National

દિલ્હીમાં શ્રદ્ધા જેવો વધુ એક હત્યાકાંડ, લિવ-ઈન પાર્ટનરની ઘાતકી હત્યા

નવી દિલ્હી: શ્રદ્ધા મર્ડર કેસ (Shraddha Murder Case) જેવી વધુ એક ભયાનક ઘટના દિલ્હી (Delhi)ના તિલક નગર માં સામે આવી છે. જ્યાં એક હેવાને લિવ-ઈન પાર્ટનરની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આરોપીએ મહિલાના ગળા અને જડબા પર ચોપર (Chopper)વડે હુમલો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબથી પ્રેરિત હતો. પહેલા તેણે મૃતદેહ (Death Body)ના ટુકડા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘરમાં દીકરી હાજર હતી એટલે બધું મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની પંજાબથી ધરપકડ કરી છે.

લિવ-ઇન પાર્ટનરની ઘાતકી હત્યા
તમને જણાવી દઈએ કે મૃતક મહિલાનું નામ રેખા અને આરોપીનું નામ મનપ્રીત સિંહ છે. આરોપ છે કે આરોપી મનપ્રીતે લિવ-ઈન પાર્ટનરને મારવા માટે રેખાની સગીર પુત્રીને ઊંઘની ગોળીઓ આપી હતી. ગુરુવારે દિલ્હીના તિલક નગર વિસ્તારમાં ઘરમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

આરોપીઓ સામે અગાઉ પણ નોંધાયા છે ઘણા કેસ
મળતી માહિતી મુજબ, આરોપી મનપ્રીત સિંહ પૂર્વ પશ્ચિમ વિહારમાં સંગમ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. મનપ્રીત સિંહ હત્યાનો પ્રયાસ, ખંડણી માટે અપહરણ અને આર્મ્સ એક્ટ સહિત 6 ગુનાહિત કેસમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકની પુત્રીને ઉંઘની ગોળીઓ અપાઈ હતી
સ્પેશિયલ પોલીસ કમિશનર (ક્રાઈમ) રવિન્દ્ર સિંહ યાદવે જણાવ્યું હતું કે 1 ડિસેમ્બરે ગણેશ નગરમાં રહેતી રેખાની પુત્રીએ પોલીસને જાણ કરી હતી કે તે તેની માતા અને કાકા મનપ્રીત સાથે ઘરમાં રહેતી હતી. 1 ડિસેમ્બરે સવારે 6 વાગ્યે જ્યારે તે જાગી ત્યારે મનપ્રીત સિંહે તેને ગોળીઓ આપી અને સૂવા કહ્યું. જ્યારે તેને શંકા ગઈ તો તેણે મનપ્રીત સિંહને તેની માતા વિશે પૂછ્યું. તો તેણે કહ્યું કે મા બજારમાં ગઈ છે.

આ રીતે થયો ઘટનાનો ખુલાસો
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે બાદમાં દીકરી પશ્ચિમ વિહારમાં તેના પિતરાઈ ભાઈના ઘરે ગઈ અને ત્યાંથી પોલીસને ફોન કર્યો. તેણે પોલીસને માહિતી આપી હતી કે મનપ્રીત અને તેની માતા વચ્ચે પૈસાને લઈને કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. તેને મનપ્રીત સિંહ પર શંકા છે કે તેની માતાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ત્યારબાદ પોલીસ પીડિતાના ઘરે પહોંચી અને દરવાજો તોડી નાખ્યો. પોલીસના જણાવ્યા અનુસાર રેખા ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેના ચહેરા અને ગરદન પર અનેક ઘા હતા. તેના જમણા હાથની આંગળી કપાઈ ગઈ હતી. ત્યારબાદ ફરાર મનપ્રીત સિંહ પંજાબના પટિયાલા જિલ્લાના અલીપુરમાંથી ઝડપાયો હતો. પૂછપરછ દરમિયાન મનપ્રીતે ખુલાસો કર્યો કે તે રેખાને વર્ષ 2015માં મળ્યો હતો, ત્યારબાદ બંને તિલક નગર વિસ્તારના ગણેશ નગરમાં સાથે રહેવા લાગ્યા હતા.

Most Popular

To Top