Entertainment

અનુપમ બહુ ખાસ છે

ફિલ્મજગત માટે આ ખરેખર સારો સમય ગણાય કે હવે પૌઢ કળાકારોને કેન્દ્રમાં રાખી ફિલ્મો બને છે. વિત્યા વર્ષોમાં ડેવિડ, ઓમપ્રકાશ, પ્રાણ, અશોકકુમાર વગેરેને લઇ આવી ફિલ્મો બની હતી પણ કયારેક જ બનતી. હવે આ પ્રકારની  ફિલ્મોની સંખ્યા વધી ગઇ છે અને તેમનું નેતૃત્વ અમિતાભ બચ્ચન કરે છે. આ દશમી તારીખે અનુપમ ખેર – નીના ગુપ્તાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘શિવ શાસ્ત્રી બલબોઆ’ ફિલ્મ રજૂ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન વિદેશમાં રહેતા અજયન વેણુગોપાલને કર્યું છે.

ફિલ્મની વાર્તા એવા ઇન્ડિયન કપલની છે જે અમેરિકાના નાના ગામમાં રહે છે. શિવશાસ્ત્રી નિવૃત્તજીવન વિતાવે છે અને અચાનક એવા સંજોગોનો સામનો કરે છે કે આખું જીવન ઉપરતળે થઇ જાય. પણ તે વિચારે છે કે હારવું નથી. આવેલા સંજોગોનો સામનો કરવામાં હજુ મોડુ નથી થયું. ગયા વર્ષે ‘કાશ્મીર ફાઇલ્સ’માં આવ્યા પછી અનુપમ ખેરની ઇમેજ વધારે નજરે ચઢી છે. ઉત્તમ અભિનેતા તરીકે તેમણે અનેક ભૂમિકાઓ કરી છે પણ હવે તેઓ મહત્વના સહાયક અભિનેતાથી ફરીવાર આગળ વધી ગયા છે. ફરીવાર એટલા માટે કહેવું પડે કે પ્રથમ હિન્દી ફિલ્મ ‘સારાંશ’માં પણ તેમણે મુખ્ય ભૂમિકા જ ભજવેલી.

અનુપમ ખેર વધારે કાશ્મીરી દેખાતા થયા છે તેની પણ નોંધ લેવી જોઇએ અને બીજી નોંધ એ પણ લઇ શકાય કે તેઓ ફિલ્મ ઉપરાંત જાહેર જીવનમાં, સામાજીક અને રાજકીય બાબતોમાં ય સક્રિય રસ લે છે. ‘કાશ્મીર ફાઇલ્સ’ એવા જાહેર જીવનને સીધી સ્પર્શતી હતી પણ ‘શિવ શાસ્ત્રી બલબોઆ’ જૂદી રીતે અનુપમને ઓળખાવશે. હમણાં થોડા મહિના પહેલાં જ અમિતાભ બચ્ચન સાથેની ‘ઊંચાઇ’માં તેઓ દેખાયેલા. એ ફિલ્મમાં પણ તેઓ નીના ગુપ્તા સાથે હતા. પૌઢ ઉંમરે કોઇ જોડી બનતી નથી પણ અનુપમ – નીનાની બની રહી હોય એમ લાગે છે. બંને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થી રહી ચુકયા છે. બંનેના અભિનયમાં મેચ્યોરિટી જોવા મળે છે. નીના ગુપ્તા વચ્ચે ભુલાયેલી જણાતી હતી પણ હવે ઘણી ફિલ્મોમાં તે મહત્વની ભૂમિકામાં દેખાતી રહે છે.

અનુપમ અત્યારે નવી ઉર્જાથી સક્રિય થયા જણાય છે એટલે તેમની પાસે દશેક જેટલી નવી ફિલ્મો છે. ‘મિસ મેચ ઇન્ડિયા’, ‘એલર્ટ ૨૪X૭’, ‘કુછ ખટ્ટા હો જાયે’, ‘વોઇસ ઓફ સત્યનાથન’, ‘રૂમ’ વગેરે ફિલ્મોમાં તેઓ મહત્વની ભૂમિકાઓમાં છે. કંગના રણૌત નિર્મિત – દિગ્દર્શિત ‘ઇમરજન્સી’માં તેઓ જયપ્રકાશ નારાયણની ભૂમિકા ભજવે છે અને સૌ જાણે છે કે ઇન્દિરા ગાંધીને પડકાર ફેંકનાર જયપ્રકાશ નારાયણ જ હતા. મનમોહનસીંઘની ભૂમિકા ભજવી ચુકેલા અનુપમ ફરીવાર એક રાજનેતાને પરદા પર ઊતારશે. આવી ફિલ્મો ઉપરાંત ‘ગાંથ’, ‘ધ વેકિસનવોર’ છે જે ‘કાશ્મીર ફાઇલ્સ’વાળા વિવેક અગ્નિહોત્રીની જ ફિલ્મ છે અને અનુપમ ઉપરાંત નાના પાટેકર જ મુખ્ય ભૂમિકામાં છે.

અનુપમને માત્ર ફિલ્મોમાં જ રસ નથી એટલે ‘કુછ ભી હો સકતા હે’ જેવા શોના મુખ્ય યજમાન તેઓ જ હતા. તેમણે છએક વર્ષ પહેલાં ‘ખ્વાબોં કી ઝમીં પર’ નામની ટી.વી. શ્રેણી પણ નિર્મિત કરી હતી. તે પહેલાં પણ તેઓ ટી.વી. શો ઉપરાંત ફિલ્મોનું નિર્માણ કરી ચુકયા છે. એકવાર ફિલ્મનું દિગ્દર્શન કર્યું પણ નિષ્ફળ રહ્યા પછી ફરી સાહસ નથી કર્યું. પરંતુ કહી શકાય કે તેઓ ફકત વ્યવસાયી અભિનેતા જ નથી, તેમને બીજી બાબતોમાં પણ રસ છે. આ કારણે જ તેઓ જે ફિલ્મમાં  અભિનય કરે તેમાં લોકોની અપેક્ષા સીધી જોડાઇ જાય છે. •

Most Popular

To Top