World

નવા વર્ષમાં વધુ એક યુદ્ધના ભણકારા: યુકે-યુએસના હુમલા બાદ હૂથી બળવાખોરો ભડક્યા, યુદ્ધનું એલાન

નવી દિલ્હી: ગુરુવારે તા. 11 જાન્યુઆરીના રોજ યુએસ (US) અને બ્રિટિશ સૈન્યએ (British Army) યમનમાં (Yemen) હુથી બળવાખોરોના (Houthi rebels) ઠેકાણા પર હુમલા (Attack) કર્યા બાદ નવા વર્ષમાં વધુ એક યુદ્ધના (War) ભણકારા વાગવા લાગ્યા છે. યુએસ અને યુકેના હુમલા બાદ હૂથી બળવાખોરો ભડક્યા છે અને તેઓએ વળતા હુમલાની તૈયારી કરી લીધી છે.

ગુરુવારે હૂથી બળવાખોરોના ઠેકાણા પર યુએસ-યુકે આર્મીના યુદ્ધ જહાજોના હુમલાઓમાં હૂથી બળવાખોરોના UAVs, માનવરહિત સપાટી પરના જહાજો, ગ્રાઉન્ડ એટેક ક્રુઝ મિસાઇલો, રડાર અને હવાઈ સેવાઓની સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલાઓ પછી અમેરિકા અને બ્રિટને કહ્યું છે કે આ રેડ સી હુથીઓના વધતા હુમલાનો જવાબ છે. જો હૂથીઓએ લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું, તો યમનમાં વધુ હુમલાઓ કરવામાં આવશે. જેના જવાબમાં હૂથીઓએ પણ અમેરિકા અને બ્રિટનના યુદ્ધ જહાજોને નિશાન બનાવવાની જાહેરાત કરી છે.

હૂથી બળવાખોરોએ યમનમાં યુએસ અને બ્રિટિશ દળો દ્વારા કરવામાં આવેલા હુમલા પર આકરી પ્રતિક્રિયા આપી છે. હૂથીઓએ અમેરિકા અને બ્રિટનના યુદ્ધ જહાજો સામે યુદ્ધની ઘોષણા કરી છે અને જવાબી હુમલા શરૂ કર્યા છે. હૂથી જૂથના વરિષ્ઠ સભ્ય અબ્દુલ સલામ ઝહાફે શુક્રવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે પશ્ચિમી સહયોગીઓના હુમલાના જવાબમાં અમારા દળોએ લાલ સમુદ્રમાં યુએસ અને બ્રિટિશ યુદ્ધ જહાજો પર જવાબી હુમલા કર્યા છે. ઝહાફે કહ્યું કે યમનમાં જે હુમલા થયા છે તેના માટે અમેરિકા સમાધાન કરશે.

હૂથીના નાયબ વિદેશ મંત્રી હુસૈન અલ-અઝીએ કહ્યું છે કે યમન પર હુમલાના ગંભીર પરિણામો અમેરિકા અને બ્રિટનને ભોગવવા પડશે. તેમણે કહ્યું કે, અમેરિકન અને બ્રિટિશ સેના દ્વારા સબમરીન અને ફાઈટર જેટ્સનો ઉપયોગ કરીને આપણા દેશ પર મોટા પાયે હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકા અને બ્રિટને આની ભારે કિંમત ચૂકવવી પડશે તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ. બંને દેશોએ આ જબરદસ્ત આક્રમકતાના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

અમેરિકાએ કેમ કર્યો હૂમલો?
વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ‘ગયા મહિને લાલ સમુદ્રમાં વેપારી જહાજો પર થયેલા હુમલા પછી યુએસએ 20 થી વધુ દેશો સાથે મળીને ‘ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન’ શરૂ કર્યું હતું જેથી હુથી બળવાખોરોના હુમલાઓથી વેપારી જહાજોને સુરક્ષિત કરી શકાય.

ગયા અઠવાડિયે 13 સહયોગી દેશો સાથે અમે હૂથી બળવાખોરોને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો તેઓ વેપારી જહાજો પર હુમલા બંધ નહીં કરે તો ગંભીર પરિણામો આવશે. હૂથી બળવાખોરો સામે આજના હવાઈ હુમલા એ સ્પષ્ટ સંદેશ છે કે અમેરિકા અને તેના સાથી દેશો વિશ્વના સૌથી મહત્વપૂર્ણ શિપિંગ વાણિજ્યિક માર્ગ પર નેવિગેશનની સ્વતંત્રતા સાથે સમાધાન કરશે નહીં.’

Most Popular

To Top