ગ્લોબલ હેપ્પીનેસ રિપોર્ટ – 2023ની યાદી અનુસાર ફિનલેન્ડ વિશ્વનો સૌથી વધારે હેપ્પી દેશ છે. 150 દેશોની જાહેર થયેલી યાદીમાં ભારતનું સ્થાન 136માં ક્રમ પર છે. બીજી તરફ ધનિકોની યાદીમાં ભારત ‘ત્રીજા’ ક્રમે છે. કેવી વિચિત્રતા ! તો પછી વિચાર આવે કે આપણે કેમ ખુશ નથી ? અલબત્ત, પૈસાનું મહત્વ છે. પૈસાથી વસ્તુઓ-સુવિધાઓ ખરીદી શકાય છે. દેશ-વિદેશના પ્રવાસો કરી શકાય છે. મોટા ભાગે દેખાડાના હેતુથી લગ્ન-મેળાવડામાં અઢળક ખર્ચ કરી શકાય છે, પરંતુ આ બધું થયા પછી પણ માણસ ખરેખર ‘આંતરિક ખુશી’ મેળવી શકે છે ખરો ? જીવન-જરૂરિયાત ઉપરાંતની મોટાભાગની વસ્તુઓ-સુવિધાઓ હોવા છતાં માણસ ‘જે નથી’ તેની જ તે ‘ખુશ’ એવું તેનું વલણ રહે છે. આધ્યાત્મિકતાના માર્ગે ચાલનારી સંસ્કૃતિ ધરાવતો દેશ હોવા છતાં માણસ બીજાના સુખ-પ્રગતિથી ખુશ થવાને બદલે દુ:ખી થતો રહે છે. ઈર્ષ્યા, લોભ, મોહ, અસંતોષ, ક્રોધ જેવા દુર્ગુણોથી ઘેરાયેલો માણસ ‘ખુશ’ કઈ રીતે રહી શકે ? ‘ખુશ કઈ રીતે રહેવાય ? એ માટે અનેક પ્રવચનો તો સાંભળે છે પણ ‘ખુશ’ થવા પ્રયત્નો તો માણસે જાતે કરવા પડેને ! એ અંગે તે વિચારતો નથી. ભગવાન બુદ્ધે ‘અપ્પ દીપો ભવ’ (પોતાનો દીવો સ્વયં બનો) એવો જગતને સંદેશ આપ્યો છે. જો આપણે પણ આપણો સ્વભાવ સુધારી-વલણ બદલી ખુશ રહેવાનું સ્વયં શીખી લઈએ તો કેટલાક અભાવોની સ્થિતિમાં પણ ‘હેપ્પીનેસ’ ની યાદીમાં આગળના ક્રમમાં આવી જઈએ, એવું નથી લાગતું ?
સુરત- ડો. જયા યોગેશ હલાટવાળા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
અપ્પ દીપો ભવ
By
Posted on