National

ભારતમાં યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવા માટે સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં સરકાર, પોલીસ અને સુરક્ષાદળની મદદથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે. ભારત સરકારે આતંકવાદ વિરુદ્ધ ઘણા પગલાં પણ લીધા છે. પરંતુ હવે યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવા માટે ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ મામલે તેઓએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને આદેશ જાહેર કર્યો છે.

આજથી દર વર્ષે સમગ્ર દેશમાં 21મી મેના રોજ સમગ્ર ભારતમાં (India) આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવશે. ભારતમાં યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવા માટે ગૃહ મંત્રાલયે (Home Ministry) આતંકવાદ વિરોધી દિવસ ઉજવવાનો નિર્ણય લીધો છે . ગૃહ મંત્રાલાયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને આતંકવાદ વિરોધી દિવસ (Anti-Terrorism Day) ઉજવણી કરવા માટે આદેશ આપ્યો છે. આ સાથે આ પત્ર તમામ રાજ્યના મુખ્ય સચિવો, તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવોને પણ લખવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આતંકવાદ દિવસની ઉજવણી પાછળનો હેતુ યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવાનો છે. જો યુવાનોને આ માર્ગથી દૂર રાખવામાં સરકાર સફળ થશે તો દેશમાંથી આતંકવાદના મૂળ આપોઆપ નાબૂદ થઈ જશે. સરકાર આ દિવસની ઉજવણી દ્વારા લોકોને એ સમજવા માંગે છે કે લોકોની એક નાનકડી ભૂલ રાષ્ટ્ર માટે કેવી રીતે એક મોટી સમસ્યા બની શકે છે. આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદને ખતમ કરવા માટે કઇ યોજનાઓ ચલાવવામાં આવી છે.

પત્રમાં તમામ સરકારી કચેરીઓને આતંકવાદ વિરોધી શપથ લેવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત, તમામ ઓફિસો, જાહેર વિસ્તારોમાં પણ આતંકવાદ વિરોધી શપથ પણ લેવડાવવામાં આવશે અને ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પણ આતંકવાદ વિરોધી સંદેશાઓનો પ્રસાર કરવામાં આવશે.

પરંતુ આ વર્ષે 21 મેના રોજ શનિવાર હોવાથી કેન્દ્ર સરકારની ઓફિસોમાં રજા હોય છે. તેના કારણે 20 મેના રોજ આતંકવાદ વિરોધી સંકલ્પ લેવાનું કહેવામાં આવ્યું છે. જો કે રાજ્યની સરકારી કચેરીઓમાં અથવા જ્યાં શનિવારની રજા નથી હોતી ત્યાં 21 મેના રોજ જ આ દિવસની ઉજવણી કરવામાં આવશે અને શપથ લેવડાવવામાં આવશે. આ સાથે ભારતમાં સતત વધી રહેલા કોરોના કેસોને કારણે શપથ દરમિયાન કોવિડ-19 નિયમોનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવશે.

Most Popular

To Top