Vadodara

ખંભાતમાં માંસાહારની દુકાનને મંજુરી અપાતાં પાલિકા પ્રમુખ સામે રોષ

ખંભાત : ખંભાતમાં માંસાહારની દુકાનોને મંજુરી આપતી પોસ્ટ સોશિયલ મિડિયા ચાલ્યા બાદ સામાન્ય પ્રજાએ પાલિકા પ્રમુખ પર વિવિધ આક્ષેપ કરતી પોસ્ટ વહેતી કરી હતી. જેના પગલે પાલિકા પ્રમુખે પણ આ મંજુરી પૂર્વ પ્રમુખે આપી હોવાનો ખુલાસા સાથે પોસ્ટ વહેતી કરતી હાલ સોશ્યલ મિડિયા પર ભાજપ અને વિરોધી વચ્ચે જંગ જામ્યો છે. ખંભાતના નગર પાલિકા પ્રમુખ કામિનીબહેન ગાંધી જૈન સમુદાયના છે. ખંભાતમાં માંસાહાર દુકાનોને મંજૂરી બાબતે નગર પાલિકા પ્રમુખ કામિનીબહેન ગાંધી સામે સોશિયલ મિડીયા પર વોરનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં તેમના વિશે ભારતીય જનતા પાર્ટીનું કાળુ કલંક અને જૈન સમાજનું કલંક તે પ્રકારની પોસ્ટ વહેતી કરાઈ છે.

આ પોસ્ટમાં જણાવ્યા મુજબ, ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ખાસ કરીને પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રના તમામ મંત્રીઓ રાત દિવસ જોયા વગર સખત પરિશ્રમ કરી હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મ મજબૂત કરવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ખંભાત નગર પાલિકાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીનુ નામ ખરાબ કરી રહ્યાંનો આક્ષેપ કર્યો હતો. આ પ્રકારની પોસ્ટનો ઉત્તર આપતા પાલિકા પ્રમુખ કામિનીબહેન ગાંધીએ જણાવ્યું હતું કે, કેટલાક અપવાદીયો દ્વારા શાંતિ ડહોળવા તેમજ મારી કારકિર્દીને નુકશાન પહોંચાડવા આવા મેસેજ ફરતા કરવામાં આવ્યા છે. નગરપાલિકાની ચૂંટણી પહેલા ત્રમ્બવંટી કોમ્પ્લેક્ષની દુકાનોની હરાજી થઈ ગઈ હતી. હું પ્રમુખ પદે ન હતી. મને ભાજપે જ ચૂંટણીમાં ટીકીટ આપી અને સર્વ સમતિથી પ્રમુખ પદે બેસાડી હતી. મને અને મારા ધર્મ, સમાજને ગુમરાહ કરવા આ પ્રકારે મેસેજ વહેતા કરવામાં આવ્યા છે. તેમ સોશ્યલ મીડિયા થકી આક્ષેપ અને ખુલાસા થઈ રહ્યા છે.

Most Popular

To Top