ્લોટની બાકી મૂડીનું વ્યાજ ભરવા માટે મુદત માગી હતી. જેને પાલિકાએ એક જ ઝાટકે મંજૂરી આપી દેતા હવે સવાલો ઉભા થઇ રહ્યા છે. સામાન્ય નાગરિકને વેરામાં રાહત આપવામાં અખાડા કરતું પાલિકાનું તંત્ર માલેતુજારોને મહેતલ આપતા ભેરવાયું છ. ગરીબોને કાયદા બતાવતા સત્તાધીશો અને પાલિકાના અધિકારીઓ માલેતુજારોને રાહત આપવામાં આટલા ઉતાવળા કેમ તેવા પણ વેધક સવાલો ઉઠી રહ્યા છે
વડોદરા મહા નગરપાલિકાના શાસકોને પરસેવાની કમાણીથી પાઈ-પાઇ કરીને વેરો ભરતી પ્રજાની ચિંતા નથી પરંતુ કોર્પોરેશનના પ્લોટ કરોડોમાં ખરીદનારની ચિંતા વધુ હોય તેવી હકીકત સામે આવી છે. સામાન્ય માણસના ઘર વેરો બાકી હોય તો તેની પાસે ચક્રવૃદ્ધિ વ્યાજ વસુલ કરવામાં પણ પાલિકાનું તંત્ર અચકાતું નથી પરંતુ એજ સત્તાધીશો અને અધિકારીઓ માલેતુજારો સામે પાણીમાં બેસી જાય છે. તાજેતરમાં પાલિકાએ પાલિકાના પ્લોટ ખરીદનાર કેટલાક માલેતુજારોને રાહત આપતી દરખાસ્ત મંજુર કરી છે.
જે મુજબ પાલિકાના કરોડોના પ્લોટ ખરીદનાર પ્લોટ ધારકોને મૂડીની કેટલીક રકમ સાથે વ્યાજ ભરવાનું બાકી છે, જેની મુદત ત્રણથી ચાર મહિનાનો સમય પણ વીતી ગયો છે. ત્યારે કોરોનાના કપરા સમયમાં મંદીને કારણે મૂળ રકમમાં બાકી પડતી રકમ તથા વ્યાજ ભરવામાં મુદતની માંગણી પ્લોટ ધારકો તરફથી કરાઇ હતી. જેમાં સાત માસથી તેર માસ સુધી મુદત લંબાવે તેવી રજૂઆત હતી.જે દરખાસ્તને પાલિકાની સ્થાયી સમિતિએ એક જ ઝાટકે મંજુરી આપી દીધી હતી ત્યારે પાલિકાની તળિયા ઝાટક થયેલી તિજોરીને વધુ મોટો ઝટકો લાગ્યો છે. શાસકોના માલેતુજરો પ્રત્યેનો પ્રેમ પાલિકા માટે નુકશાન સમાન મનાય છે.